પાણીની પાઇપલાઇન નાખવા ઉપયોગમાં લેવાયેલી ખેડુતોને જમીન માટે રૂા.1.36 કરોડ વળતર ચુકવાશે: સ્ટેન્ડિંગમાં બહાલી
ડી.આઇ. પાલપલાઇન, બ્રિજના સ્ટ્રેન્ધનિંગ અપગ્રેડેશનના કામ, કોમ્યુનીટી હોલ સહિતના વિકાસ કામો માટે રૂ. 2.13 કરોડના ખર્ચને બહાલી
જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈન નાખવા માટે ઉપયોગ કરાયેલ 44 ખેડૂતોની જમીન અન્વયે રૃા. 136 લાખનું વળતર ચૂકવવામાં સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે. જ્યારે નવું સેટઅપ મંજૂર કરવાની દરખાસ્તનો સ્વીકાર કરી આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલવામા આવશે.
જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં 11 સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર વાય. ડી. ગોહિલ, ઈચા. આસિ. કમિશનર (ટેક્ષ) જિજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભૂગર્ભ બોક્સ ગટરની સફાઈ પાવર બેકેટ મશીન થી કરવાની દરખાસ્ત અન્વયે રૂ. 25 લાખ 30 હજાર મંજૂર કરાયેલ છે. પ્રોવાઈડિંગ સપ્લાયિંગ, લેવલિંગ, લેઈંગ, ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ઓફ 1000 એમ એમ ડાયા ની 7.1 કિ.મી. ડી.આઈ. પાઈપ લાઈન કે-9 રણજિતસાગર ડેમ થી મેઈન પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ સુધી ના કામ માટે ખેડૂતો ને વળતર ચૂકવવા રૂ. 136 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં. 1-6-7 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ટ્રાફિક વર્કના કામ માટે 2 લાખ, વોર્ડ નં. 5-9-13-14 માં જુદી-જુદી કંપનીના અન્ડરગ્રાઉન્ડ કેબલ-ગેસ પાઈપલાઈન, વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચ માં સીસી ચિરોડા કરવા રૂ. 10.92 લાખ નો ખર્ચ અને વોર્ડ નં. 1-6-7 માં કેનાલ બ્રિજના સ્ટ્રેનધનિંગ એન્ડ અપગ્રેડેશેનના કામ માટે રૂ. 5 લાખળનો ખર્ચ મંજૂર કરાયો છે. જાડા ની 100 ટકા ગ્રાન્ટ અન્વયે ઢીંચડા માં પાણીના ટાંકા પાસે કોમ્યુનિટી હોલ બનાવવાના રૂ. 34 લાખ 48 હજાર, કોન્ટ્રાક્ટ બેઇઝ.થી કામ કરતા 110 કર્મચારીઓને મહેનતાણામાં પાંચ ટકા નો પગાર વધારો કરવાની દરખાસ્ત અન્વયે 10 ટકાનો વધારો કરવા નિર્ણય લેવાયો હતો. હરિયા કોલેજ રોડ, સાંઢિયા પુલથી કનસુમરા સુધી 18 મીટર પહોળા રેલવે ટ્રેક ને સમાંતર ડી.પી. રોડ બનાવવા ની દરખાસ્ત નો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો છે.
જામનગર મહાનગર-પાલિકામાં મંજૂર થયેલ રિવાઈઝ્ડ સેટઅપમાં સુધારો કરવાની દરખાસ્તનો સ્વીકાર કરાયો હતો. જેમાં વર્ગ 1 ની 14 જગ્યા (ડે. કમિશનર, આસી. કમિશનર, મેડિકલ ઓફિસર, સિટી ઈજનેર, એક્ઝિ. એન્જિ. (ડ્રેનેજ), કાર્યપાલક ઈજનેર (પર્યાવરણ અને ઈલેક્ટ્રીક) વર્ગ-2 ની 107 જગ્યા, વર્ગ -3 ની 193 અને 473 જગ્યા અને વર્ગ-4 ની 390 જગ્યાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓડિટ શાખાનું 27 જગ્યાનું સેટઅપ તથા સેક્રેટરી શાખાનું 36 જગ્યા ના સેટઅપ નો સમાવેશ થાય છે. આ તમામ દરખાસ્તનો સ્વીકાર કરી આખરી મંજૂરી માટે સામાન્ય સભા તરફથી મોકલી આપવામાં આવનાર છે. આજ ની બેઠક માં કુલ રૂ. 2 કરોડ 13 લાખ ના ખર્ચ ને બહાલી આપવા માં આવી હતી.