અત્યારસુધી એક દ્રશ્ય સામાન્યતઃ બધાંની સામે આવતું હતું કે અમીર લોકો વધુ ને વધુ અમીર બની રહ્યાં છે અને ગરીબ, વધુ ગરીબ. પરંતુ હવે મોટી સંખ્યામાં સમાજ સુધારકો આપણી સામે આવી રહ્યાં છે
શું તમે સોની ચેનલ પર આવતા શાર્ક ટેન્ક વિશે જાણો છો? ભારતભરના સ્ટાર્ટઅપ નાણાકીય મદદ માટે એક એવા પ્લૅટફૉર્મ પર પિચ કરે છે જ્યાં તેમને માર્ગદર્શન સાથે પૈસા પણ મળે છે. ભારત હવે સ્ટાર્ટઅપ તરફ ગતિ કરી રહ્યું છે અને હવે તો દર વર્ષે સ્ટાર્ટઅપ દિવસ પણ ઉજવવામાં આવશે! જ્યાં ભારત સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે ત્યાં આજે એક એવી પહેલ વિશે વાત કરવી છે જે કોઈ કંપની સમાજને કેવી રીતે મદદ કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ મળે છે.
ભારત સરકારનાં CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી)નાં નિયમ મુજબ, દરેક સ્વનિર્ભર કંપનીઓએ પોતાની વાર્ષિક કમાણીનો દસ ટકા જેટલો હિસ્સો સામાજિક કાર્યોમાં ફરજિયાતપણે વાપરવો પડે છે. જેથી ભારત એક રહેવાલાયક સ્થળ બની શકે તથા દેશની પ્રગતિમાં વધારો થઈ શકે. ભારતની દરેક કંપની આ નિયમનું પાલન કરે છે. પરંતુ દેશની બહાર રહેતા અનેક નાગરિકોમાંનો એક નાગરિક એવો પણ છે જે ભારતમાં વસવાટ ન ધરાવતાં હોવા છતાં પોતાની કંપનીનો ૯૯% હિસ્સો સામાજિક કાર્યોમાં અને શોધખોળોમાં ઉપયોગ કરી જાણે છે!
સમગ્ર વિશ્વ હાલમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ, પાણીની અછત, સ્વાસ્થ્યનું નીચું સ્તર, વીજળીની સમસ્યા, બેરોજગારી, ભૂખમરો, ગરીબી જેવી સમસ્યાઓએ અત્યારે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. આ સમસ્યાઓથી ઝૂઝવા માટે ઘણાં-બધાં રસ્તાઓ ખૂલી રહ્યાં છે. લોકો માનવતાને ધ્યાનમાં રાખીને સમાજમાં પોતાનું યોગદાન આપવાં માટે તત્પર બન્યાં છે. આ જ માનવતા અને માણસાઈનો એક કિસ્સો એટલે ’બિલિયન્સ ઈન ચેન્જ’.
અત્યારસુધી એક દ્રશ્ય સામાન્યતઃ બધાંની સામે આવતું હતું કે અમીર લોકો વધુ ને વધુ અમીર બની રહ્યાં છે અને ગરીબ, વધુ ગરીબ. પરંતુ હવે મોટી સંખ્યામાં સમાજ સુધારકો આપણી સામે આવી રહ્યાં છે જે પોતાનાં માણસો માટે અને માણસાઈ માટે કામ કરે છે. આવાં જ ભારતનાં એક નાગરિક એટલે “મનોજ ભાર્ગવ”.
બિલિયન્સ ઈન ચેન્જ
૧૯૫૩માં ભારતનાં લખનઉમાં જન્મેલાં મનોજ ભાર્ગવ નામનો ભારતીય નાગરિક હાલમાં અમેરિકા ખાતે સ્થિત છે. તેમની ફાઈવ-અવર એનર્જી ડ્રિન્કનાં કારણે તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર ચાર બિલિયન ડોલર્સ (લગભગ ૨૫,૦૦૦ કરોડ રૂપિયા) જેટલું છે! જેમાંનો ૯૯% હિસ્સો, તેઓ લોકહિતનાં કાર્યો માટે ઉપયોગમાં લે છે. આ બાબતે હાલમાં તેઓ ત્રણ ક્ષેત્રોમાં કાર્યરત છે. તેમની શોર્ટ ફિલ્મ, ‘બિલિયન્સ ઈન ચેન્જ’ શીર્ષક હેઠળ યુટ્યુબ પર ઉપલબ્ધ છે.
પાણીની સમસ્યા
પાણીની અછતનાં કારણે કેલિફોર્નિયા, આફ્રિકા જેવાં પ્રદેશો ધોમધખતાં તાપમાં સૂકા રણપ્રદેશો બની ગયાં છે. ભારતનાં અમુક હિસ્સાઓમાં પણ પાણીની ભારે સમસ્યા જોવા મળી રહી છે.
આવી પરિસ્થિતિમાં તેમનાં રેઈનમેકર મશીન (વરસાદનું પાણી બનાવતું મશીન)નાં લીધે બધાં યુનિટને એકસાથે ચાલુ કરી દેવામાં આવે તો દરિયાનાં ચાર હજાર લિટર ખારા પાણીને એક જ કલાકમાં શુધ્ધ કરી શકે છે. આ પ્રક્રિયા પ્રદુષણરહિત હોવાથી વાતાવરણ દૂષિત થવાની કોઈ જ શક્યતાઓ ઉભી થતી નથી.
વીજળીની સમસ્યા
વિશ્વની કુલ વસ્તીમાંથી ૩ બિલિયન લોકો હજુ પણ વીજળીથી વંચિત છે અથવા તો તેમાંના અમુક પ્રદેશોમાં તો દિવસનાં માત્ર ત્રણથી ચાર કલાક જ વીજળી મળે છે. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે મનોજ ભાર્ગવએ દુનિયાને ‘ફ્રી ઈલેક્ટ્રીક’ નામની એક પ્રદૂષણમુક્ત સાઈકલ આપી. જે વ્યક્તિની યાંત્રિક ઊર્જા (મિકેનિકલ એનર્જી)ને વિદ્યુતઊર્જા (ઈલેક્ટ્રીકલ એનર્જી)માં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે.
માત્ર એક કલાક સાઈકલનાં પૈડાં ફેરવવાથી ચોવીસ કલાક માટે સો જેટલાં બલ્બ, એક પંખો, મોબાઈલ તથા લેપટોપ ચાર્જ થઈ શકે છે. એનાં માટે બહારથી બીજા કોઈ જાતનાં પ્લગ ઈનની જરૂરિયાત રહેતી નથી. ૨૦૧૬માં તેઓ ભારતમાં ૧૦,૦૦૦ સાઈકલોનું વિતરણ કરી ચૂક્યા છે.
ઉપરાંત, ગ્રેફીન વાયર (તાર)ને પૃથ્વીનાં પેટાળમાં ઉતારી, ત્યાંની ગરમીનો ઉપયોગ કરી તેને ઈલેક્ટ્રીકલ એનર્જીમાં રૂપાંતર કરવાનાં વિષય પર હાલમાં સંશોધન ચાલી રહ્યું છે.
સ્વાસ્થ્યની સમસ્યા
રોગ થાય એ પહેલાં જ જો તેને ડામી દેવામાં આવે તો મનુષ્યનાં સરેરાશ આયુષ્યમાં અમુક વર્ષોનો વધારો થઈ શકે છે એવું મનોજ ભાર્ગવ સ્પષ્ટપણે માને છે! આથી સિંગાપોરની એક કંપની સાથે કરાર કરી તેઓએ એક એવું મશીન વિકસાવ્યું છે જે માણસનાં શરીર માટે પંપ તરીકેનું કાર્ય કરી શકે છે.
ઈન શોર્ટ, એ મશીન વ્યક્તિ માટે બીજા હ્રદયની ભૂમિકા ભજવે છે! જે ‘ઇમ્યુનો થેરાપી’ તરીકે ઓળખાય છે અને એ મશીન ECP (એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન) તરીકે ઓળખાય છે. તદુપરાંત, ભારતમાં તેમની ‘હંસ ફાઉન્ડેશન’ અને ‘રૂરલ ઈન્ડિયા સપોર્ટીંગ ટ્ર્સ્ટ’ જેવી સંસ્થાઓ ગરીબ-મજૂરોનાં સ્વાસ્થ્ય માટે ઉત્તમ કાર્યો કરી રહી છે.
ભારતમાં સ્થપાયેલ યુનિટ માટે મનોજ ભાર્ગવ, યુવાઓ માટે નોકરીની વિવિધ તકો ઉભી કરી રહ્યાં છે તથા એન્ટરપ્રીનરને પણ તક પૂરી પાડી રહ્યાં છે. સિલિકોન વેલીમાં યોજાયેલ ટાઈકૂન ૨૦૧૩માં તેઓનાં જણાવ્યા પ્રમાણે, માત્ર જાગૃતતા પ્રદૂષણમાં ઘટાડો નથી કરતી! માત્ર વાતો કરવાથી કશું થતું નથી! બીજાનાં જીવનમાં નોંધપાત્ર ફેરફાર લાવવા માટે નક્કર પગલાં ઉઠાવવા પડે છે… માત્ર તો અને તો જ સમાજની સાથોસાથ દેશનાં યુવાઓની પ્રગતિ શક્ય બનશે!