‘તું કેમ સામું જોવે છે?’ કહી બારેક શખ્સોએ હુમલો કર્યો: પોલીસ તપાસનો ધમધમાટ

શહેરના કુવાડવા રોડ પર આવેલા 80 ફૂટ રોડ પર નાગબાઈ પાનની દુકાન નજીક સામુ જોવા મામલે મારવાડી યુનિવર્સિટીના કોલેજીયન યુવક પર ટોળાએ છરી અને ઢીકા પાટુનો માર માર્યો હતો. હુમલામાં મામલે યુવકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં સમાજના લોકો અને મિત્રો એકઠા થઇ ગયા હતા. ઘટના અંગે બી ડિવિઝન પોલીસે હોસ્પિટલમાં પહોંચી ફરિયાદ નોંધી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જુના મોરબી રોડ જુના જકાત નાકા પાસે આર.કે.ડ્રિમલેન્ડ-2 એપાર્ટમેન્ટ બ્લોક નંબર-403માં રહેતા પ્રિન્સ સંજયભાઈ રૂપારેલીયા (ઉ.વ.19)એ પોતાની ફરિયાદમાં રાજ કાઠી,પ્રિન્સ રાજપૂત ઉર્ફે અક્ષીત,રાજાભાઈ તથા બીજા આઠેક જેટલા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ કે.ડી.મારુ સહિતના સ્ટાફે આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથધરી છે.

આ ઘટના અંગે ફરિયાદી પ્રિન્સએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે મારવાડી કોલેજમાં બીબીએનો અભ્યાસ કરે છે. ગઈકાલે તેઓ મિત્રો સાથે બહાર હતો બાદમાં કુવાડવા રોડ પર 80 ફૂટ રોડ પર આવેલી પાનની દુકાને ઠંડાપીણા પીવા ઉભા હતા. ત્યારે ત્યાં ઉભેલા રાજ કાઠીએ સામે જોતા ફરિયાદી પ્રિન્સએ પણ સામે જોયું હતું. બાદમાં રાજે મારી સામે કેમ જોવે છે કહી ઝઘડો કર્યો હતો અને આરોપીએ ગાળો આપી ઢીકા પાટુનો મારમાર્યો હતો.

ત્યારબાદ રાજે ફોન કરી બીજા મિત્રોને બોલાવ્યા હતા. પ્રિન્સ રાજપૂત ઉર્ફે અક્ષીત, રાજાભાઈ અને બીજા આઠેક શખ્સોએ આવી ગેરકાયદે મંડળી રચી છરી વડે અને ઢીકા પાટુનો મારમાર્યો હતો. તેમજ પ્રિન્સને છોડાવવા વચ્ચે પડેલા મિત્ર ઈન્દ્રેશને પણ ઇજા થઇ હતી. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યારબાદ ત્યાં યુવકના સમાજના લોકો અને મિત્રો એકઠા થઇ જતા પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી.આ મામલે પીએસઆઈ કે.ડી.મારુ અને સ્ટાફે આરોપીઓને ઝડપી લેવા તજવીજ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.