યુવતી ડેમમાં કૂદી ગઈ હોવાની તેની બેનપણીએ પોલીસને આપ્યું નિવેદન :શંકાસ્પદ ઘટનામાં પોલીસે કરી તપાસ
જૂનાગઢની કોલેજમાં અભ્યાસ કરતી ઝાંઝરડા ગામની યુવતી ત્રણ દિવસથી ગુમ થતા ચકચાર મચી જવા પામી હતી, દરમિયાન આજે સવારે આ યુવતીની લાશ ડેમમાં તરતી નજરે પડતા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્થાફ ડેમ ખાતે પહોંચ્યો છે, અને હાલમાં આ લખાઈ રહ્યું છે ત્યારે ફાયર બ્રિગેડનો સ્ટાફ આ યુવતીની લાશને બહાર કાઢવાની કામગીરીમાં શરૂ કરી છે.
આ ચકચાર મચાવતી અને રહસ્યના તાણાવાણાથી ભરેલી આ ઘટના અંગે ગુમ થયેલ યુવતી જાનવીની સાથે ફરવા ગયેલ નોબલ કોલેજમાં અભ્યાસ કરતી અને જૂનાગઢમાં એક હોસ્ટેલમાં રહેતી ઉપલેટાની યુવતી આસ્થા એ પોલીસને આપેલ નિવેદન મુજબ ગત તા. 2 નવેમ્બર બુધવારના રોજ જૂનાગઢની નોબલ કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતી જુનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામની યુવતી જાનવી સાથે તે બપોરના 12 વાગ્યા પછી હસનપુર ડેમ ખાતે ગઈ હતી અને ત્યાં નાસ્તો કર્યા બાદ જાનવી એ વિલિંગડન ડેમમાં ઝંપલાવ્યું હતું.
બીજી બાજુ આ ઘટના અંગે રહેતા મિતાલીબેન હિતેશભાઈ મહેતા એ પોલીસને જણાવ્યા અનુસાર, તેમની દીકરી જાનવી ત્રણ દિવસથી ગાયાબ હતી અને તેની બહેનપણી આસ્થાનો સંપર્ક કરતા તેને જણાવ્યું હતું કે, તેની બહેનપણી ડેમમાં ડૂબી ગઈ છે. ત્યારબાદ જૂનાગઢ તાલુકા પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી હતી અને ગુમ થયેલ યુવતી જાનવીની મિત્ર આસ્થાને જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને બોલાવી તેમના બે દિવસ નિવેદન લીધા હતા. બીજી બાજુ જુનાગઢ સહિત પોરબંદર, અમરેલી, રાજકોટ એમ મળી 4 જિલ્લાની ફાયરની ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી યુવતીને ડેમમાંથી શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ યુવતીની લાશ ડેમમાંથી મળી ન હતી.
બાદમાં ગઈકાલે વીએચપીના આગેવાનોએ જુનાગઢ ડિવાયસપી ને રજૂઆત કરી હતી અને પોલીસે આ ઘટનામાં ખુબ જ ઝીણવટ ભરી તપાસ પણ શરૂ કરી હતી. તે દરમિયાન આજે સવારે ગુમ થયેલા યુવતી જાનવીની લાશ ડેમમાં તરતી નજરે પડતા જુનાગઢ તાલુકા પોલીસના અધિકારીઓ તથા ટીમ ડેમ ખાતે પહોંચી છે અને ફાયર બ્રિગેડના જવાનો આ યુવતીની લાશને બહાર કાઢવા માટે કામે લાગ્યા છે.