Abtak Media Google News

સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા અને રાજકોટ જિલ્લાના એસપી – ડીવાયએસપી સાથે અનેક મુદ્દે સમીક્ષાનો દોર

રાજકોટ રેન્જ હેઠળ આવતા પાંચ જિલ્લા એટલે કે, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર અને મોરબીમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષાના હેતુસર રેન્જ આઈજી અશોક યાદવની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે કોન્ફરન્સમાં તમામ જિલ્લાના એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ રેન્જના પાંચેય જિલ્લા રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા અને જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચેય જિલ્લાના એસપી જેવા કે રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોર, જામનગર એસપી પ્રેમસુખ ડેલું, સુરેન્દ્રનગર એસપી ડો. ગિરીશ પંડ્યા, દ્વારકા એસપી નીતીશ પાંડે, મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ક્રાઇમ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ વડાની સાથોસાથ ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા છે. અંદાજિત આજે સવારે 11:30 વાગ્યે શરૂ થયેલી કોન્ફરન્સમાં સૌ પ્રથમ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. જેમાં પાંચેય જિલ્લામાં ક્રાઇમ રેશીયો, ત્રણેય નવા ફોજદારી કાયદાનો અભ્યાસ અને અમલવારી, સ્ટુન્ડ – પોલીસ (એસપીસી) તાલીમ, પોલીસ તાલીમ સહીતની બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત રેન્જના પાંચેય જિલ્લામાં અનડિટેક્ટ ગુનાની વિગતો, નાસ્તા ફરતા આરોપીઓની યાદી, જૂના ગુનાની તપાસ, હથિયાર લાયસન્સમાં રાખવામાં આવતી તકેદારી તેમજ નિભાવ રજીસ્ટર સહીતની બાબતોની માહિતી મંગાવી તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી તેમજ રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા આ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

વણઉકેલાયેલા ગુના, નાસતા – ફરતા આરોપીઓ, હથિયારના લાયસન્સ સહીતની વિગતો મંગાઈ

રેન્જ આઈજી અશોક યાદવે ક્રાઇમ કોન્ફરન્સમાં પાંચેય જિલ્લાના વડા પાસે વણઉકેલાયેલા ગુન્હા અને તેની તપાસની સ્થિતિ, નાસ્તા-ફરતા આરોપીઓની યાદી અને તેમને પકડી પાડવા કરાયેલો કામગીરી, હથિયાર લાયસન્સમાં રાખવામાં આવતી તકેદારી તેમજ નિભાવ રજીસ્ટર સહીતની વિગતો માંગી હતી અને ત્યારબાદ જરૂરી સૂચનાઓ આપી હતી.

હર ઘર તિરંગા કાર્યક્રમ અનુસંધાને સૂચનાઓ અપાઈ

રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ ભાજપ દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે 10 થી 15 ઓગસ્ટ દરમિયાન તમામ ઘરમાંથી તિરંગો ફરકાવામાં આવે તેવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ કાર્યક્રમ હેઠળ પ્રજાજનો તિરંગો લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સહભાગી થાય તેના માટે રેન્જ આઇજી અશોક યાદવ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.