ઋષિકેશભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા, કુંવરજીભાઇ બાવળીયા,જગદીશભાઇ પંચાલ અને બચુભાઇ ખાબડનો સમિતિમાં સમાવેશ
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત નક્કી કરવા માટે રચાયેલા ઝવેરી કમિશન દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના ચાર મહિના બાદ રાજ્ય સરકાર દ્વારા આ રિપોર્ટના અભ્યાસ માટે પાંચ મંત્રીઓની સમિતિની રચના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓબીસી અનામત નક્કી ન થવાના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખોરંભે પડી છે. વહિવટદાર શાસન ચાલી રહ્યું છે.
રાજ્યમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત અંગે જસ્ટિસ ઝવેરી કમિશન દ્વારા રિપોર્ટ રજૂ કરી દેવાયાના ચાર માસ બાદ પણ રાજ્ય સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામાં ન આવતા કોંગ્રેસના નેજા હેઠળ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી રાજ્યની પટેલ સરકાર રિતસર સફાળી જાગી છે. ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય સરકારના મંત્રી મંડળની બેઠકમાં ઓબીસી અનામત રિપોર્ટના અભ્યાસ માટે પાંચ મંત્રીઓની એક સમિતિ બનાવવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા, કુંવરજીભાઇ બાવળીયા, જગદીશભાઇ પંચાલ અને બચુભાઇ ખાબડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ દ્વારા ઝવેરી કમિશનના રિપોર્ટ પર અભ્યાસ કર્યા બાદ સીએમને વિસ્તૃત અહેવાલ આપી દેવામાં આવશે. જેના આધારે સ્થાનીક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી અનામતની ટકાવારી નક્કી કરવામાં આવશે.