- બીચ ફેસ્ટીવલના પહેલા દિવસે કિંજલ દવેનો લાઈવ કોન્સર્ટ યોજાયો
- કાર્યક્રમ ઉદ્ઘાટનમાં હર્ષ સંઘવી, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
ગુજરાતીઓ બીચની મજા માણવા માટે ગોવા કે દીવ જવાનું પસંદ કરતા હોય છે. જો કે, હવે બીચની મજા માણવા માટે ગુજરાતમાં જ એક નવું સ્પોટ આકાર લઈ રહ્યું છે. સુરતના સુવાલી બીચને વર્લ્ડ ક્લાસ બીચ બનાવવા માટે વિકાસ કામનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. લોકો બીચથી રૂબરૂ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત બીજા વર્ષે બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. ત્યારે ત્રણ દિવસીય બીચ ફેસ્ટીવલનો કાલ થી શુભારંભ થયો છે. બીચ ફેસ્ટીવલ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે બીચ ફેસ્ટીવલના પહેલા દિવસે કિંજલ દવેનો લાઈવ કોન્સર્ટ યોજાયો અને હર્ષ સંઘવીએ સંબોધન પણ આપ્યું હતું. તેમજ સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ અને તેમની ટિમ દ્વારા અનેક સુવિધા અહીં ઉભી કરવામાં આવી છે. સરકાર દ્વારા અહીંયા સર્કિટ હાઉસથી લઈને તમામ સુવિધા ઉભી કરવામાં આવશે. આ દરમિયાન એક બાજુ પતંગો લહેરાઈ રહી છે, તેમજ આવનારા સમયમાં દેશભરમાંથી લોકો આવે તે માટે વ્યવસ્થાઓ ઉભી કરવાની કામગીરી અહીં ચાલી રહી છે. આ બીચ ફેસ્ટિવલની મદદથી અહીંયાના લોકોને એક મહિનાની રોજગારી પણ આપવામાં આવશે. કાર્યક્રમ ઉદ્ઘાટનમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશ દલાલ, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, મંત્રી કુંવરજી હળપતિ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં આજથી ત્રણ દિવસનો સુવાલી બિચ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ રહ્યો છે. સાંજ 4:30 વાગ્યે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો ગુજરાતના જાણીતા કલાકાર કિંજલ દવેના લાઇવ પરફોર્મન્સનો આનંદ માણી શકશે. આ સિવાય સુવાલી બીચ પર અનેક બીજા આકર્ષણોએ લોકોનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર સુધી આ ફેસ્ટિવલનો લ્હાવો લઈ શકાશે. આ સાથે આજથી શરૂ થઈ રહેલા ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલમાં લોકો માટે અહીં ખાણીપીણીની સાથે ભરપૂર મનોરંજન માણી શકશે. કિંજલ દવે, ગોપાલ સાધુ જેવા કલાકારો પ્રવાસીઓને ડોલાવશે.
બીચ ફેસ્વિટવમાં આજે ગોપાલ સાધુનો લોક ડાયરો અને 22મી તારીખે સ્થાનિક કલાકારો તરફથી ગઝલ સંધ્યા અને ટેરીફિક બેન્ડના લાઈવ શોનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ફેસ્ટિવલની મજા માણવા આવનારા પ્રવાસીઓ ઊંટ અને ઘોડેસવારી, ફુડ કોર્ટ, ક્રાફટ સ્ટોલ, ફોટો કોર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા-ફરવાની સાથે ખાણીપીણીનીનો આનંદ માણી શકશે.
સુવાલી બીચ સુધી પહોંચવા ખાસ વ્યવસ્થા સુવાલી બીચ ફેસ્ટિવલ માટે સહેલાણીઓને આવન જાવન કરી શકે તે માટે ગુજરાત વાહન વ્યવહાર વિભાગ તથા બી.આર.ટી.એસ સેલ સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના વિવિધ 25 રૂટ ઉપરથી તા. 20,21 અને 22મી ડિસેમ્બરે સુવાલી બીચ જવા માટે બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
પોલીસ, ફાયર અને તબીબી ટીમ તૈનાત રહેશે સુવાલી બીચ ક્રાર્યક્રમ સ્થળે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર, તરવૈયા, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. અલગ અલગ પાંચ પાર્કિંગના પ્લોટ ઉભા કરવામાં આવ્યા છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય