સ્પ્રેયર મશીન, ફાયર બ્રિગેડનાં જેટ સ્પ્રેયરથી સવારથી કામગીરી હાથ ધરાઈ
સરકાર દ્વારા રાજકોટ શહેરમાં આજ ગુરૂવારે તા.૧૪-૫-૨૦૨૦થી ઉદ્યોગો શરૂ કરવાની અનુમતિ મળતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઔદ્યોગિક વિસ્તારોમાં જાહેર સ્વાસ્થ્ય સલામતિની બાબતને નજર સમક્ષ રાખી, આજે વહેલી સવારે ૬.૪૫ વાગ્યાથી જ શહેરના આજી જી.આઈ.ડી.સી. સહિતના વિવિધ વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ થાય એ પૂર્વે જ બૂમ સ્પ્રેયર, ફાયર બ્રિગેડના જેટ સ્પ્રેયર અને હેન્ડ સ્પ્રેયર પમ્પ વડે ઘનિષ્ઠ ડીસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી હતી, તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. આ વિશે વધુ વાત કરતા તેમણે એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ ગઈકાલથી જ ઘનિષ્ઠ ડીસઇન્ફેક્શનની કામગીરી માટેનું આયોજન કરી રાખ્યું હતું. જે અંતર્ગત આજે વહેલી સવારે ઉદ્યોગો શરૂ થાય તે પહેલા જ કેમિકલ અને પાણી મિશ્રિત દ્રાવણનો ભરપૂર છંટકાવ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાએ આજી જી.આઈ.ડી.સી. ઉપરાંત રામનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તેમજ ખોડિયારપરા વિસ્તારની આવાસ યોજના સહિતના વિસ્તારોને આવરી લીધા હતા.
મ્યુનિ. કમિશનરએ વધુમાં માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, ઉપરોક્ત સમગ્ર વિસ્તારોમાં બે બૂમ સ્પ્રેયર મશીન, પાંચ હેન્ડ સ્પ્રેયર પમ્પ અને ફાયર બ્રિગેડના ત્રણ જેટ સ્પ્રેયર મશીનો દ્વારા આજી જી.આઇ.ડી.સી.માં સ્ટ્રીટ “એ” થી “યુ” એમ કુલ ૨૧ શેરીઓ કવર કરવામાં આવી હતી.
આ ઉપરાંત રામનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તેમજ ખોડિયારપરા વિસ્તારની આવાસ યોજના સહિતના વિસ્તારોમાં પણ કેમિકલનો સ્પ્રે કરવામાં આવેલ હતો. ઘનિષ્ઠ ડીસઇન્ફેક્શનની આ સમગ્ર કામગીરી બે વખત કરવામાં આવી હતી. અર્થાત ઉપરોક્ત સમગ્ર એરિયાના કુલ આશરે ૨૬ કી.મી.થી વધુ લંબાઈમાં રસ્તાઓને આવરી લેવાયા હતાં. આજે સવારે ઉદ્યોગો શરૂ થયા પૂર્વે જ ૩૫ લીટર સોડિયમ હાઈપોક્લોરાઈડ કેમિકલ અને ૬૦૦૦ લીટર પાણી મિશ્રિત દ્રાવણનો છંટકાવ કરવાની કામગીરી આટોપી લેવામાં આવી હતી. આ કામગીરી આજે દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની સૂચના અનુસાર હાથ ધરવામાં આવેલી આ કામગીરી પર્યાવરણ ઇનજેર નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી અને ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.