શોભાયાત્રા, સમુહ ભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ગઈકાલે સૌરાષ્ટ્રભરમાં સિંધિ સમાજ દ્વારા ગૂરૂનાનક દેવની ૫૫૦મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગામોગામ શોભાયાત્રા, સમુહ ભોજન પ્રસાદ,મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શીખ ધર્મના સ્થાપક એવા ગૂરૂનાનક દેવે ૧૫૦૭માં ગુનાનક મરદાન, લહના, બાલા અને રામદાસ આ ચાર સાથીઓને લઈને તીર્થયાત્રા પર નીકળ્યા હતા.
૧૫૨૧ સુધીમાં તેમણે ત્રણ વખત યાત્રાનું ચક્ર પૂરૂ કર્યું જેમાં ભારત, અફઘાનિસ્તાન, ફારસ અને અરબના મુખ્ય સ્થાનોનું ભ્રમણ કર્યું હતુ. જીવનમાં અંતિમ દિવસોમાં પૂણ્ય ભંડારા જેવા કાર્યો કર્યા હતા.
કેશોદ
કેશોદ શહેરમાં ૫૫૦ ગુરૂનાનક દેવની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. વહેલી સવારે કેશોદ શહેરમાં વસતાસિંધી સમાજના આગેવાનો અને જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં ગુરૂ ગ્રંથ સાહેબની ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી હતી. કેશોદના જૂનાગઢ વિસ્તારમાં આવેલા સિંધી સમાજના મંદિરમાં સવારથી પુજા અર્ચના સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. કેશોદ શહેરમાં બપોર બાદ સિંધી સમાજના વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. સાંજના સમયે કેશોદ શહેરમાં વસતા સિંધી સમાજના તમામ પરિવારોનો સમુહ ભોજનનો કાર્યક્રમ સિંધી સમાજની વાડીમાં યોજવામાં આવ્યો હતો. કેશોદ શહેરમાં ૫૫૦મી ગૂરૂનાનક જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવા જયંતિભાઈ આહરા, નિમેષભાઈ થાવાણી, મહેશભાઈ કેવરાણી સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
ગોંડલ
ગોંડલ સિંધી સમાજ દ્વારા ગુરુનાનકની ૫૫૦ મી જન્મ જયંતી દબદબાભેર ઉજવવામાં આવી હતી અને મહાદેવ વાડી ખાતે આવેલ સમાજની વાડીએથી શોભાયાત્રા નીકળવા પામી હતી કડિયા લાઈનમાં પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું બાદમાં શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી વળી હતી અને જો બોલે સો નિહાલ સશ્રીય તાલ ના નાદ ગુંજી ઉઠયા હતા.
ઊના
ઊના શહેરમાં ગુરૂનાનક જયંતિ નિમીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સિંધી સમાજના લોકો સોમનાથ બાગ ખાતે એકત્ર થયા હતા. બાદમાં શહેરના વિવિધ માર્ગો પરથી શોભાયાત્રા નિકળી હતી. આ શોભાયાત્રામાં સિંઘીસમાજના દરેક આગેવાનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા ઉનાના ત્રિકોણબાગ, ટાવર ચોક ઉનાની મુખ્ય બજારોમાં આતશબાજી સાથે નીકળી હતી.