• માળીયા મીયાણામાં બનેલ હિંસક માથાકૂટના બનાવમાં બન્ને પક્ષે ફરિયાદ નોંધાવી :કુલ 24 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી

મોરબી જિલ્લાના માળિયા મીયાણા શહેરમાં આવેલ વાગડીયા ઝાપા પાસે છોકરાઓની માથાકૂટ થઇ હતી અને તે માથાકૂટમાં 2 પરિવાર સામ સામે આવી ગયા હતા. અને ત્યારબાદ બંને પક્ષેથી એક બીજા પર ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જે બનાવમાં એક યુવાનનું મોત નીપજયું હતું. જ્યારે બંને પક્ષના દસ જેટલા લોકોને ઇજા પહોંચી હતી. જેથી તેમને માળીયા અને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જે બનાવમાં બંને પક્ષેથી સામસામે ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેના આધારે પોલીસે 2 ગુના દાખલ કરી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, માળિયા મીયાણા શહેરમાં આવેલ વાગડીયા ઝાપા પાસે ગઈ કાલે રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. જે ઘટનામાં એક સગીર સહિત, અલી ઉમર જેડા, સલીમ સુભાન કટિયા, ફારૂક હબીબ જામ, ગુલામ અલીઉમર જેડા, કાસમ હબીબ જામ, યુસુફ સબીર સંધવાણી, મયુદિન ફારૂક જામ, હુસેન કાસમ જામ, હૈદર અલીમામદ જેડા, ખમીશા ઓસમાણ જેડા અને સિકંદર જાનમહમદ જેડાને ગંભીર ઇજા થતાં તેમને માળીયા અને મોરબી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે સારવાર મળે તે પહેલા હૈદર અલીમામદ જેડાનું મોત નીપજયું હતું.

ત્યારબાદ સિકંદર જેડાને ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. માળીયાના વાગડીયા ઝાપા પાસે જેડા અને જામ પરિવારના છોકરાઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટ ચાલતી હતી ત્યારબાદ બંને પક્ષેથી લાકડાના ધોકા વડે મારામારી કરવામાં આવી હતી અને બાદમાં બંને પક્ષેથી ફાયરિંગ કરવામાં આવ્યા હતા.જેમાં ઈજા પામેલા યુવાનો સહિતનાઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે હાલમાં માળીયા મિયાણા પોલીસ સ્ટેશન માં બન્ને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જેમાં ફરિયાદી સલીમ સુભાન કટિયાએ અજર ઇલ્યાસ, હૈદર ઇલ્યાસ જેડા, ઇલ્યાસ જેડા, લતીફ સલીમ, આસિફ શકુર, યાસીન ઈશા, અરબાઝ સલીમ,ખમીસા ઓસમાણ, સિકંદર જાનમામદ, અલી હબીબ જેડા, ફારુક ઇલ્યાસ જેડા, હનીફ ઇલ્યાસ જેડા, સલીમ જેડા અને સમસીર જેડા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે જૂનું મનદુખ હતું અને ફારુકના દીકરા નૂરમામદ ઉર્ફે દાદા જામ સાથે આરોપીઓ બોલાચાલી કરી માથાકૂટ કરી રહ્યા હતા. અને ધોકા પાઇપ વડે હુમલો કરી ફાયરિંગ કર્યું હતું. જેથી આ બનાવમાં ઇજા પામેલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આમ મારામારી અને ફાયરિંગની આ ઘટનામાં બંને પક્ષેથી માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે જુદા જુદા બે ગુના દાખલ કરી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

તેમજ ફરિયાદી ઓસમાણ જેડાએ યુસુફ સંધવાણી, મયુદ્દીન જામ, નૂરમામદ ઉર્ફે દાદા જામ, હુસેન જામ, સલીમ સુભાન કટિયા, હબીબ નૂરમામદ જામ, ફારુક હબીબ જામ, કાસમ હબીબ જામ, કાદર હબીબ જામ અને ગુલામઅલી ઉમર જેડા રહે. બધા માળીયા વાળા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે ફરિયાદીના કાકાના દીકરા સોહિલ સાથે યુસુફ, મયુદ્દીન, નૂરમામદ અને હુસેન માથાકૂટ કરતા હતા. અને ત્યાર બાદ બાકીના આરોપીઓ ત્યાં બંદૂક, છરી, ધોકા વગેરે જેવા હથિયાર લઈને આવ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું. જે બનાવમાં હૈદર અલીમામદ જેડા ને ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં છે. આ ગુનામાં પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.