- 15મી સુધી અલગ અલગ જિલ્લામાં જશે: વડોદરા અને કચ્છની મુલાકાત લીધી
- રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાન સંદર્ભે નવી દિલ્હીથી આવેલ ટીમ સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.
- ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ 6 સભ્યોની ટીમ તા. 15સપ્ટેમ્બર 2024 ચાર દિવસીય ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત કરશે.
ભારે વરસાદ સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડોક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના અધિકારીઓને બેઠકમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ભારે વરસાદની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી પૂર્વ તૈયારીઓ અને ભારે વરસાદ બાદ વહીવટીતંત્ર દ્વારા રિસ્ટોરેશન તેમજ સહાય વિતરણની કામગીરીની વિગતો ટીમ સમક્ષ રજૂ કરી હતી.
કલેક્ટરએ ભારે વરસાદની સ્થિતિમાં દરિયાકાંઠાના નજીકના વિસ્તારમાંથી સ્થળાંતરની કામગીરી, કલસ્ટર વાઈઝ નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક, કોમ્યુનિકેશન વ્યવસ્થા, સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓના સહયોગથી ફૂડ પેકેટ વિતરણ વ્યવસ્થા, પાણી વિતરણ, વીજ પુન:સ્થાપનની કામગીરી, ઝાડ ટ્રિમિંગ, ભારે વરસાદની સ્થિતિ પહેલા જ સર્ગભા મહિલાઓનું મેડિકલ ફેસિલિટીઝમાં સ્થળાંતર, પશુઓની સુરક્ષા માટેના દિશાનિર્દેશો, ધાર્મિક સ્થળો-પ્રવાસન સ્થળો તેમજ નદી નાળા કોઝવે બંધ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સહિતના યુદ્ધના ધોરણે લેવાયેલા પગલાઓ વિશે જાણકારી આપી હતી.
આ ઉપરાંત, દિલ્હીથી આવેલી ઈન્ટર-મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યોએ જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો- સ્કૂલોમાં નુકસાની, પાણી વિતરણ વ્યવસ્થામાં નુકસાની, પાક નુકસાની સર્વે કામગીરી, અસરગ્રસ્તોને આપવામાં આવેલા વળતર-કેશડોલ્સ અંગે વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી મેળવી હતી. ઈન્ટર-મિનિસ્ટ્રીયલ ટીમ કચ્છ જિલ્લાના ભારે વરસાદ અસરગ્રસ્ત માંડવી અબડાસા વગેરે વિસ્તારોની મુલાકાત લઈને નુકસાની તેમજ રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા અને ડોક્યુમેન્ટેશન કરશે.