વાયરસના કારણે વૈશ્ર્વિક અર્થતંત્રની માંદગી વચ્ચે ભારતીય ઇકોનોમીને તંદુરસ્ત રાખવાના ઇલાજ મળ્યા : અફડાતફડીના સ્થાને કેન્દ્ર સરકારે લીધેલા કુનેહપૂર્ણ પગલા ફાયદાકારક સાબિત થશે
કોરોના વાયરસની દહેશતના પગલે વિશ્ર્વભરમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો છે. વાયરસ મુદ્દે વિશ્ર્વની પ્રારંભિક તબકકે જોવાયેલી આ અફરા તફરી ભારત માટે વ્યાપારમાં સુવર્ણ તક સમાન છે. ચીન, વિયેતનામ, બ્રાઝીલ સહિતના ભારતના પ્રતિસ્પર્ધી દેશોમાં વાયરસનો કાળો કહેર છે. અર્થતંત્ર માંદા છે ત્યારે ભારતે આગમચેતી વાપરી લીધેલા પગલા ભવિષ્યમાં ફાયદાકારક નિવડશે.
કોરોના વાયરસના કારણે વિશ્ર્વમાં ગ્લોબલ રિસેશન જેવો માહોલ ઉભો થયો છે. કોમોડીટીના ભાવ તળિયે પહોંચી ગયા છે. વૈશ્ર્વિક અર્થતંત્ર વાયરસના કારણે એકંદરે માંદુ પડયું છે જોકે, ભારતીય અર્થતંત્રની વાત કંઈક અલગ છે. ભારતીય બજાર અલગ પરિપેક્ષમાં વર્તન કરે છે. સ્થાનિક કક્ષાએ માંગ પુરવઠાના સંતુલન ઉપર ભારતીય બજાર નિર્ભર છે જેની વૈશ્ર્વિક અંધાધુંધીની સીધી ઝડપી અસર બજારને થતી નથી. વર્તમાન સમયે ક્રુડના ભાવમાં આવેલો કડાકો ભવિષ્યમાં ભારત માટે ચાંદી હી ચાંદી જેવા સંજોગો ઉભા કરી શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ક્રુડની આયાતમાં ભારત ત્રીજુ સ્થાન ધરાવે છે. ક્રુડમાં આવેલી ગભરાટના કારણે ભારતનું ક્રુડનું બીલ મોટા પ્રમાણમાં ઘટયું છે. સરકાર ક્રુડમાં આપેલા ઘટાડાનો સીધો લાભ લોકોને આપવાની જગ્યાએ ક્રુડ અથવા ક્રુડની પેદાશો ઉપર વેરો વધારીને ફાયદો ઉઠાવશે તેવું માનવામાં આવે છે. એક તરફ ક્રુડનું બીલ ઓછુ થશે તો નાણાની બચત થશે બીજી તરફ ટેકસના કારણે દેશની તિજોરીમાં આવક વધશે તેવું માનવામાં આવે છે. વાયરસના કારણે વૈશ્ર્વિક અર્થતંત્ર ઉપર પડેલી અસરના ગંભીર પરિણામો ભારતને ભોગવવા ન પડે તે માટે બજારમાં લીકવીડીટી (તરલતા) જાળવવી જરૂરી છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસ જયાંથી ફાટી નિકળ્યો છે તે સ્થળ ચીનના વુહાન શહેરમાં હવે રિકવરી થવા લાગી છે. ચીનની સરકાર વુહાનમાં ધીમે ધીમે લોકડાઉનમાં રાહત આપે છે. વુહાન શહેર ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઅલ ચેઈનનો અગત્યનો ભાગ છે જો વુહાનમાં વાયરસની અસર ઓછી થશે તો વૈશ્ર્વિક અર્થતંત્ર રાહતનો શ્ર્વાસ લેશે તેવું માનવામાં આવે છે. વુહાનમાં પેસેન્જર ટ્રેઈન, વિમાનો, કાર, શિપ સહિતના પરિવહનના સાધનો ધીમે-ધીમે જોવા મળી રહ્યા છે. ચીનના વુહાન, હુબઈ સહિતના શહેરોમાં સ્થિતિ થાળે પડશે તો ભાંગી પડેલી ગ્લોબલ ચેઈન ફરીથી જીવંત થશે જેના કારણે ભારત સહિતના દેશો માટે ફરીથી સ્થિતિ સામાન્ય બની જશે. વર્તમાન સમયે વિશ્ર્વ આખુ વાયરસના કારણે ચિંતામાં છે ત્યારે ભારત માટે સ્થિતિના ફાયદો લેવાની તક સાંપડી છે. ભારતમાં કોરોના વાયરસના ૭૦ જેટલા કેસ નોંધાયા છે.
ઉપરાંત શંકાસ્પદ લોકોના આરોગ્યની તપાસ ચાલી રહી છે. ચીનની નજીક હોવા ઉપરાંત મોટી વસ્તી ધરાવતા ભારત જેવા દેશમાં કોરોનાની ઈફેકટ અન્ય દેશોની સરખામણીએ ખુબ જ ઓછી છે. ગુજરાતમાં ૫૬ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જે તમામ કેસ નેગેટીવ હોવાનું જાણવા મળે છે. આવી સ્થિતિમાં ભારત સરકારે લીધેલા આગમચેતીના પગલા કારગત નિવડયા હોવાનું ફલિત થાય છે. વ્યકિતમાં સામાન્ય રીતે કોરોના વાયરસના લક્ષણો ૨૮ દિવસની અંદર જોવા મળે છે. કોરોના વાયરસથી ઈફેકટેડ દેશોમાંથી ભારતમાં આવેલા લોકોનું ચેકઅપ થયું હતું. ૨૮ દિવસના સમય દરમિયાન કુલ ૨૨૩૧ મુસાફરોમાંથી ૧૨૦૭ મુસાફરોમાં કોઈ લક્ષણો દેખાયા નહોતા બાકીના મુસાફરોનો રીપોર્ટ પણ હવે નેગેટીવ આવતા રાજય સરકારે રાહતનો શ્ર્વાસ લીધો છે. કોરોના વાયરસનો ફેલાવો ના થાય તે માટે ભારત સરકારે વિદેશથી આવતા-જતા મુસાફરો ઉપર દેખરેખ રાખી છે. વિદેશથી આવતા પ્રવાસીઓ ઉપર રોક લગાવી છે. ચીન, ઈટાલી, ઈરાન, સાઉથ કોરીયા, ફાન્સ, સ્પેઈન, જર્મન સહિતના દેશોની મુલાકાત લેનાર મુસાફરોની તપાસ થઈ રહી છે. આગામી ૧૫ એપ્રિલ સુધી ભારત સરકારે તમામ વિઝા રદ કર્યા છે. વિઝા ફ્રી એન્ટ્રી પણ બંધ છે. ભારતમાં કોરોનાના કારણે જોવા મળેલી અફરા-તફરી પાછળ ભય વધુ જવાબદાર છે. ભયના કારણે કરોડો રૂપિયાનું નુકસાન અર્થતંત્રને થયું છે. હવે આઈપીએલ જેવી ગેમ ઉપર પણ રોક લગાવવાની વાત ચાલે છે ત્યારે અર્થતંત્રને કરોડો રૂપિયા રળી આપતા આપ આયોજનોને રોકવાથી નુકસાન જશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
- ક્રુડના ભાવની ‘લડાઇ’માં ફાયદો કોને? નુકસાન કોને?
એક તરફ કોરોના વાયરસના કારણે વૈશ્ર્વિક અર્થતંત્ર માંદુ છે બીજી તરફ ક્રુડના ભાવની હરિફાઈએ ભારત સહિતના વિકાસશીલ દેશોના અર્થતંત્રમાં અસમંજસનું વાતાવરણ ઉભુ કર્યું છે. ક્રુડના ગગડેલા ભાવ ભારતીય અર્થતંત્ર માટે ફાયદાકારક છે. અમેરિકા, સાઉદી અરેબીયા જેવા ઓપેકના દેશો તેમજ રશિયામાં માર્કેટ કબજે કરવા ગળાકાપ હરીફાઈ જામી છે. આ હરિફાઈનો લાભ અનેક દેશોને પહોંચી રહ્યો છે. રશિયા, સાઉદી અરેબીયા, અમેરિકા, નોર્વે, મેકસીકો, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીલી, જર્મની, મલેશિયા જેવા દેશોની જીડીપીને ક્રુડના ભાવથી ગંભીર અસર પહોંચશે તેવું માનવામાં આવે છે. જોકે તમામ પ્રકારની પરિસ્થિતિમાં ફાયદો અમેરિકાને સૌથી વધુ થશે. જો ક્રુડના બેરલનો ભાવ ૩૦ ડોલર સુધી ગગડી જશે તો ભારતને ફાયદો થશે. ક્રુડના નિકાસકાર દેશોને પ્રારંભિક તબકકે નુકસાન અને આયાતકાર દેશોને લાભ થશે તેવું માનવામાં આવે છે.
- વોલેટાઇલ શેરબજારથી રોકાણકારો થોડો સમય દૂર રહે શેરબજારમાં ૨૬૦૨ પોઇન્ટનો કડાકો
કોરોના વાઈરસનો ફફડાટ જારી રહેતાં વિશ્વભરના શેરબજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. જોકે, રોકાણકારોએ આ તબક્કે ગભરાવાની જરૂર ન હોવાનો મત નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો હતો. વોલેટિલિટીથી દુર રહેવા સૂચન અપાયું હતું. આજે ગભરાટભરી વેચવાલીથી બજારમાં ૨૬૦૨ પોઇન્ટનું ગાબડું પડ્યું હતું. સેન્સેક્સ નીચે ગેપમાં ખૂલ્યા બાદ ૨૬૦૨ પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. આજે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, પાવર, ઓઈલ-ગેસ, ઓટો, બેન્ક, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સવારે સેન્સેક્સ ૨૬૦૨ પોઈન્ટ્સ અથવા ૫ ટકા ગગડીને ૩૩૦૯૪ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૭૮૧ પોઈન્ટ્સ અથવા ૪.૮૧ ટકા ઘટીને ૯૬૭૭ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૫.૭૬ ટકા અને ૬.૨૪ ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ ૮.૫૨ ટકા, ઘગૠઈ ૮.૧૬ ટકા, જઇઈં ૭.૦૬ ટકા, એક્સિસ બેન્ક ૭.૦૫ ટકા,
ટેક મહિન્દ્રા ૫.૮૮ ટકા, ઈન્ફોસીસ ૫.૮૪ ટકા, ખખ ૫.૭૭ ટકા, બજાજા ફાઈનાન્સ ૫.૭૧ ટકા અને રિલાયન્સ ૫.૫૯ ટકાનો સમાવેશ થાય છે. ગઈકાલે વોલસ્ટ્રીટમાં ભારે કડાકા બાદ આજે સવારથી જ એશિયાના બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજે સવારે જાપાનનો નિક્કાઈ ઈન્ડેક્સ ૪.૨ ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૩.૮ ટકા, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૩.૫ ટકા અને શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ ૧.૧ ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.
- ભારતની અગમચેતીએ કોરોના વાયરસને વાયરલ થતા રોક્યો
કોરોના વાયરસ ભારતમાં ફેલાય નહીં તે માટે મોદી સરકારે આગમચેતી દાખવી એરપોર્ટ ઉપર તુરંત એડવાઈઝરી જાહેર કરી હતી. વિદેશથી ભારત આવનાર તમામ મુસાફરોના પરિક્ષણ થયા હતા. એરપોર્ટ ઉપર ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. જેના કારણે ભારતમાં અન્ય સંક્રમિત રોગના સ્થાને કોરોના વાયરસનો ફેલાવો ઓછો જોવા મળ્યો છે. હવે સરકારે કોરોના વાયરસના કેસ જયાં વધુ જોવા મળ્યા છે તેવા દેશની મુલાકાત લેનાર પ્રવાસીઓનું નિદાન કરવાનું શરૂ કર્યું છે. મોટાભાગના દેશોમાંથી પ્રવાસીઓને રોકવામાં આવી રહ્યા છે. વિઝા કેન્સલ કરાયા છે. ભારતે વાયરસ ફેલાય નહીં તે માટે પોતાને વિશ્ર્વથી અળગુ કર્યું હોય તેવો ઘાટ રચાયો છે.