રાજકોટ સહિત જામનગર, સુરેન્દ્રનગર, દ્રારકા, ખંભાળિયા, વાંકાનેર સહિતના સ્ટેશનો પર રેલકર્મીઓએ જહેમત ઉઠાવી
રાજકોટ ડિવિઝન દ્વારા ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલનાર સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત રેલ પરિસરોમા સ્વચ્છતા સંબંધી વિવિધ ગતિવિધિઓ લગાતાર કરવામા આવી રહી છે. આ સંદર્ભે ડિવિઝનના સીનીયર ડી.સી.એમ અભિનવ જેફ એ જણાવ્યું હતુ કે પખવાડીયાના છઠ્ઠા દિવસે ગઇકાલે સ્વચ્છતા ટ્રેકની થીમ પર ડીવીઝનના રાજકોટ, જામનગર, સુ.નગર, દ્વારકા, ખંભાળીયા, વાંકાનેર સહિત પ્રમુખ સ્ટેશનો પર રેલ કર્મીઓએ જહેમત ઉઠાવીને રેલવે ટ્રેક અને પ્લેટફોર્મની સાફ સફાઇનું કાર્ય હાથ ધરીને તેને ચમકાવ્યા હતા.
જેમાં રેલવે ટ્રેકની આસપાસ ઉગી નીકળેલા ધાસને હટાવવામાં આવ્યું હતું. આ સાથે જ ડ્રેનેજ ચોક અપ થતી રોકવા ટ્રેકની વચ્ચેના નાલાઓને પણ વ્યવસ્થિત સાફ કરવામાં આવ્યા હતા. યાત્રાળુઓના ઉપયોગી સ્થળો જેવા કે કોનકોર્સ એરીયા, ટોયલેટ, વેઇટીંગ હોલ, વેઇટીંગ રુમ વગેરે જગ્યાઓ પર પણ સુંદર રીતે સાફ સફાઇ કરવામાં આવી હતી. સફાઇ અભિયાન બાદ સ્ટેશનોની સાફ સફાઇ તથા સુંદરતાનો નજારો જોવા લાયક હતો. આ સફાઇ અભિયાન દ્વારા સંક્રમણથી થનાર બીમારીઓને ફેલાતી અટકાવવામાં બહુ જ મદદ મળશે તેવું રેલ મંડળની એક યાદીમાં જણાવાયું છે.