વ્યાજંકવાદને નેસ્તનાબૂદ કરવા તંત્રએ કમરકસી

ફરિયાદ પેટીની જવાબદારી સિનિયર પોલીસ અધિકારીને સોંપાઈ: દર ચાર દિવસે ફરિયાદ પેટી ખોલાશે

રાજ્યભરમાં વ્યાજંકવાદને નેસ્તનાબૂદ કરવા માટે તંત્રએ કમરકસી છે. જેના પગલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી દ્વારા ૩૧મી જાન્યુઆરી સુધી પોલીસને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેના પગલે રાજ્યભરમાં પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવી થયું છે. પરંતુ તેમાં ફરિયાદ આપવાથી પણ ડરતા લોકો માટે હવે રાજ્યભરના પોલીસ મથકોમાં ફરિયાદ પેટી મૂકવામાં માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની સૂચના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ગુજરાતભરમાં પોલીસ મથકોએ વ્યાજના ચંગુલમાં ફસાયેલા લોકોને નીવેરવા માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતી ફરિયાદો પર પોલીસ અધિકારીઓ તથ્ય તપાસ કરી વ્યાજખોરો સામે લાલ આંખ કરી ત્વરિત કાર્યવાહી કરી રહ્યા છે.

પરંતુ તેમ છતાં વ્યાજખોરોના બેફામ ત્રાસ અને ખોફના કારણે ઘણા લોકો હજુ પણ પોલીસમાં ફરિયાદ આપવા માટે ડરતા હોય તેવા સંજોગોમાં પોલીસ દ્વારા વધુ એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પગલે હવે વ્યાજખોરો સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. જેની જવાબદારી સિનિયર પોલીસ અધિકારીઓને સોપવામાં આવી છે.

પોલીસ મથકની ફરિયાદ પેટી સિનિયર પોલીસ અધિકારી દ્વારા દર ચાર દિવસે ખોલવામાં આવશે અને જો ફરિયાદમાં તથ્ય જાણવા મળે તો તેના પર ત્વરિત કાર્યવાહી પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.