જૂનાગઢમાં મધુર સોશ્યલ ગ્રુપ અને કચ્છ કાઠીયાવાડ ગુજરાત પેન્શન એસો.ના હોદેદારો દ્વારા કાર્યક્રમ
નિવૃત્ત થયેલા જુનાગઢ સહિત દેશભરના 65 લાખ ઈપીએફ પેન્શનની વારંવારની કાકલુદી અને ગાંધી ચિંધ્યા માર્ગે કરવામાં આવેલ રજૂઆતો છતાં પેન્શનરોની નાની એવી યોગ્ય માંગને સરકારે ન સ્વીકારતા પેન્શનરોએ કુદરતને સંબોધીને ગઈકાલે જુનાગઢ ખાતે એક આવેદન પાઠવ્યું હતું. જેમાં મધુર સોશિયલ ગ્રુપ અને કચ્છ કાઠીયાવાડ ગુજરાત પેન્શન એસો.ના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.
જ્યારે સરકાર વાત ન સાંભળે ત્યારે સરકારના સરકાર એવા કુદરતને આજીજી કરવા શિવાય કોઈ વિકલ્પ બચતો ન હોય તેવા ઉદેશ્ય સાથે ગઈકાલે જુનાગઢ ખાતે મધુર સોશિયલ ગ્રુપ અને કચ્છ કાઠીયાવાડ ગુજરાત પેન્શન એસો. દ્વારા ઇપીએફ પેન્શન ધારકોને પૂરતું પેન્શન મળે તે માટે એક આવેદન ઈશ્વર, અલ્લાહ અને ઈસુ ભગવાનનો સહારો લઇ ભગવાન સમક્ષ આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે મધુર સોશિયલ ગ્રુપના સલીમભાઈ ગુજરાતીએ અબ તક સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, જુનાગઢ સહિત રાજ્યભરના અને દેશના કુલ 65 લાખ ઇ.પી.એફ. 95 આધારિત પેન્શનરો અત્યારે નિવૃત્તિનું જીવન જીવી રહ્યા છે. અને તેમને નજીવું એવું પેન્શન મળી રહ્યું છે. જે હાલના કપરા મોંઘવારીના સમયમાં સામાન્ય છે. બીજી બાજુ નિવૃત્ત કર્મચારીઓ હાલમાં અશક્ત અને શારીરિક રીતે વૃદ્ધ બન્યા છે ત્યારે પરિવારના સંચાલન સાથે દવાઓનો ખર્ચ પણ વધ્યો છે. પરંતુ સરકાર દ્વારા ઈપીએફ 95 આધારિત પેન્શનરો બાબતે અનેક રજૂઆતો ઇપીએફ કમિશનર, મુખ્યમંત્રી અને છેક વડાપ્રધાન સુધી કરવામાં આવી છે, પરંતુ અમારી માગણીઓનો ઉકેલ આવ્યો નથી. ત્યારે ના છૂટકે ના ઈલાજે ઈપીએફ પેન્શન ધારકોએ ઈશ્વર, અલ્લાહ અને ઈસુ ભગવાનનો સહારો લીધો છે. અને ભગવાન સમક્ષ આવેદન આપી પોતાની રજૂઆતો કરી છે.
આ સાથે મધુર સોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી, મહેન્દ્રભાઈ દવે, રતિભાઈ ગરાડા, નાથાલાલ પરમાર, અમિષ ગોસાઈ, યુસુફભાઈ શેખ સહિતનાઓએ ઉપસ્થિત રહી સરકાર પણ આ બાબતે યોગ્ય નિર્ણય કરે તેવી વિનંતી કરી છે.