•  રક્તકણો ફેફ્સામાંથી પ્રાણવાયુ મેળવી શરીરના કોષો અને અંતર ત્વચાને પહોંચાડે છે: એનીમિયાના દર્દીને રક્તકણો પુરતો પ્રાણવાયુ પુરો પાડી શકતા ન હોવાથી તેને થાક અને નબળાઇ લાગે છે
  • એનીમિયા કોઇ રોગ નથી પણ અન્ય રોગો અને અસ્વસ્થતા જેવા કારણોથી ઉભી થયેલી એક સ્થિતિ છે: શરીરમાં રહેલ કુલ રક્તકણોનો 0.8 ટકા જથ્થો ઘસારાને કારણે દરરોજ નાશ પામે છે

કુદરતની અણમોલ ભેટ રક્ત વિશે આપણે બહું ઓછુ જાણીએ છીએ. આપણે રોજીંદા જીવનમાં જે ખોરાક લઇએ છીએ તેમાંથી લોહી બને છે એટલે જેટલો પોષ્ટિક આહાર લો તેટલું લોહી સારૂ. સારૂ લોહીને કારણે લોહીના હિમોગ્લોબીનના કાઉન્ટ પણ ઊંચા આવે છે. જેનું ઇંઇ સારૂ તેને બહારનું ઇન્ફેક્શન ઓછુ લાગે છે આટલી સામાન્ય વાત છે પણ તોય આપણે ખોરાક બાબતે કાળજી લેતા નથી. રક્તના દર્દો અને તેની ઉણપ સાથે રક્તકણો વિશે પણ સૌએ જાણવાની જરૂર છે. એનીમિયાની સ્થિતિમાં થાક, નબળાઇ, ચક્કર આવવા, માથાનો દુ:ખાવો કે શ્ર્વાસમાં તકલીફની સમસ્યા જોવા મળે છે. આ લેખમાં આજે રક્તકણોની અપુરતી ઉત્પતિ, લોહીમાં ઘટાડો, રક્તકણોનો વધુ પ્રમાણમાં નાશ, હિમોલીસીસ, હિમોફિલીયા જેવી વિવિધ બાબતોની વાત કરવી છે.

Blood Types and Blood Group Testing

જ્યારે-જ્યારે તંદુરસ્ત રક્તકણોની સંખ્યા સામાન્ય કરતાં ઘટી જાય છે ત્યારે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે તે એનીમિયા તરીકે ઓળખાય છે. રક્તકણો ફેફસાંમાંથી પ્રાણવાયુ મેળવી, આખા શરીરમાં પથરાયેલા કોષો અને અંતરત્વચાને પહોંચાડે છે. અહીં પ્રાણવાયુ પોષક તત્ત્વો સાથે મળી જઈ શક્તિ ઉત્પન્ન કરે છે. એનીમિયાના દર્દીના શરીરમાં રક્તકણો પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ પૂરો પાડી શકતા નથી. આથી દર્દીને થાક અને નબળાઈ વરતાય છે. આ દર્દમાં ખાસ કરીને ફેર – ચક્કર, માથાનો દુખાવો, ફિક્કી ચામડી, ગતિશીલ હૃદ્યના ધબકારા અને શ્ર્વાસોચ્છવાસમાં તકલીફ એવાં ચિહ્નો જોવા મળે છે.

એનીમિયા પોતે કોઈ રોગ નથી, પરંતુ અન્ય રોગો અને અસ્વસ્થતા જેવાં કારણોથી ઊભી થયેલ એક પરિસ્થિતિ છે. એનીમિયાનાં મુખ્ય કારણોમાં શરીરમાં ઓછા પ્રમાણમાં રક્તકણો બનવા, લોહીમાં ઘટાડો અને રક્તકણોનો વધુ પ્રમાણમાં નાશ થવો છે.

રક્તકણોની અપૂરતી ઉત્પત્તિ : શરીરમાં રહેલ કુલ રક્તકણોનો 0.8 ટકા જથ્થો ઘસારાને કારણે દરરોજ નાશ પામે છે. જો શરીર આ જથ્થો દરરોજ નવો ન બનાવી શકે તો એનીમિયા થાય છે. અમુક અસ્થિઓના કેન્દ્રમાં રહેલ અસ્થિમજ્જામાંથી રક્તકણો પેદા થાય છે. ખોરાક દ્વારા મળતાં ખનીજો તેમજ વિટામિનોની મદદ આ પ્રક્રિયા માટે જરૂરી છે.ઊણપને કારણે થતો એનીમિયા (ડેફીસીઅન્સી એનીમિયા) ખાસ કરીને પૂરતા પ્રમાણમાં લોહ, વિટામીન બી-12 અથવા ફોલીક એસીડની ન્યૂનતાને આભારી છે.

આ તત્ત્વોનો ખોરાકમાં અભાવ આ પ્રકારના એનીમિયાનું કારણ હોય છે. કેમકે આ તત્ત્વો રક્તકણો બનાવવામાં અત્યંત જરૂરી છે. આ પ્રકારનો એનીમિયા જો શરીર આ પોષક તત્ત્વોને પચાવી ન શકે તો પણ શક્ય બને છે. આ પ્રકારનો એનીમિયા (પર્નિસીયસ એનીમિયા) વિટામીન બી-12 શરીરમાં પૂર્ણપણે ન શોષાય તો ઉત્પન્ન થાય છે. ખોરાકમાં ઘટતાં તત્ત્વોને ઉમેરી તેમજ ઈન્જેક્શન કે દવાની ગોળીઓનો ઉપયોગ કરી, ઊણપયુક્ત એનીમિયાની ડોક્ટર સારવાર આપે છે.

જ્યારે અસ્થિમજ્જા રક્તકણો બનાવવાની શક્તિ ગુમાવે છે ત્યારે એપ્લાસ્ટીક એનીમિયા થાય છે. થોડા કિસ્સાઓમાં કેટલાંક દર્દો પણ અસ્થિમજ્જાને અસર કરે છે, જેવાં કે લ્યુકેમિયાની પ્રાથમિક સ્થિતિ, રસાયણો કે કિરણોત્સર્ગની અસરને કારણે પણ આવા કિસ્સાઓ બને છે. જ્યાં સુધી અસ્થિમજ્જા તેનું કાર્ય કરવા શક્તિમાન ન બને ત્યાં સુધી એપ્લાસ્ટીક એનીમિયાના દર્દીને નિયમિત રીતે બહારથી લોહી આપવું પડે છે. છતાં પણ ઘણા કિસ્સામાં અસ્થિમજ્જા સક્રિય થતાં નથી અને દર્દીનું મૃત્યુ થાય છે.

01

લોહીમાં ઘટાડો : લોહીના વધુ પડતા ઘટાડાને કારણે લોહીનું પ્રવાહી ઘટક ઓછું થાય છે અને તેની પૂર્તિ કરવા શરીર પાણી-સંગ્રહ કરે છે. આને પરિણામે લોહીમાં રક્તકણોની ટકાવારી ઘટે છે અને એનીમિયાની સ્થિતિ ઊભી થાય છે. આવો લોહીનો ઘટાડો કાં તો ઝડપથી થાય છે, જેવા કે ઊંડા જખમ અથવા તો ધીમેધીમે, જેવાં કે લોહી ઝરતાં જઠરનાં ચાંદા. આની સારવારમાં વહી જતું લોહી રોકવું પડે છે અથવા બહારથી લોહી આપવું પડે છે.

રક્તકણોનો વધુ પ્રમાણમાં નાશ : હિમોલીસીસ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા જરાજીર્ણ રક્તકણો યકૃત અને બરોળમાં નષ્ટ થાય છે. નવા રક્તકણ બનવાની ક્રિયા કરતાં હિમોલીસીસની પ્રક્રિયા ઝડપી હોય ત્યારે એનીમિયા ઉદ્દભવે છે. આ પ્રકારનો હિમોલીટીક એનીમિયા રક્તકણોમાં રહેલ આનુવંશિક ક્ષતિઓને કારણે થાય છે અથવા પોતાની મેળે ઉત્પાદિત હોય છે. હિમોલીટીક એનીમિયાનાં આનુવંશિક કારણોમાં સીકલ સેલ એનીમિયા અને થેલેસીમિયાનો સમાવેશ થાય છે. આ કારણો રક્ત રક્તકણોમાં રહેલ હિમોગ્લોબીનને અસર કરે છે. રક્તકણોમાં પ્રાણવાયુ સાચવવાનું કાર્ય હિમોગ્લોબીનના પરમાણુઓ કરે છે. રક્તકણોની આસપાસ વીંટળાયેલ અને રક્તકણ પાચકતત્ત્વને સાચવનાર પાતળી ત્વચાનું પડ પણ આનુવંશિક કારણો માંહેનું એક છે. આ બધી આનુવંશિક ક્ષતિઓ એવા અસાધારણ રક્તકણો ઉત્પન્ન કરે છે કે સામાન્ય કરતાં વધુ ઝડપથી નષ્ટ થાય છે.

સખત રીતે દાઝી જવાને કારણે રક્તકણોને ઈજા થાય છે ત્યારે એક્વાયર્ડ હિમોલીટીક એનીમિયાની શક્યતા રહે છે. કોઈ વખતે ચેપને કારણે પણ આમ બને છે. સામાન્ય રીતે ચેપ લાગવાને સમયે શરીર પ્રતિવિષ ઉત્પન્ન કરે છે જે ચેપી જીવાણુનો સામનો કરે છે. કોઈવાર શરીરમાં ઑટો-ઍન્ટીબોડીઝ તરીકે જાણીતાં અસામાન્ય પ્રતિવિષ પેદા થાય છે જે વ્યક્તિના રક્તકણો ઉપર હુમલો કરે છે.

Untitled 1 Recovered 5

હિમોલીટીક એનીમિયાની સારવાર તેનાં કારણો અને ભયંકરતા ઉપર અવલંબે છે. કેટલાક કિસ્સાઓમાં દવાદારૂ કે લોહી ચઢાવવાની સારવાર કારગત નીવડે છે. અન્ય કિસ્સાઓમાં દર્દીની બરોળ કાઢી નાખી, આ પ્રકારના એનીમિયાને નિયંત્રિત કરવો પડે છે.

હિમોલીસીસ : લોહીના રક્તકણોમાં થતી ભાંગતૂટથી ઊભી થતી પરિસ્થિતિને હિમોલીસીસ કહેવાય છે. આવી ભાંગતૂટની અંતિમ અવસ્થામાં રક્તકણોમાંથી હિમોગ્લોબીન છૂટું પડી જાય છે. ઓછા પ્રમાણમાં થતા હિમોલીસીસ શરીરની સામાન્ય પ્રક્રિયા છે. દરરોજ 0.8 થી 1 ટકાના હિસાબે શરીરમાં રક્તકણોને ઈજા પહોંચે છે. સામાન્યત: અસ્થિમજ્જામાંથી પેદા થતા નવા રક્તકણો હિમોલીસીસની પરિસ્થિતિને પહોંચી વળે છે, પરંતુ કોઈ વખતે રક્તકણોની ભાંગતૂટ એટલી વિશાળ હોય છે કે અસ્થિમજ્જા આવડી મોટી ક્ષતિ પૂરી કરવા પૂરતા પ્રમાણમાં રક્તકણો બનાવી શકતું નથી, જેને પરિણામે એનીમિયા ઉત્પન્ન થાય છે. ઝેરી રસાયણો વધુ પ્રમાણમાં હિમોલીસીસ પેદા કરી શકે છે. આ ઉપરાંત રક્તકણોને નષ્ટ કરી શકે તેવાં ઓટો-એન્ટીબોડીઝ શરીરમાં પેદા થાય ત્યારે પણ હિમોલીસીસ થાય છે.

હિમોફીલીયા :  આ એક આનુવંશિક રોગ છે. જેમાં સામાન્ય રીતે લોહી ગંઠાતું નથી. હિમોફીલીયાક તરીકે ઓળખાતા દર્દીઓને જ્યારે ઈજા થાય છે ત્યારે તેઓના લોહીમાં ગઠ્ઠો જામવાની અતિ ધીમી ક્રિયાને કારણે તેઓને પુષ્કળ રક્તસ્રાવ થાય છે. હિમોફીલીયાનો દરેક દર્દી લગભગ પુરૂષ હોય છે.

લોહીમાં ગઠ્ઠો જમાવી શકે તેવા અમુક તત્ત્વો લોહીમાં હોવાં જરૂરી છે. હિમોફીલીયાક વ્યક્તિના લોહીમાં આમાંનાં કોઈ સક્રિય તત્વોનો અભાવ હોય છે. જ્યારે અંદરના રક્તકોષોમાં ભંગાણ થાય છે, ત્યારે મસ્તક કે સાંધાઓમાં રક્તસ્રાવ થાય છે અને હિમોફીલિક વ્યક્તિને ખૂબ જ પીડા થાય છે. આવો રક્તસ્રાવ જે-તે શરીરના ભાગોમાં એકઠો થઈ અંતરત્વચા અને કોશિકાઓ ઉપર દબાણ કરે છે.

પરિણામે તે ભાગ ઉપર સોજો આવે છે. ત્યાં દર્દ થાય છે અને તે ભાગ કામ કરતો અટકી જાય છે. સાંધાઓમાં વારંવાર થતા રકતસ્રાવને કારણે આવા દર્દીઓ અપંગ બની જાય છે. કેટલાક લોકોનો એવો ખ્યાલ હોય છે કે હિમોફીલીયાક દર્દીને બહારની ચામડી ઉપર નાના કાપમાંથી થતા રક્તસ્રાવથી દર્દીનું મૃત્યુ થાય છે, પરંતુ આ પ્રકારનાં મૃત્યુ નથી થતાં, કેમકે લોહીમાં ગઠ્ઠો જામી જાય તેવાં તત્ત્વોને કારણે ચામડીમાંથી થતો રક્તસ્રાવ અટકી જાય છે.                    – (પુરક માહિતી- રહસ્યમય રક્ત-પુસ્તક-પ્રોજેક્ટ લાઇફ- રાજકોટ)

  • શાળા-કોલેજના છાત્રોએ બ્લડ બેંકની મુલાકાત લેવી જોઇએ

visit to life blood bank rajkot on 27th decem 2020 03 30 13 52 55 417

ધો.9 થી 12 કે કોલેજના છાત્રોએ આપણાં શરીરનાં જીવંત પ્રવાહી સમા લોહી વિશે વિવિધ જાણકારી મેળવવા બ્લડબેંકની મુલાકાત લેવી જોઇએ. આ મુલાકાતથી તેના જ્ઞાનમાં વધારો અને પોતાના શરીર પ્રત્યેની કાળજીમાં વધુ દરકાર લેતો થશે. લોહીના વિવિધ ગ્રૃપો, લોહીની તપાસ, રક્તદાન જેવી ઘણી બ્લડબેંકની વ્યવસ્થા વિશે છાત્રો જ્ઞાન મળશે. શાળા-કોલેજ દ્વારા વર્ષમાં એકવાર આવો કાર્યક્રમ યોજવો ખૂબ જ જરૂરી છે. આજના યુગમાં પણ મોટાભાગના વિદ્યાર્થીને પોતાના બ્લડગૃપની ખબર હોતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.