રાજકોટ-મોરબી હાઇવે પર ગૌરીદળ ગામ નજીક ગતરાત્રીના સમયે ત્રિપલ અકસ્માત સર્જાયો છે જેમાં પુરપાટ જડપે આવતા ક્ધટેનરે પાર્ક કરેલ ઇકો અને બાઇકને હડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં માંડવીની મહીલાનું કરૂણ મોત નિપજયું છે અને અન્ય પાંચ લોકોને ગંભીર ઇજા પહોચતા તેઓને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કચ્છના માંડવીના ત્રણ દંપતિ સૌરાષ્ટ્રની જાત્રા માટે નીકળ્યા હતા. અને માંડવી પરત ફરી રહેલા હતા તે વેળાએ ગવરીદળ નજીક હોટલ પાસે ચા-નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા ત્યારે પાર્ક કરેલ ઇકોમાં મહીલા બેસેલી હતી અને બાકીના લોકો ઇકોની નજીક ઉભા હતા તે વેળાએ પુરપાટ ઝડપે આવતો ક્ધટેનર રોડ પરથી ઉતરી જતા પ્રથમ બાઇકને હડફેટે લીધું હતું. અને સાથે ઇકોને હડફેટે લેતા રપ ફુટ સુધી ઢસડાઇ હતી જેમાં પાંચ લોકોને ઇજા પહોંચી હતી અને માંડવીની મહીલાનું મોત નિપજયું છે. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છ માંડવીના અમૃતાબેન હરેશભાઇ ગૌર (ઉ.વ.53)નું ઘટના સ્થળે મોત નીપજયું છે જયારે સરલાબેન અતુલભાઇ રાજગોર (ઉ.વ.4પ), હેમતભાઇ કાનજીભાઇ ચાવડા (ઉ.વ.40), તેના પત્ની ગીતાબેન, મનદીપભાઇ લક્ષ્મણભાઇ મેંદપરા (ઉ.વ.30) રહે. રાજકોટ ને ઇજા પહોચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મૃતક અમૃતાબેન અને તેના પતિ હરેશભાઇ રાજગોર સહીતના ત્રણ દંપતિ માંડવીથી ઇકો કારમાં બેસી જામનગર, સોમનાથ, દ્વારકા, પોરબંદર,: વિરપુર, જુનાગઢ અને ગોંડલ જાત્રાએ નીકળ્યા હતા. તે વેળાએ યાત્રા પૂર્ણ કરીને પરત ફરતા હતા ત્યારે ગૌરીદળ પાસે ચા પાણી પીવા માટે ઇકો કાર ઉભી રાખી હતી. તે દરમ્યાન બિહારનો રવિન્દ્રકુમાર ક્ધટેનર ચાલક બાઇક સવારને બચાવવા જતાં ક્ધટેનર રોડ પરથી ઉતારયું હતું તે સમયે પાર્ક થયેલી ઇકો કારને હડફેટે લેતા ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક, કાર તેમજ ઝાડ,વીજપોલ અને ત્યાં જ પડેલી રેંકડીને ઠોકરે લીધું હોવાનું બહાર આવ્યું છે.
બનાવની જાણ થતાં જ 108 અને કુવાડવા પોલીસના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ગોઝારો અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફીક જામ થઇ જતા અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇડમાં લેવડાવી ટ્રાફીક કલીયર કર્યો હતો. કુવાડવા પોલીસે જરુરી કાર્યવાહી હાથ ધરી છે.