- જામનગરમાં રેન્જ આઈ.જી. નીઅધ્યક્ષતામાં ત્રણ નવા કાયદાની અમલવારીની ચર્ચા અર્થે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
- જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષકોની પણ ઉપસ્થિતિ
જામનગરમાં ગઈકાલે રાજકોટ રેન્જ ના આઈજી અશોકકુમાર યાદવના અધ્યક્ષ સ્થાને હાલારના બન્ને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં તાજેતરમાં બદલાયેલા ત્રણેય ભારતીય કાયદાઓના અમલીકરણમાં લોકો તેમજ પોલીસ સ્ટાફને પડતી મુશ્કેલી અને તેના નિવારણ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટ રેન્જ આઈજીના અધ્યક્ષ સ્થાને જામનગરની એસ.પી. કચેરીના કોન્ફરન્સ હોલ માં ગઈકાલે મળેલી બેઠકમાં જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ, દ્વારકાના એસપી નિતેશ પાંડે, જામનગર શહેરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા તેમજ દ્વારકા જિલ્લાના ડીવાયએસપીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં ભારતીય ન્યાય સંહિતા (જુની આઈપીસી)ની કલમો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (જુની સીઆરપીસી), ભારતીય પુરાવા અધિનિયમ (એવીડન્સ એક્ટ)ની અમલવારી અંગે રેન્જ આઈજીએ અધિકારીઓના અભિપ્રાયો જાણ્યા હતા, તેમજ ચાર્જશીટના નિયમો અને પુરાવાના અધિનિયમના પાલન માટે સ્ટાફને પડતી તકલીફોની સમીક્ષા કરવા અને અમલીકરણને વધુ સરળ બનાવવા અધિકારીઓને સુચના આપી હતી.
અહેવાલ: સાગર સંઘાણી