રક્ષક જ ભક્ષક બને ત્યારે અનર્થ સર્જાય

  • જાન- માલનું રક્ષણ અને સુરક્ષા- સલામતિના બદલે અવાર નવાર કાયદો હાથમાં લઇ પોલીસ કેમ લક્ષ્મણ રેખા ઓળંગે છે?
  • પી.આઇ. ગઢવી અને પી.એસ.આઇ. જોગરાણાના કાંડને છાવરવા રાજકોટ પોલીસે ઓન લાઇન એફઆઇઆર ન મુકી, ગુના રજીસ્ટ્રર નંબર પણ જાહેર ન કર્યા
  • ઓરીજનલ બાનાખત પરત મેળવવા વેપારીને લોકઅપમાં ગોંધી રાખી માર માર્યા અંગેની માનવ અધિકાર અને ડી.જી. સુધી ફરિયાદ પહોંચી’તી

રક્ષક જ જયારે ભક્ષક બને ત્યારે સુરક્ષા અને સલામતિની અપેક્ષા કોની પાસે રાખવી, કાયદાના જાણકાર પોલીસ અવાર નવાર કાયદો હાથમાં લઇ લક્ષ્મણ રેખા કેમ ઓળંગે છે તેવા સવાલો વચ્ચે લાંબા સમયથી રાજકોટ બ્રાન્ચના તત્કાલીન પી.આઇ. વી.કે. ગઢવી અને પી.એસ.આઇ. યુ.બી. જોગરાણા સામે કાયદો હાથમાં લીધા અંગેની ફરિયાદ નોંધાઇ છે. સસ્પેન્ડ પી.આઇ. ગઢવી અને પી.એસ.આઇ. જોગરાણા સામે ગુનો નોંધાયો હોવા છતાં રાજકોટ પોલીસ દ્વારા બન્નેને છાવરવાના ઇરાદે ઓન લાઇન એફઆઇઆર ન મુકી અને ગુના રજીસ્ટ્રાર જાહેર ન કરી આશ્ર્ચર્ય સર્જયું છે.

લોકશાહીના કલંક ગણાતા ભ્રષ્ટાચારને તા. 9 ડિસેમ્બર 2005 થી આંતર રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર દિવસ જાહેર કરાયો છે. આંતર રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની પૂર્વ સંઘ્યાએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પી.આઇ. વી.કે. ગઢવી અને પી.એસ.આઇ. જોગરાણા  સામે જમીન વિવાદ સુલટાવવા સત્તાનો દુર ઉપયોગ કરી ઉંઝાના વેપારીને ક્રાઇમ બ્રાન્ચની લોકઅપમાં ગોંધી રાખી માર માર્યા અંગેનો અંતે ગુનો નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

વિગતો મુજબ વેપારી મહેશભાઈ ગોવિંદભાઈ પટેલએ ડીજીપીને કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે ગઈ તા.21-1- 2022ના રોજ તે નિત્યક્રમ મુજબ જયવિજય સોસાયટી રોડ ઉપર આવેલી પોતાની ઓફિસે હતા ત્યારે નંબર પ્લેટ વગરની સેલ્ટોસ કારમાં 4 અજાણ્યા શખ્સો રીવોલ્વર સાથે ધસી આવ્યા હતા અને તેને ધાકધમકી આપી કારમાં બેસાડી ઊંજા પોલીસ મથકે લઈ ગયા હતા. જયાં પીઆઈ વાઘેલાને મળી પોતાને રાજકોટ લઈ જઈ રહ્યાનું કહ્યું હતું.ત્યારબાદ તેને લઈ રવાના થયા હતા. કારમાં સવા2 4 શખ્સોમાંથી 2 લીંમડી અને ચોટીલા ખાતે ઉતરી ગયા હતા. મોડી રાત્રે તેને રાજકોટ ક્રાઈમ બ્રાંચની કચેરીએ લઈ આવી લોકઅપમાં ધકેલી દીધા હતા. એટલું જ નહીં તેની બીમારીની દવાઓ પણ લેવા દીધી ન હતી. એક આતંકવાદી સાથે થાય તેવું વર્તન કર્યું હતું. પોતાને કયા ગુનામાં લઈ આવ્યા છો તેવું અનેક વખત પૂછવા છતાં જવાબ આપ્યો ન હતો.

આખી રાત પોલીસ લોકઅપમાં પુરી રાખી બીજા દિવસે પીઆઈ વી.કે. ગઢવી પાસે લઈ ગયા હતા જેણે ડંડાઓ મારી, ગાળો ભાંડી કહ્યું કે તારે અહીંથી જીવતા પાછા જવું હોય તો અમે કહીએ તે અસલ બાનાખત પાછું આપવું પડશે. કયું બનાખત તેમ પૂછતાં 2011માં શ્રી ગાયત્રીનગર કો-ઓપરેટીવ સોસાયટીનાં રાજેન્દ્ર પ્રભુદાસ જસાણીએ નોટરી રૂબરૂ કરી આપેલા અસલ બાનાખતની વાત કરી હતી.જેથી તેણે મોબાઈલમાં પીડીએફ ફાઈલમાં પડેલા બાનાખતની કોપી આપવા તૈયારી બતાવતા સ્પષ્ટ ઈનકાર કરી અસલ બાનાખત આપવાનું કહ્યું હતું એટલું જ નહીં તે બાનાખત ન મળે ત્યાં સુધી નહીં છોડવાની વાત કરી હતી. બાદમાં તેને ફરીથી લોકઅપમાં પુરી દઈ પોલીસના મળતિયાઓ દ્વારા ટોર્ચરીંગ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે રાત્રે તેની તબિયત બગડતા મળતિયાઓ એક હોટેલમાં તેને લઈ ગયા હતા. જયાં કંઈ ખાવા-પીવાનું કે દવાઓ પણ આપી ન હતી.

ત્રીજા દિવસે ફરીથી પીઆઈ ગઢવી પાસે લઈ ગયા હતા જયાં ફરીથી તેની પૂછપરછ કરી ત્રાસ ગુજારી, મારકૂટ કરી હતી. તેને બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ હોવાથી ગભરાઈ જતાં અને જીવ પર જોખમ લાગતાં ઘરે પહોંચી બાનાખત આપવાની તૈયારી બતાવી હતી. આ વખતે પીઆઈ ગઢવીએ ડરાવી, ધમકાવી, લેખિત લખાણ કરાવી લીધું હતું જેના પગલે સાંજે 6 વાગ્યે તેને મુકત કર્યા હતા.

આજે પોલીસમાં નોંધાયેલી ફરિયાદની તમામ વિગતો પોલીસે જાહેર કરી નથી માત્ર ટૂંકી વિગતો જાહેર કરી છે. પ્ર.નગર પોલીસે મહેશભાઈની ફરિયાદના આધારે પીઆઈ ગઢવી અને પીએસઆઈ જોગરાણા વિરૂદ્ધ આઈપીસી કલમ 342, 330, 347, 348, 166, 323, 504, 506 વગેરે હેઠળ ગુનો દાખલ કર્યો છે.ઉલ્લેખનીય છે કે 75 લાખના કમિશન કાંડમાં ક્રાઈમ બ્રાંચના તત્કાલીન પીઆઈ વી.કે. ગઢવીને જે-તે વખતે સસ્પેન્ડ કરી દેવાયા હતા.જ્યારે ગુનો નોંધતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.