• રેમલ ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે: બીજી બાજુ રાજ્યમાં કાળઝાળ ગરમી,
  • અમદાવાદ સીઝનમાં પહેલીવાર 46.6 ડિગ્રી સાથે રાજ્યનું હોટ સિટી બન્યું: છ શહેરોનું તાપમાન 45 ડિગ્રીને પાર થયું
  • સૌરાષ્ટ્ર-કચ્છના આઠ જિલ્લામાં આજે ઓરેન્જ તો ચાર જિલ્લામાં યલો એલર્ટ: હજુ બે દિવસ સુધી
  • કાળઝાળ ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નહીં: તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી

ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડી લો પ્રેસર સર્જાય રહ્યું છે. જેના કારણે આગામી 24 કલાક ખુબ મહત્વના છે. ચક્રવાત આજથી 27મી મે વચ્ચે ઓડિશા ઉપરાંત 28મીએ મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે ટક્કરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રેમલ ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને ત્યારબાદ તે વધુ તીવ્ર બની જશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચક્રવાત 23મી મેથી 27મી મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત પર પ્રભાવ પડવાની સંભાવના છે. આથી હવામાન વિભાગે 28મી મે આજુબાજુ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે.બીજીબાજુ કાળઝાળ ગરમીએ મે માસમાં વિકરાળ સ્વરરૂપ ધારણ કર્યું હોય તેમ ગરમી ઘટવાનું નામ જ લઇ રહી નથી. સમગ્ર રાજ્ય પર સૂર્યનારાયણ કોપાયમાન થયા હોય તેમ તેજ કિરણોએ ધરતીને ધગધગતી બનાવી દીધી હતી અને દિવસભર આકાશમાંથી અગન જવાળાઓ વરસાવી હતી. ગુરુવારે સતત ચોથા દિવસે અમદાવાદનું તાપમાન વધી 46.6 ડિગ્રી પર પહોંચી જતા સિઝનનો હોટ દિવસ બન્યો હતો. જ્યારે એરપોર્ટ પર તાપમાન રેકોર્ડ બ્રેક 47.3 ડિગ્રી સુધી પારો પહોંચી ગયો હતો. ઉપરાંત ગ્રીન સિટી ગાંધીનગર 46 ડિગ્રી, સુરેન્દ્રનગર 45.9 અને ડિસા 45.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાતા ગરમીએ કાળો કહેર વર્તાવ્યો હતો ત્યારે હવામાન વિભાગે નઋત્યુ ચોમાસુ આગળ વધ્યું હોવાનું જણાવતા આગાહી કરી હતી કે, હજુ ત્રણ દિવસ રાજ્યના મોટા ભાગના શહેરોમાં હીટવેવ સાથે રેડ-ઓરેન્જ એલર્ટ જારી છે. જેથી ગરમી ઘટવાના હાલ કોઇ સંકેત જણાતા નથી. નોંધનીય છે કે, અમદાવાદમાં 20 મે 2016ના રોજ રેકોર્ડ બ્રેક 48 ડિગ્રી ગરમી પડી હતી. છેલ્લા કેટલાક દિવસોથી તો સવારથી 11 વાગ્યે જ તાપમાનનો પારો 39 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. જેના કારણે સવારથી જ આકરા તાપનો અહેસાસ થતો હતો. જ્યારે બપોરે તો તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ આકાશમાંથી અગન વર્ષા થઇ રહી હોય તેવું અનુભવ્યું હતું. સતત પડી રહેલી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 4 ડિગ્રી વધી સિઝનમાં પહેલીવાર 46.6 ડિગ્રીએ પહોંચી જતા આકાશમાંથી અગન વર્ષા થતી હોય તેવો અહેસાસ થયો હતો. ઉપરાંત બપોરના સમયે પંખો પણ હીટર જેવો પવન ફેંકતો હોય તેવો અહેસાસ થતો હતો. બપોરે ફૂંકાયેલા ગરમ અને સૂકા પવનથી બચવા માટે લોકોએ ઘરમાં જ પૂરાઇ રહેવાનું મુનાસીબ માન્યું હતું. જેના કારણે શહેરમાં બપોરે કરફ્યૂ જેવો માહોલ સર્જાયો હતો. કામથી રોડ પર નીકળતા લોકોએ પણ ગરમીથી બચવા માથે ટોપી અને મોઢા પર રૂમાલ સાથે સજ્જ થયેલા જણાઇ રહ્યાં હતાં. બંગાળની ખાડી ઉપર બની રહેલા આ દબાણના પગલે હવામાન વિભાગે કોલકાતામાં આંધી તોફાન અને વીજળી પડવાના જોખમને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. આખું અઠવાડિયું વરસાદ પડે તેવી શક્યતા છે. 25મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણ મણિપુરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.વાવાઝોડાનો રૂટ ભારતના ચોમાસાના આગમન પર અસર પાડી શકે છે. જો રેમલ ભારતીય તટ તરફ આગળ વધે તો તે વાસ્તવમાં ચોમાસાની શરૂઆતમાં મદદ કરી શકે છે. જેનાથી વિપરિત મ્યાંમાર તરફ ઉત્તરની બાજુ આગળ વધવાથી ચોમાસાના આગમનમાં મોડું થઈ શકે છે. અત્યાર સુધી હવામાન વિભાગે 31 મેની આજુબાજુ કેરળમાં ચોમાસુ બેસવાની શક્યતા વ્યક્ત કરી છે.

રાજસ્થાન અગનભટ્ટી બન્યું: તાપમાનનો પારો 50 ડીગ્રીએ પહોંચતા 9 લોકોના મોત

રાજસ્થાનમાં છેલ્લા 10 દિવસથી આકરી ગરમી પડી રહી છે અને તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. ગુરુવારે નવ લોકોના મોત થયા હતા – ચાર-ચાર બાલોત્રા અને જાલોર જિલ્લામાં અને એક જેસલમેરમાં. બાડમેર, જ્યાંથી ગયા વર્ષે બાલોત્રા કોતરવામાં આવી હતી, ત્યાં મહત્તમ તાપમાન 48.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે જાલોરમાં મહત્તમ તાપમાન 47.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જયપુર હવામાન વિભાગના નિર્દેશક રાધેશ્યામ શર્માએ જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાહત મળવાની કોઈ આશા નથી. સફાડા ગામની કમલા દેવી , આહોર સબડિવિઝનના સાંગરી ગામના પોપટ લાલ અને જાલોરના રેલ્વે સ્ટેશન નજીક બે વૃદ્ધ લોકોના જાલોરમાં ગરમીના મોજાને કારણે મૃત્યુ થયા હતા.

આ જિલ્લાઓમાં ગરમીનું રેડ-ઓરેન્જ એલર્ટ

કચ્છ-સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ તો ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. જેમા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતના પાંચ તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામં આવ્યું છે. ખેડા,આણંદ,વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત અને વલસાડમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. . તો ભરૂચ અને નવસારીમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પણ આકાશમાંથી અગનવર્ષા વરશસે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીને લઈને રેડ એલર્ટ અપાયું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.