સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કડવા પાટીદાર સમાજના કુળદેવી ર્માં ઉમિયાનું ભવ્ય મંદિર નિર્માણ કરાશે. હજ્જારો પાટીદાર બહેનોએ મંદિર નિર્માણનો સામૂહિક સંકલ્પ લીધો હતો.
રાજકોટની ભાગોળે જશવંતપૂર ખાતે ન્યારી નદીના કાંઠે મંદિર નિર્માણ માટે રચાયેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-રાજકોટ (ઉમિયાધામ) દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ‘સંકલ્પ શક્તિ સંમેલન’ માં હજારોની સંખ્યામાં કડવા પાટીદારો ઉમટી પડ્યાં હતા.
કડવા પાટીદાર સમાજના રાજકીય-સામાજીક આગેવાનોની ઉપસ્થિતિમાં હજ્જારો કડવા પાટીદારોનો મંદિર નિર્માણનો ‘મીઠો’ સંકલ્પ
સમાજના દાનવીર જીવનભાઈ ગોવાણીએ કાર્યક્રમના સંકલ્પ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત હજારોની મેદનીને જયારે કુળદેવી માં ઉમિયાનું મંદિર ભવ્યાતિભવ્ય બનાવવા અને શક્તિની ભક્તિના માધ્યમથી સહિયારા વિકાસનો સંકલ્પ લેવડાવ્યો ત્યારે સ્પીડવેલ પાર્ટી પ્લોટનું મેદાન ‘જય ઉમિયાજી’ના ઘોષથી ગૂંજી ઉઠ્યું હતું.
રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, હાથમાં લીધેલું કામ સફળતાથી પૂર્ણ કરવાની શાખ કડવા પાટીદાર સમાજ ધરાવે છે. આજે સમાજે સામુહિક સંકલ્પ કરીને એક નવું કામ હાથ પર લીધું છે. સામુહિક સંકલ્પની આ બુનિયાદ પર સમાજ વિકાસના નવા પૃષ્ઠો આલેખાશે તે નિશ્ર્ચિત છે. ધોરાજી – ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ વિકાસનું રહસ્ય ખોલતા જણાવ્યું હતું કે, સમાજના વડીલોનું માર્ગદર્શન, નૂતન પ્રવાહો માટે ખુલ્લું મન અને સાહસિક માનસને કારણે પરસ્પર સહયોગથી સમાજ વિકસિત થયો છે. આજના વિકસિત સમાજના પાયામાં સમાજના વડીલોનો પરિશ્રમ રેડાયેલો છે.
મોરબીના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ કહ્યું હતું કે સમાજનો વિકાસ સર્વાંગી અને સર્વ સમાવંશી બને તે માટે સમાજના સંપન્ન લોકો સમાજ વિકાસમાં પાછળ રહેલા પરિવારનો હાથ પકડે તે જરૂરી છે.
જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઇ કોરડિયાએ શુભેચ્છા સંદેશો પાઠવી સંકલ્પમાં સૂર પૂરાવ્યો હતો.
ડો.રમેશ ઘોડાસરાએ સંકલ્પની શક્તિ શું પરિણામ લાવી શકે તેની અનેક ઉદાહરણો સાથે છણાવટ કરતા કહ્યું હતું કે એક વ્યક્તિનો સંકલ્પ પણ જો દુનિયા દંગ થઇ જાય તેવા પરિણામો લાવી શકે તો આ તો સમગ્ર સમાજના સંકલ્પની શક્તિ કેવા હકારાત્મક પરિણામો લાવી શકે.
‘સંકલ્પ શક્તિ સંમેલન’નો મુખ્ય મંચ જાહેર જીવનના અગ્રેસરો અને સમાજ જીવનના અગ્રેસરોનો સેતુ બની રહ્યો હતો. મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલીયા, કાંતિભાઇ અમૃતિયા અને અરવિંદભાઇ લાડાણી, નગરસેવકો પુષ્કરભાઇ પટેલ, ચેતનભાઇ સુરેજા, બીપીનભાઇ બેરા, અસ્મિતાબેન દેલવાડીયા અને ભારતીબેન પાડલીયા પણ ઉપસ્થિત હતા.
જાહેર જીવનના આ અગ્રેસરોનું ર્માં ઉમિયાનો ખેસ પહેરાવી અને પુષ્પગુચ્છ અર્પણ કરી યુવા સંગઠન ટીમના કાર્યકરોએ સન્માન કર્યું હતું.
ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ (ઉમિયાધામ)ના સ્થાપક પ્રમુખ અરવિંદભાઇ કણસાગરા (ફિલ્ડ માર્શલ)એ કાર્યક્રમના સંકલ્પ અધ્યક્ષ જીવનભાઇ ગોવાણી, મોહનભાઇ કુંડારિયાનું કુળદેવી ર્માં ઉમિયાનો ખેસ પહેરાવી, સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી વિશેષ સન્માન કર્યું હતું. સમાજ વિકાસને વેગ મળે તે માટે વિચારના મૂળ પ્રણેતા ડો.ડાહ્યાભાઇ ઉકાણી સ્થાપક ટ્રસ્ટી બન્યા છે.
પ્રારંભમાં મહેમાનોએ કુળદેવી ર્માં ઉમિયા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી સૌએ આરતીનું સમૂહગાન કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.
કીનાબેન પટેલ, ઇલાબેન માંડવીયા અને શીખા કણસાગરા સ્થાપક ટ્રસ્ટી જલ્પાબેન આદ્રોજા, અમીબેન ભાલોડીયા અને ક્રિષ્નાબેન પટેલ (ફળદુ) ઉમિયા માતાજી સંસ્થાનના ટ્રસ્ટી બન્યા છે. આભારવિધિ કિશોરભાઇ ઘોડાસરાએ કરી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડેનીશભાઇ કાલરીયા, નીલયભાઇ ડેડાણીયા, વિનુભાઇ ઇસોટીયા, શૈલેષભાઇ દેસાઇ, પ્રફૂલભાઇ સાપરિયાએ જહેમત ઉઠાવી હતી.