બાળલગ્ન વિરૂધ્ધ જાગૃતિ કેળવવા ધરમપુરના ખોબામાં રાત્રિ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતગર્ત વ્હાલી દીકરી યોજના સહિતની વિવિધ યોજના અંગે સમજ અપાઈ હતી. વલસાડ જિલ્લામાં બાળ લગ્ન રોકવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ધરમપુરના ખોબા ગામ ખાતે રાત્રી સમયે ગ્રામજનો મળી રહે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી બાળલગ્ન રોકવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુર તાલુકાના ખોબા ગામ ખાતે ધરમપુરની વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની NSSની વાર્ષિક શિબિર દ્વારા સમાજના છેવાડાના અભાવગ્રસ્ત લોકો સુધી રાજય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ પહોંચાડવાના હેતુથી ગ્રામ શિબિરનું આયોજન કરવામાં આવે છે.
જે દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં NSS વિદ્યાર્થીઓ દ્વારા બાળલગ્ન રોકવા અને વ્હાલી દીકરી યોજનાના ફાયદાઓ બતાવતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈ દ્વારા બાળલગ્ન રોકવા માટે ખૂબ ભારપૂર્વક જણાવી મહિલા અને બાળ અધિકારીની કચેરીની બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતગર્ત વ્હાલી દીકરી યોજના વિશે તેમજ મહિલા બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર પ્રા. ડૉ. શૈલેષ સી.રાઠોડ, પ્રા.વર્ષાબેન પી.પટેલ, પ્રા.સકીનાબેન જી.પટેલ તેમજ કોલેજના સહાયક કર્મચારીઓ અને DHEW ના કર્મચારી, સખીવન સ્ટોપ સેન્ટરના કર્મચારી તેમજ શિબિરમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓ, લોકમંગલમ ટ્રસ્ટ છાત્રાલયના બાળકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.