- ચોરીના તમામ મુદ્દામાલ સાથે ગઠીયા બિમલસિંહ રાઠોડને ઝડપી લેતી માલવિયાનગર પોલીસ
- કટલેરીના વેપારી પત્ની સાથે શ્રી કોલોનીમાં માતાની મિત્રના ઘરે ગયાં’તા
- હુકમાં લટકાવેલું પર્સ ઉઠાવી ગઠિયો ફરાર થઇ ગયો’તો
શહેરના શ્રી કોલોની સોસાયટીમાં માતાની મિત્રને પત્ની સાથે મળવા ગયેલા કટલેરીના વેપારીના એક્ટિવાના હુકમાં લટકાવેલ પર્સ ઉઠાવી જનાર ગઠીયાને માલવિયાનગર પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે. પોલીસે ચંદ્રેશનગરમાં રહેતા બિમલસિંહ દિનેશભાઇ રાઠોડને ઉઠાવી ચોરીમાં ગયેલ સોનાની બુટી, ચાંદીની કડલી, સાકળા, રોકડ, મોબાઈલ સહીત કુલ રૂ. 54 હજારનો તમામ મુદ્દામાલ પણ રિકવર કરી લેવામાં આવ્યો છે.
દેવપરા નજીક ભવાની ચોકમાં રહેતા અને કટલેરીનો વેપાર કરતા પ્રીતેષભાઇ ભગવાનજીભાઈ કોટક(ઉ.વ.43)એ અગાઉ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 4 નવેમ્બરના રોણ સાંજના સવા છ વાગ્યાં આસપાસ તેઓ પત્ની ફોરમબેન સાથે એક્ટિવા સ્કૂટર લઈને સાસુ માલાબેનના મિત્ર રેણુકાબેન જે જેઓ શ્રી કોલોની, શેરી નંબર-1, પર્ણકુટી પોલીસ ચોકીની સામે રહે છે તેમના ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે પત્નીનું પર્સ એક્ટિવાના આગળના ભાગે હુકમાં લટકાવ્યું હતું.
રેણુકાબેનના ઘરે પહોંચી બહારની બાજુ એક્ટિવા પાર્ક કર્યું હતું અને તરત જ નીકળી જવું હોય તેથી પત્નીનહીં પર્સ એક્ટીવામાં જ લટકાવેલું હતું. દંપતી રેણુકાબેનના ઘરમાં ગયેલ અને પાણી પીને તરત બહાર આવેલ હતા પરંતુ ગણતરીની મિનિટોમાં જ પત્નીનું પર્સ મળી આવ્યું ન હતું. જે પર્સમાં રોકડ રૂ. 6 હજાર, સોનાની બુટી જેની કિંમત રૂ. 35,000, મારી દિકરી દિત્યાની ચાંદિની કડલી કિમત રૂ.1500,ચાંદીના સાંકળા જેની કિંમત રૂ. 1500, સેમસંગ કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂ. 10 હજાર એમ કુલ રૂ. 54 હજારનો મતા કોઈ ગઠિયો ઉઠાવી ગયો હતો. તહેવારની સીઝન હોવાથી ફરિયાદીએ ગત 9 નવેમ્બરના રોજ માલવિયાનગર પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં હ્યુમન રિસોર્સ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે ગઠીયા બિમલસિંહ દિનેશભાઇ રાઠોડ (ઉ.વ.39 રહે. ચંદ્રેશનગર શેરી નંબર 9)ની ધરપકડ કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી લીધી છે.