- વોર્ડ નં.11માં સુવર્ણ ભૂમિ કોમ્પ્લેક્સની પાછળ શ્રીનાથજી પાર્કમાં ટીપીના રોડ અને એસ.ઇ.ડબલ્યૂ.એસ. હેતુના અનામત પ્લોટ પર બુટલેગરોએ બનાવેલા દસ મકાનો તોડી પડાયા
- સતત પાંચ કલાક સુધી ચાલી માથાકૂટ: ડિમોલીશન અટકાવવા પૂર્વ ધારાસભ્ય સિદ્વાર્થ પરમાર ધસી આવ્યા: વધારાનો પોલીસ બંદોબસ્ત બોલાવી બુટલેગરોના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.11માં સ્પિડવેલ પાર્ટી પ્લોટની સામે સુવર્ણ ભૂમિ કોમ્પ્લેક્સની પાછળ શ્રીનાથજી પાર્ક વિસ્તારમાં બુટલેગરોએ કોર્પોરેશનના ટીપી રોડ અને આવાસ યોજના હેતુ માટેના પ્લોટ પર ગેરકાયદે ખડકી દીધેલા આઠ જેટલા મકાનો પર આજે કોર્પોરેશનની ટીપી શાખા દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ડિમોલીશન અટકાવવા માટે સતત પાંચ કલાક સુધી ઉગ્ર માથાકૂટ કરવામાં આવી હતી. ખૂદ પૂર્વ ધારાસભ્ય સિદ્વાર્થ પરમાર પણ ડિમોલીશન અટકાવવા માટે સ્થળ પર ધસી આવ્યા હતા. છતાં કોર્પોરેશને હિમ્મતપૂર્વક વધારાનો પોલીસ બંદોબસ્ત બોલાવી બુટલેગરોના ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા હતા.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત મહિને શહેરના વોર્ડ નં.11માં શ્રીનાથજી પાર્ક વિસ્તારમાં સ્થાનિકો દ્વારા દારૂના હાટડાંઓ ઉપર જનતા રેડ પાડવામાં આવી હતી. આ અંગે કોર્પોરેશનમાં પણ ઉગ્ર રજૂઆત કરાઇ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે સ્થળ વિઝીટ કરી એવી બાંહેધરી આપી હતી કે બુટલેગરોના ગેરકાયદે ખડકાયેલા બાંધકામો કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવશે. દરમિયાન આજે સવારે આઠ કલાકે વેસ્ટ ઝોન કચેરીની ટીપી શાખાનો કાફલો વિજીલન્સ બંદોબસ્ત સાથે ડિમોલીશન કરવા માટે ત્રાટક્યો હતો. વોર્ડ નં.11માં ટીપી સ્કિમ નં.26 (મવડી)ના ફાઇનલ પ્લોટ નં.6/એ ના એસ.ઇ.ડબલ્યૂ.એસ. હેતુ માટેના અનામત પ્લોટ અને 9 મીટર ટીપીના રોડ પર બુટલેગરો દ્વારા ગેરકાયદે ખડકી દેવામાં આવેલા આઠ જેટલા મકાનોને તોડવા માટે ડિમોલીશનની કામગીરી શરૂ કરી હતી. લોકોના ટોળે-ટોળા એકત્રિત થઇ ગયા હતા અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે ઉગ્ર માથાકૂટ પર ઉતરી આવ્યા હતા. ડિમોલીશન અટકાવવા માટે પૂર્વ ધારાસભ્ય સિદ્વાર્થ પરમાર પણ દોડી આવ્યા હતા. તેઓએ જે મકાનોનું ડિમોલીશન કરવાનું છે. તે દસ્તાવેજવાળા હોવાનું કહી કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, દસ્તાવેજ ખરેખર અન્ય મકાનના હતા. જે તેઓને સમજાવવામાં આવ્યું હતું. તાલુકા પોલીસ સ્ટેશનનો વધારાનો બંદોબસ્ત મંગાવી ડિમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અમૂક મહિલાઓ જેસીબી આગળ સૂઇ ગઇ હતી અને ડિમોલીશનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સતત પાંચ કલાકની ઉગ્ર માથાકૂટ-બોલાચાલી બાદ કોર્પોરેશનને શ્રીનાથજી પાર્ક વિસ્તારમાં બુટલેગરોએ ગેરકાયદે ખડકેલા આઠ મકાનો તોડી પાડ્યા હતા અને અંદાજે 200 ચોરસ મીટરની જમીન ખૂલ્લી કરાવી હતી.
ફરી બાંધકામ ખડકી દેવાની ચીમકી ઉચ્ચારતા દબાણકર્તાઓ
સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ ખડકી દેનારા લોકોને કોઇનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. આજે શ્રીનાથજી પાર્કમાં કોર્પોરેશનના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ટીપી શાખા ત્રાટકી હતી. જ્યારે સ્ટાફ સાથે સતત પાંચ-પાંચ કલાક સુધી ઉગ્ર માથાકૂટ કરી બબાલ સર્જનાર દબાણકર્તાઓએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે આજે ભલે અમારા બાંધકામ તોડી
પાડવામાં આવે પરંતુ અમે ફરીથી અહિં મકાન બનાવી લેશું. ડિમોલીશન અટકાવવા માટે અન્ય સ્થળના દસ્તાવેજ રજૂ કર્યા હતા. મહિલાઓ બુલડોઝરની આગળ સૂઇ ગઇ હતી. મામલો ખૂબ જ ઉગ્ર બની ગયો હતો. છતાં તંત્રએ મચક આપી ન હતી અને બુટલેગરોના બાંધકામ તોડી પાડ્યા હતા.
સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે બોલ્યા બોલ પાળી બતાવ્યા
શ્રીનાથજી પાર્કમાં ધમધમતા દારૂના હાટડા પર જનતા રેડ કર્યા બાદ સ્થાનિકોએ કોર્પોરેશનના પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે એવી બાંહેધરી આપી હતી કે બુટલેગરોના ગેરકાયદે ખડકાયેલા બાંધકામો પર કોર્પોરેશન બુલડોઝર ફેરવી દેશે. આજે બરાબર એક મહિના બાદ સ્ટે.ચેરમેન પોતે બોલેલા બોલ પાળી બતાવ્યા હતા. કોઇપણ પ્રકારના દબાણ કે માથાકૂટ સામે ઝુક્યા વિના ડિમોલીશન પાર પાડવાની સૂચના આપી હતી.
સતત પાંચ કલાક સુધી ઉગ્ર માથાકૂટ છતાં કોર્પોરેશનના અધિકારીઓ રહ્યા અડગ
બુટલેગરોએ ગેરકાયદે ખડકાયેલા બાંધકામોને તૂટતા અટકાવવા માટે કોર્પોરેશનના અધિકારીઓ સાથે સતત પાંચ કલાક સુધી ઉગ્ર માથાકૂટ કરી હતી. સ્થળ પર પૂર્વ ધારાસભ્ય સિદ્વાર્થ પરમારને પણ બોલાવી લેવામાંઆવ્યા હતા. છતાં કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ અડગ રહ્યા હતા. વધારાનો પોલીસ બંદોબસ્ત મળતાની સાથે જ બુલડોઝરની ધણધણાટી બોલાવવામાં આવી હતી. ભૂતકાળમાં અનેકવાર એવું બન્યું છે કે માથાકૂટના કારણે કોર્પોરેશનના બુલડોઝર પરત ફર્યા હોય પરંતુ આજે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ કોઇપણ ભોગે ડિમોલીશન કરવાનું જ છે તેવી સૂચના આપતા અધિકારીઓને હિમ્મત મળી હતી.