• આનંદ પટેલ આવ્યા ખરા પરંતુ પી.એ. સિવાય કોઇને મળ્યા નહિં: ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ ઘણો સમય ચેમ્બરમાં ગાળ્યો

શહેરના નાના મવા ચોકમાં ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે. મ્યુનિ.કમિશનર આનંદ પટેલની બદલી કરી દેવામાં આવી છે. ટીપીઓ એમ.ડી.સાગઠીયા પાસેથી ચાર્જ આંચકી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોર્પોરેશનના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં સ્મશાન જેવો સન્નાટો જોવા મળતો હતો. કર્મચારીઓને મોંઢે પણ એક જ ચર્ચા થતી હતી કે હવે કોનો ભોગ લેવામાં આવશે.

અગ્નિકાંડની ઘટનામાં સંપૂર્ણપણે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. હાઇકોર્ટ દ્વારા પણ કોર્પોરેશનની આકરી ઝાટકણી કરવામાં આવી હતી. એક તબક્કે કમિશનરને પણ સસ્પેન્ડ કરી દેવાની તૈયારી અદાલત દ્વારા કરવામાં આવી હતી. અદાલતના આકરા પગલા બાદ સન્નાટો છવાઇ ગયો છે. ગઇકાલે સાંજે મ્યુનિ.કમિશનર આનંદ પટેલની બદલી કરી નાંખવામાં આવી છે. તેઓના સ્થાને ડી.પી.દેસાઇને રાજકોટના મ્યુનિ.કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે ટીપીઓ એમ.ડી.સાગઠીયા પાસેથી ચાર્જ આંચકી લેવામાં આવ્યો છે. તેઓને કોઇ કામગીરી હાલ સોંપવામાં આવી નથી. ટીપીઓનો ચાર્જ રૂડાના પંડ્યાને સોંપવામાં આવ્યો છે. હાઇકોર્ટની ઝાટકણી અને રાજ્ય સરકારની આકરી કાર્યવાહી બાદ આજે કોર્પોરેશન કચેરીમાં સન્નાટો છવાઇ ગયો છે. વર્તમાન ચૂંટાયેલી બોડીને પણ સુપરસીડ કરવામાં આવે તેવી દહેશત વર્તાઇ રહી છે. સમગ્ર પ્રકરણમાં કોર્પોરેશનની જ મુખ્ય જવાબદારી છે. આવામાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજે રિતસર સન્નાટો વ્યાપી ગયો હતો. અધિકારીઓ અને કર્મચારીઓ ફોન પર પણ વાતો કરવા માટે તૈયાર થતા ન હતા. આજે સવારે આનંદ પટેલ થોડીવાર માટે કચેરીએ આવ્યા હતા. પરંતુ તેઓ પોતાના પી.એ. રામાનુજને જ મળ્યા હતા. સ્ટાફ, અરજદારો કે પત્રકારોને મળવાનો ઇન્કાર કરી દીધો હતો. જ્યારે બીજી તરફ એમ.ડી.સાગઠીયાને હાલ કોઇ ચાર્જ સોંપવામાં આવ્યો નથી. પરંતુ સવારે તેઓ પોતાની ચેમ્બરમાં સારો સમય બેઠા હતા. લોકોને પણ મળ્યા હતા. કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓમાં બસ એક જ ચર્ચા થઇ રહી છે કે હવે આગળ શું થશે અને કોનો વારો ચડશે? અરજદારોની સંખ્યા પણ ઘટી રહી છે.

રાજ્ય માનવ અધિકાર પંચે કોર્પોરેશનને નોટિસ ફટકારી

રાજકોટમાં ગત શનિવારે સર્જાયેલી અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય માનવ અધિકાર પંચ પણ હવે મેદાનમાં આવ્યું છે. રાજકોટના પોલીસ કમિશનર અને મ્યુનિ.કમિશનરને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જવાબદાર અધિકારીઓ અંગે વિસ્તૃત અહેવાલ માંગવામાં આવ્યો છે.

રાજ્યમાં અલગ-અલગ શહેરના જિલ્લા કલેક્ટર, એસ.પી. અને પોલીસ કમિશનર પાસે ગેરકાયદે મંજૂરી વિના ધમધમતા ગેમ ઝોન અને ફાયર એનઓસી વિના ચાલતા ગેમ ઝોન અંગેની માહિતી માનવ અધિકાર પંચ દ્વારા માંગવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.