દ્વારકા ઉપરાંત માંડવી, પોરબંદર અને વેરાવળ બંદરો પર બનશે ક્રુઝ ટર્મિનલ
ગુજરાતના ગાંધીનગર ખાતે ચાલુ થયેલા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ માટે પ્રથમ દિવસે જ ઉધોગપતિઓએ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને કોસ્ટલ વિસ્તારમાં ટુરીઝમ ક્ષેત્રે બમ્પર વિકાસની શકયતા જોતાં મહાત્વાકાંક્ષી પ્રોજેકટ સાથે મેગા પ્રોજેકટસની જાહેરાતો કરવામાં આવી છે. જેમાં શીપીંગ ક્ષેત્રે જાણીતી કંપની જે.એમ.બક્ષીએ ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના મુખ્ય ટુરીઝમ તેમજ બંદરના વિકાસલક્ષી સ્થળો સૌરાષ્ટ્રના યાત્રાધામ દ્વારકા, પોરબંદર તેમજ વેરાવળ અને કચ્છમાં માંડવી બંદર મળી કુલ ચાર જગ્યાએ ક્રુઝ ટર્મિનલો વિકસાવવા અંગે કરારો કર્યા છે.
ગુજરાત સરકારના અધિકારીઓએ આ ક્રુઝ ટર્મિનલોના નિર્માણ અંગે આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાર બંદર તથા યાત્રાધામો ખાતે ક્રુઝ ટર્મીનલો અંદાજીત રૂ.૧ હજાર કરોડના ખર્ચે બનાવવાની જાહેરાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, આગામી ત્રણ વર્ષના સમયગાળામાં દ્વારકા ખાતેનું ક્રુઝ ટર્મીનલ કાર્યરત થાય તેવી સંભાવનાઓ છે. આ સાથે ગુજરાતના યાત્રાધામો તથા બંદરો પર ક્રુઝ ટર્મીનલો બનતા અહીંના ટુરીઝમ ઉધોગને બમ્પર બુસ્ટઅપ મળે તેવી સંભાવનાઓ ઉભી થઈ છે અને દ્વારકામાં આગામી ત્રણ વર્ષમાં ક્રુઝ ટર્મીનલના આયોજનથી દ્વારકા સહિતના સ્થળોએ હોટલ ઉધોગ પણ જેટ ગતિએ વિકાસ પામશે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.