રમતી વેળાએ ટ્રેકટર ચાલુ થઇ જતાં બાળક કાળનો કોળિયો બન્યો
જેતપુરનાં આરબ ટીબડી ગામની સીમ વિસ્તારમાં રમતા રમતા ટ્રેક્ટરમાં સેલ્ફ મારી દેતાં 4 વર્ષનો બાળક ટ્રેક્ટર સાથે 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ, મામલતદાર અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્કયુ કામગીરી મોડી રાત સુધી હાથ ધરવામાં આવી હતી. જો કે આ બનાવમાં 4 વર્ષનાં બાળકનું મોત નીપજયું હોવાનું બહાર આવ્યું છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર જેતપુર તાલુકાનાં આરબ ટીબડી ગામની સીમ વિસ્તારમાં આવેલી શંભુભાઈ રાઘવજીભાઈ રાબડીયાની વાડીમાં મજૂરી કામ કરતાં એમપીના મજૂર લક્ષ્મણભાઈ બારેનાનો પુત્ર દિપક બારેલા નામનો ચાર વર્ષનો બાળક રમી રહ્યો હતો. ત્યારે રમતા રમતા ત્યાં રહેલાં ટ્રેક્ટરમાં સેલ્ફ મારી દેતાં ટ્રેક્ટર ચાલવા માંડયુ હતું અને ત્રણ ચકર મારી કૂવા સાથે ટકરાતા પારા પેટ તોડીને ટ્રેકટર અને બાળક બંન્ને 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતા. આ સમગ્ર બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ, મામલતદાર અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સાથે જ લોકોનાં ટોળેટોળાં ઉમટ્યા હતાં.
તાત્કાલિક ક્રેન સહિતના જરૂરી સાધનો મંગાવી ફાયર સહિતની ટીમે રેસ્કયુ કામગીરી હાથ ધરી હતી. જો કે મોડી રાત્રે 11:30 કલાકે ટ્રેક્ટરને બહાર કાઢવામાં સફળતા મળી હતી. પરંતુ બાળકને રાત્રીનાં 11:55 વાગ્યે બહાર કાઢયો હતો. ત્યારબાદ માસૂમ બાળકનાં મૃતદેહ પીએમ અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આરબ ટીબડી ગામમાં બનેલી આ ઘટનાએ આસપાસનાં ગ્રામજનોમાં અરેરાટી ફેલાઈ હતી. નજીકના દશેક ગામનાં લોકો પણ આ રેસ્કયુ કામગીરીમાં પોતાનાથી થાય એટલા પ્રયત્ન કર્યા હતાં.