મોબાઇલમાં કરેલા ઓડિયો રેકોર્ડીગના આધારે કરાઇ કાર્યવાહી: રિમાન્ડ નામંજુર થતા જેલ હવાલે
રાજકોટ પીજીવીસીએલની આજી-2 પેટા વિભાગીય કચેરીના તત્કાલિન જુનિયર એન્જિનીયર અને હાલ આટકોટ ખાતે ફરજ બજાવતા પંકજ રતિલાલ ખૂંટે ત્રણ વર્ષ પહેલાં રૂા.15 હજારની લાંચની કરેલી માગણી અંગે એસીબી દ્વારા ચાલતી તપાસમાં જુનિયર ઇજનેરે લાંચ માગ્યાના મોબાઇલમાં કરેલા ઓડિયો રેકોર્ડીંગના આધારે ગુનો નોંધાયો છે.
પંજક ખૂંટ રાજકોટ ખાતે ફરજ બજાવતા હતા ત્યારે ગાંધી સ્મૃતિ સોસાયટી વીજ ચોરી અંગે મીટર કબ્જે કરાયું હતું અને તેનું લેબોરેટરી ચકાસણી નહી કરવાના બદલામાં મોબાઇલમાં વાત ચીત કરી રૂા.20 હજારની લાંચની માગણી કરવામાં આવી હતી. રકઝકના અંતે રૂા.15 હજારમાં નક્કી થયાની રાજકોટ એસીબીમાં ગત તા.28-9-18ના રોજ અરજી થઇ હતી.
પંકજ ખૂંટ સામે એસીબીમાં અરજી થતા તેની રાજકોટથી આટકોટ ખાતે બદલી કરાઇ હતી. એસીબીના મદદનીશ નિયામક એ.પી.જાડેજા, અને પી.આઇ. મયુરધ્વજસિંહ સરવૈયા દ્વારા કરાયેલી તપાસમાં લાંચ માગ્યા અંગેના પુરાવા મળતા ત્રણ વર્ષ બાદ ગુનો નોંધી પંકજ ખૂંટ સામે ગુનો નોંધી ધરપકડ કરી રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે રિમાન્ડ નામંજુર કરી જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.
જામનગર જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી સામે અપ્રમાણસરની મિલતકનો નોંધાતો ગુનો
ફરજ દરમિયાન ભ્રષ્ટ રીત રસમથી રૂા.24.77 લાખની વધુ મિલતક વસાવી
જામનગર જિલ્લા પંચાયતના નિવૃત કર્મચારી સામે અપ્રમાણસરની મિલકત અંગે થયેલી અરજીની તપાસના અંતે આવકની સરખામણીએ રૂા.24.77ની વધુ મિલકત હોવાના પુરાવા મળતા તેની સામે ફરજ દરમિયાન ભ્રષ્ટ રીત રસમથી મિલકત વસાવી અપ્રમાણસરની મિલકત અંગેનો ગુનો નોંધાયો છે.જામનગર જિલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગમાં તા.1-2-2005 થી તા.31-3-2015 દરમિયાન વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર સામે આવકના પ્રમાણમાં વધુ મિલકત હોવા અંગેની થયેલી અરજીની જામનગર એસીબી દ્વારા થયેલી તપાસમાં દેવેન્દ્રસિંહ પરમાર, તેમના પત્ની અને પુત્ર તેમજ પુત્રીના નામે રૂા.79.35 લાખની મિલકત વસાવી છે. જે તેમની ફરજ દરમિયાન આવક રૂા.54.58 લાખ થવી જોઇએ તેની સરખામણીમાં રૂા.24.77 લાખની વધુ આવક અંગેના પુરાવા મળી આવતા જામનગર એસીબીના પી.આઇ. એ.ડી.પરમારે દેવેન્દ્રસિંહ પરમાર સામે અપ્રમાણસરની મિલકત અંગે ગુનો નોંધાતા મોરબી એસીબી પી.આઇ. પી.કે.ગઢવીએ તપાસ હાથધરી છે.