પોલીસ સામે કરેલી ફરિયાદ પાછી ખેંચવા ત્રણ વર્ષ પહેલાં નિર્દોષને એલસીબીમાં ગોંધી રાખી માર માર્યો’તો
જામનગરમાં એલસીબીના ત્રણ કર્મચારીઓએ ઉપાડી જઇ ગુનો કબૂલ કરવા મારકૂટ કરી ધમકીઓ આપી ઈલેકટ્રીક શોક આપ્યા હતાં. આ અંગે 2018માં જામનગરની કોર્ટમાં ફરિયાદ થતાં કોર્ટે હાલ ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલા પૂર્વ પોલીસકર્મી સહિત 3 સામે ગુનો નોંધી તપાસનો આદેશ કર્યો છે.
શહેરના પ્રણામીનગર રણજીતસાગર રોડ પર રહેતા મહાવીરસિંહ દેવાજી જાડેજાને ગત તા.29-8-2018ના રોજ સાંજે 5 વાગ્યાના સુમારે એલસીબીના એએસઆઈ વશરામભાઈ આહિર, પોલીસ કોન્સ્ટેબલ કમલેશ રબારી અને મિતેશ પટેલે કારમાં બેસાડી એલસીબી લઈ ગયા હતાં. જ્યાં ધાકધમકી આપી તેના સાળા જયરાજસિંહ સોઢાએ કરેલી પોલીસ વિરૂદ્ધ ફરિયાદ પાછી ખેંચવાનું કહી મારકૂટ કરી પટ્ટા વડે માર મારી ઈલેક્ટ્રીક શોક આપ્યા હતાં અને તા.31-8ના રોજ જામીન પર મુક્ત કરીને ધમકી આપી હતી. તેણે જી.જી.માં સારવાર લીધા બાદ જામનગરની એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જે ચાલી જતાં લાંબા સમય બાદ કોર્ટે હાલ ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલા પૂર્વ પોલીસકર્મી વસરામ આહિર, પોલીસ કોન્સટેબલ મિતેશ પટેલ અને કમલેશ રબારી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવા હુકમ કરતા સિટી-એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કેવી રીતે ટોર્ચર?
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર મહાવીરસિંહને એલસીબીમાં લઈ ગયા બાદ ગાળો કાઢી મારકૂટ ચાલુ કરી હતી જે પછી બંને હાથ પાછળ હથકડી બાંધી જમીન પર સૂવડાવી ઘંટીના જાડા પટા વડે માર માર્યો હતો જે બાદ શોકના મશીન વડે બંને હાથના અંગુઠા તથા ગુપ્ત ભાગે રીંગ પહેરાવી ઈલેક્ટ્રીક શોક આપ્યો હતો જેનાથી મહાવીરસિંહ અર્ધ બેભાન થઈ ગયા હતા.
કોર્ટના આદેશથી એમ-કેસ નોંધ્યો છે: પીઆઈ
એડિશિનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેકની કોર્ટના આદેશથી સીઆરપીસી 154 મુજબ એફઆઈઆર નોંધવામાં આવી છે જેની હવે તપાસ શરૂ કરી દેવાઈ છે. સિટી-એ ડિવિઝન પીઆઈ એમ.જે. જલુએ જણાવ્યું હતું.