ગુજરાતના આરોગ્ય સચિવ શ્રીમતિ જયંતિ રવિના કડક સ્વભાવ અને સૌમ્ય અવાજ વચ્ચે તેમના વ્યક્તિત્વથી અજાણ છે અનેક લોકો
કોરોના વાયરસની મહામારી ફાટી નીકળ્યા બાદ અખબારો અને ટીવી ચેનલોમાં રોજે રોજ કોરોનાના અપડેટ આપવા સામે આવતા મહિલાને અનેક લોકો ચહેરાથી ઓળખે છે પરંતુ આ મહિલા એટલે કે, આરોગ્ય સચિવ જયંતી રવિની સફર અંગે અનેક લોકો અજાણ છે.
જયંતિ રવિને છેલ્લા મહિનામાં આખું ગુજરાત ઓળખવા લાગ્યું છે. આરોગ્યની રોજની અપડેટ અને ખોટી અફવાઓને દૂર કરી એકદમ સચોટ માહિતી પુરી પાડી રહ્યાં છે. માત્ર એટલું જ નહીં તેઓ સતત કોરોનાના દર્દીઓ અને તેની ટ્રાવેલ હિસ્ટ્રી, સેમ્પલ ટેસ્ટિંગ અને હોમ ક્વોરેન્ટાઈન જેવી અતિ મહત્વપૂર્ણ બાબતો પર સતત નજર રાખી રહ્યાં છે.
જ્યારે પણ એમને બ્રિફ આપતા જોયા છે ત્યારે એમના અવાજમાં એકદમ સ્વસ્થતા જોવા મળે છે. દરેક વિગત એકદમ સ્પષ્ટ રીતે આપે. એમને સાંભળીને આપણે પણ સ્વસ્થ થઈ જઈએ. સ્વભાવે સરળ સહજ, ભ્રષ્ટાચારનો દાગ નહીં.
ડો.જયંતિ રવિ નોન ગુજરાતી છે છતાં પણ સ્પષ્ટ ગુજરાતી બોલે છે. ૧૯૯૧ની બેચના આઈએએસ અધિકારી છે અને તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાંથી ન્યૂક્લિયર ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને ઈ ગવર્નન્સમાં પીએચ.ડી. કર્યું છે.
જયંતિ રવિ ૧૧ ભાષાઓ જાણે છે. સંસ્કૃતમાં ઘણા પુસ્તકો પણ તેમણે લખ્યા છે. નવાઈ લાગે તેવી વાત એ છે કે આટલી મોટી જવાબદારી નિભાવતા જયંતિ જી ખૂબ સારા ગુજરાતી ભજનો પણ ગાય છે. “મેરુ તો ડગે પણ મન ન ડગે તેમનું પ્રીય ભજન છે અને તેઓ આ ભજન ખૂબ સરસ રીતે ગાય પણ છે.
તેઓ સનદી સેવામાં જોડાયા તે પહેલાં આકાશવાણી દિલ્હીમાં યુવાવાણી, ઇંગ્લીશ ટોક્સ વિગેરે કાર્યક્રમમાં ભાગ લેતાં . તેઓ આકાશવાણીના “બી હાઇ ગ્રેડના માન્ય આર્ટીસ્ટ પણ છે જે ઘણાને નહીં જ ખબર હોય. મોટેરા સૂર્ય મંદિર ખાતે થતા મહોત્સવ દરમિયાન કથક નૃત્ય પણ તેઓએ કરેલ છે. સતત સંવેદનશીલ એવા જયંતિના પરિવારમાં તેમના જીવન સાથી રામ ગોપાલજી, દીકરી કૃપા, દીકરો રામ પણ એટલા જ સરળ છે. આવા કુશળ મહિલા અધિકારી હાલ સરેરાશ ૨૦ કલાક આપણા માટે કામ કરી રહ્યાં છે. ગુજરાત સરકારના આવા નિષ્ઠાવાન અને વફાદાર અધીકારીના હાથમાં આરોગ્ય લક્ષી નિર્ણય લેવાની જવાબદારી હોય ત્યારે આપણે ચિંતા મુક્ત જ રહેવું પડે.
ડો.જયંતિ રવિ હંમેશા સાદી સાડીમાં જ જોવા મળે છે. તેમજ સરકારી ગાડી કરતાં સાઈકલ પર ઓફીસ જતા હતા, ગુજરાતની જનતાની સાથે પોતાના આરોગ્ય પ્રત્યે પણ એટલા જ સજાગ રહે છે. યોગાથી લઈને સાઈકલિંગ અને પોતાના શોખ માટે પણ વ્યસ્ત શિડ્યુલમાંથી પણ સમય કાઢે છે.
એકદમ સાદગીમાં રહેતા રવિ સારા વહીવટકર્તા હોવા છતાં કડક અધીકારીની છાપ ધરાવે છે. પરંતુ દિલના એટલા જ પ્રેમાળ અને સાફ છે. તેઓ ગુજરાતમાં એક ઉચ્ચ અધિકારી તરીકે અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા આવ્યા છે, ખાસ કરીને શિક્ષણ, ગ્રામવિકાસ અને આરોગ્યમાં જેવા મહત્વના વિભાગોમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે તેમણે ખૂબ જ ફેરફારો કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનેક નિર્ણયો લીધા હતા. પીએમ મોદીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાન સમયે તેઓ ગુજરાતમાં ગ્રામ વિકાસ કમિશનર હતાં અને રાજ્યમાં સફાઈ અને શૌચાલય અભિયાનમાં તેમની કામગીરીને કારણે કેન્દ્ર સરકારે તેમને ચેમ્પિયનનું બિરુદ આપ્યું હતું. ગુજરાતમાં ૨૦૦૨ના ગોધરાકાંડ સમયે તેઓ પંચમહાલ કલેક્ટર હતા. તે સમયે તેમણે પોતાની કુનેહથી પરિસ્થિતિને સંભાળી લીધી હતી. કડક વહીવટ કરતા જયંતિ રવિએ આઈએએસમાં ગુજરાત કેડરના અધિકારી. હંમેશા ગુજરાતમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ ઉત્તમ કામો કરેલાં છે.
જયંતિ રવિ એક લેખક, વિચારક,વક્તા છે
ગુજરાતમાં કોરોના સામે કુશળ વહીવટથી લોકોને બચાવવા આગળ આવેલા આઈએએસ અધિકારી જયંતી રવિ પોતે એક લેખક, વિચારક અને વકતા છે. શાસ્ત્રીય સંગીતના મહારથી, જેમના અવાજમાં એક અનોખો જાદુ, બહારથી સોમ્ય લાગતું વ્યગતિત્વ આટલું કલાત્મક હશે કોને ખબર હતી.