અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા
ગઈખાલે તાઉ-તે વાવાઝોડાના પગલે તંત્રની સઘન કાર્યવાહીને કારણે કોઈ મોટી જાનહાની થવા પામેલ નથી પણ તાલુકાના ઈશરા ગામે ઝાડ નીચે બાંધેલી ગાયનું ઝાડ પડતા મોત થયું છે. જયારે રેલવે સ્ટેશન પ્લેટ ફોર્મના પતરા ભારે પવનને કારણે ઉડી ગયા હતા. રાજમાર્ગ શિવ હોસ્પિટલ પાસે કાર પર વૃક્ષ પડતા કારને નુકશાન થવા પામ્યું છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ તાઉ-તે વાવાઝોડાને પગલે ગઈકાલે બપોર બાદ એન.ડી.આર.એફ.ની ટીમ, મામલતદાર ટીમ સહિતનું તંત્ર ભાદર, વેણુ અને મોજ ડેમ સાઈડનાં 10 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં જઈ લોકોને વાવાઝોડા અંગે માહિતી આપી હતી. શહેરના જીનમીલ ચોક, નાગનાથ ચોક, ખાખી જાળીયા રોડ પરથી 650 તેમજ ગ્રામ્ય વિસ્તારના મળી 1703 લોકોનું સ્થળાંતર કરી જુદી જુદી ત્રણ સ્કુલોમાં આશરો આપવામાં આવ્યો હતો. રાત્રે 12 વાગ્યા બાદ ભારે પવન, વિજળી સાથે વરસાદ ચાલુ થયો હતો જે વહેલી સવારે સાત વાગ્યાસુધી વરસ્યો હતો તેમજ ભાયાવદર-પાનેલી ઉપલેટા સહિતના ગામોમાં મોડીરાત્રે વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તે સવારે ફરી કાર્યરત થયો હતો.તાઉ-તે વાવાઝોડાના પગલે તાલુકાના ઈશરા ગામે ઝાડ નીચે બાંધેલી કરશનભાઈ જગમાલભાઈ ભિંભાની ગાયનું ઝાડ પડતા મરણ થયું છે. જયારે વહેલી સવારેભારે પવન ને કારણે રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મના પતરા ઉડી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. જયારે પાનેલી ગામ પાસે વહેલી સવારે વૃક્ષ પડી જતા વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જયારે શહેરનાં રાજમાર્ગ ઉપર વિપુલ ડાઈનીંગ હોલ પાસે પાર્ક કરેલી કાર ઉપર ઝાડ પડતા કારને નુકશાન થવા પામ્યું છે.