“અરજીઓ લખવાનું કામ તો દેખાવનું હતું પરંતુ તેના ઓઠા તળે તે ભયંકર દુષ્કમો કરી નિર્દોષ જીંદગીઓને રગદોળતો હતો !
સંચિત કર્મ-વિકર્મ
ગહના કર્મણો ગતિ: શાસ્ત્રોમાં કર્મની ગતિ ગહન કહેલી છે ફોજદાર જયદેવનાં અનુભવમાં એક કર્મનો વાસ્તવીક કિસ્સો કે જે ‘કર્મ ના સિધ્ધાંત’ને ઉજાગર કરતો જણાયો હતો.
સાવ ટુંકમાં જોઈએ તો દરેક જીવંત વ્યકિત કર્મ કર્યા સિવાય રહી શકિત જ નથી. કરવામાં આવતા દરેક કર્મને સંચિત કર્મ કહેવાય છે. જો વ્યકિત કાંઈ ઈચ્છા કે પ્રાપ્ત કરવા પરોપકારનું કાર્ય કરે તો તે પુષ્ય કર્મ કહેવાય જો કોઈ કર્મ બીજાને દુ:ખ આપીને કરવામાં આવે તો વિકર્મ કે નિશિધ્ધ (શાસ્ત્રો)એ મનાઈ કરેલા પાપ કર્મ કહેવાય છે. અને કોઈ ઈચ્છા અને આશા વગર ઈશ્વર પ્રિતિ માટે જે પોતાના ભાગ્યે આવેલુ કોઈ પણ કર્મ (કાર્ય) નિ:સ્વાર્થ ભાવે કરે તો તે ‘અકર્મ’ કહેવાય.
આ ત્રણેય સંચિત કર્મો ભવિષ્યે તેના ફળ અવશ્ય આપે જ છે તેને ‘પ્રારબ્ધકર્મ’ કહે છે. જો પૂણ્ય કર્મો કર્યા હોય તો પ્રારબ્ધકર્મે જીવનમાં સુખ અને સગવડતાઓ મળે છે. પરંતુ જો વિકર્મકે નિશિધ્ધ કર્મ (પાપ) કરેલા હોય તો પ્રારબ્ધકર્મ રૂપે દુ:ખ, હાની અને પીડા પ્રાપ્ત થાય છે. અને જો અકર્મ કે જે સાચા સાધુ સંતો અને સજજનો કરે છે અકર્મ તેના પ્રારબ્ધ કર્મ અનુસાર સદગતિ યાને કે મોક્ષ ગતિ થાય છે.
બાબરા સરકારી દવાખાનામાંથી પોલીસ સ્ટેશનમાં ટેલીફોનથી વર્ધી આવી કે એક બાવાજી પરણીતા એ ઝેર પીને આત્મહત્યા કરેલ છે. આથી બીટ જમાદારે તાત્કાલીક હોસ્પિટલે જઈ લાશનું ઈન્કવેસ્ટ પંચનામુ કરી લાગતા વળગતાઓના નિવેદનો નોંધ્યા અને લાશનું પોસ્ટ મોર્ટમ કરવા માટે ડોકટરને રીપોર્ટ આપ્યો.
ડોકટરને ઓપીડીમાં દર્દી વધારે હોય પીએમ થવામાં થોડો સમય લાગે તેમ હતો પોલીસ સ્ટેશન હોસ્પિટલની સામે રોડની બીજી બાજુ જ આવેલ હોય જમાદાર દવાખાનામાંથી થાણામાં આવ્યા. દરમ્યાન બહાર ગયેલ ફોજદાર જયદેવ આવી જતા જમાદારે સ્ત્રિ આત્મહત્યા ના નોંધાયેલ બનાવની જાણ કરી જયદેવે જમાદાર ને ટુંક વિગત પૂછતા જમાદારે કહ્યું કે બનાવની જાહેરાત કરનાર અરજીઓ લખવાનું કામ કરતા પવનભાઈ ગોર છે.
અને મરણ જનાર બાવાજી પરિણીતા છે. જયદેવ પવનગોરનું નામ નામ સાંભળતા જ ચમકયો કેમકે તેને બાતમી તંત્ર .. ની મળેલ બાતમી મુજબ પવન ગોર કોર કામ ધંધા વગરનો પરંતુ ગામડાના ગરીબ લોકોનું અરજીઓ લખી દેવાના બહાના તળે શોષણ જ કરતો હતો.
ત્યાં સુધી તો ઠીક પરંતુ કૌટુંબીક કંકાસમાં કોઈ સ્ત્રી અરજદાર આવી ગઈ તો માની લો કે તેનું તો ઘર જ ભંગાણુ અને બાઈ પણ ફસાણી તે વાતો બનાવવામાં પાવરધો હતો અને મીઠી મીઠી વાતો કરી ને તે ગમે તેને પોતાની વાતોની ઝાળમાં લઈ લેતો.
પવનગોર દેખાવે તો વનેચંદનો દુબળો ભાઈ જ હતો. મધ્યમ ઉંચાઈ ચામડીનો રંગ તદન કોલસાકલર માથામાં સીધા ઉભા રહેતા વાળ અને મોઢામાંથી ઉપરના બે દાંત સતત બહાર નીચેના હોઠ ઉપર જ રહેતા અને સફેદ વિચિત્ર આંખો અને ડાબે પગે લંગડો એવો હતો. પણ ઈશ્વરે તેની જીભમાં એવી મીઠાશ મુકેલી હતી કે તેની સાથે વાત કરનાર મધનો સ્વાદ ભૂલી જાય ! વળી રાજકારણમાં પાકો તક સાધુ તે હંમેશા ‘હવા પ્રમાણે ઘોડી માંડતો’ જરૂરીયાત પ્રમાણે રાજકીય પાર્ટી બદલતો રહેતો.
જયદેવ બાબરા પોલીસ સ્ટેશનમાં હાજર થયેલો તેજ દિવસે રાત્રે જ ખંભાળા ત્રણ રસ્તે બનાવ બનેલ અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલી તેના વિરૂધ્ધમાં આ પવન ગોરે બાબરા ધરમશાળામાં વિરોધ પક્ષના સભ્યોની મીટીંગ યોજેલી જેમાં અમરેલીના વિરોધ પક્ષના વિધાયકને પણ બોલાવી પોલીસ વિરૂધ્ધ પ્રવચનો ઝીકેલા અને વાસ્તવીક રીતે તો ભવિષ્યે પોલીસ પોતા વિરૂધ્ધ કાંઈ કરતા પહેલા સાથે વખત વિચારે તેવો રોલો પાડવા માટે પક્ષની મીટીંગ યોજેલી પણ મીટીંગમાં જ અમુક શાણા લોકોએ વિધાયકને કહેલું કે પોલીસની કાર્યવાહી ન્યાયીક છે અને તેવી કડક કાર્યવાહી જરૂરી હોવાનું જણાવતા પછી વિરોધ પક્ષ દ્વારા આગળ કોઈ એલાન આંદોલનના કાર્યક્રમ થયેલા નહિ. પરંતુ વિરોધ પક્ષના વિધાયકે જ જયદેવને મળીને કહેંલુ કે કાયદેસરની કાર્યવાહીમાં પોતે પોલીસ સાથે છે. જુઓ પ્રકરણ ૧૦૦ ‘ફરી પંચાલ ભૂમિ’
આથી પવન ગોરની જાહેરાત જાણીને જયદેવને થયું કે આ વ્યકિતએ જાહેરાત કરી છે તો કાંઈક લોચો જ હશે બાકી તેને પારકી પંચાત કરવાની શું જરૂર પડે? જયદેવે જમાદાર દ્વારા પવનનું નિવેદન લેવાયેલ તે વાંચ્યું તેમાં તેણે જણાવેલ હતુ કે મરનાર બાવાજીબાઈને લાઠી રહેતા તેના પતિનો ત્રાસ અને અત્યાચાર હતો. તેથી તેણીએ આત્મહત્યા કરેલી છે મરનાર બાવાજી બાઈને ત્રણ સંતાનો પણ છે વિગેરે જણાવેલ આ પવન ગોરની જાહેરાત મુજબતો આત્મહત્યા દુષ્પ્રેરણાનો સેશન્સ ટ્રાયલ ગુન્હો બનતો હોઈ જયદેવે જાતે તપાસ સંભાળી અને દવાખાને આવ્યો. પોસ્ટ મોર્ટમ વિધિ ચાલુ હતી.
જયદેવ જાતે આ તપાસમાં આવ્યો તે પવન ગોરને જરાય સારૂ ન લાગ્યું તેથી તેનું મોઢુ પડી ગયુ. જયદેવે પવન ગોરને પૂછયું કે તમારે કેમ જાહેરાત કરવી પડી. કેમ તેના કોઈ સગા સંબંધી નથી ? પવને કહ્યું ‘તો જ મારે જાહેરાત કરવી પડે ને? મને આવો કોઈ શોખ નથી.
’જયદેવે પુછયું કે મરનારનું પિયર કયા ગામે છે. તો પવને કહ્યું ઉમરાળા ગામે. જયદેવે પુછયું તેનો પતિ હાજર નથી? પવને કહ્યું તેનો ઘણી લાઠી ગામે રહે છે. આ બાઈને તેના ધણીનો ત્રાસ અને મારકૂટ કરી અત્યાચાર કરતો હોય મારા ઘરની બાજુમાં ભાડે રહેતી હતી.
જયદેવને આશ્ર્ચર્ય એ વાતનું થયું કે બાઈનું પિયર ઉમરાળા સાસરૂ લાઠી અને તેણી બાબરામાં એકલી રહેતી હતી. તાત્કાલીક તો બીજો કોઈ ઉપાય ન હતો. જયદેવે પવન ગોરના નિવેદન ઉપર થી જ આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ભારતીય ફોજદારી ધારાકલમ ૩૦૬ મુજબની એફ.અઈ.આર. નોંધી લીધી જેનો આરોપી મરનાર બાઈનો પતિ બાવાજી કે જે લાઠી રહેતો હતો તેનો ઉલ્લેખ થયો. આથી પવન ગોર ખુશ થઈ ગયો અને તેના મોઢાના હાવભાવ એકદમ ફરી ગયા અને પોતે તેજીમાં આવી ગયો. અને ઉપાધી મૂકત થતા હળવો થઈને બધા સાથે ખૂલીને વાતો કરવા લાગ્યો.
જયદેવે આ પવનગોરના વર્તનમાં આવલે પરિવર્તનની નોંધ લીધી અને સ્થળ પંચનામુ કરવા મરનારના ઘેર આવ્યો અહી પણ ખૂબ નવાઈ લાગી કેમકે બનાવનું સ્થળ જ પવન ગોરનું ઘર હતુ. પવન ગોરે સામે ચાલીને જયદેવને કહ્યું કે બાઈ નિરાધાર હતી ઘણી એ મારીને કાઢી મૂકી હતી.
અને પિયરીયા તેને રાખતા નહોય મે મારા બે ઓરડા પૈકી એક ઓરડો બાઈને રહેવા કાઢી આપ્યો હતો. અને એક ઓરડામાં હું મારી પત્ની અને મારા બાળકો સાથે રહેતો હતો. જયદેવે મરનારના બાળકો અંગે પૂછતા તેણે કહ્યું કે ત્રણે બાળકો તેના બાપ સાથે લાઠી ખાતે છે.
બાઈ એકલી જ અહીં રહેતી હતી પંચનામુ કર્યા પછી પવન ગોરની પત્નીનો જવાબ લેવા માટે જયદેવે બોલાવતા પવને કહ્યું કે ‘સાહેબ તેને માનસીક તકલીફ છે કાંઈ બોલશે નહી, જયદેવે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ખરેખર પવન ગોરની પત્ની માનસીક રોગી હોય તેમ જણાયું.
પવન ગોરના પડોશીઓ ને પૂછપરછ કરતા પવનના ડરને કારણે વધારેતો કાંઈ ન કહ્યું પણ મરનાર બાવાજી બાઈ છેલ્લા છ મહિનાથી પવન જોડે જ તેની રખાત જેમ રહેતી હતી. છેલ્લા બે મહિનાથી તેને તેના બાળકો પાસે લાઠી જવું હતુ પરંતુ પવન તેને લાઠી તેના બાળકોને મળવા પણ જવા દેતો નહતો ખાનગી રીતે જાણવા મળ્યું કે બાઈને તો હવે તેના ધણી પાસે જ જવું હતુ.
પરંતુ પવને અગાઉ બાઈની અરજી લઈ લીધેલી તેના આધારે બાઈને ધમકી આપતો હતો કે જો તું જઈશ તો તારા પતિને પોલીસ કેસમાં ફીટ કરાવી દઈશ તો તે જેલમાં અને તું બાળકો સહિત નોંધારી થઈ જઈશ. પવનની પોતાની પત્ની પવનના આવા લફરા કબાડાઓથી જ માનસીક ત્રાસી જતા તેણી મનોરોગીથઈ ગઈ છે. બાવાજી બાઈ જયારે અતિ કંટાળી ગઈ હતી અને બાળકોની યાદ આવતા આખરે ઘેનની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી લીધેલ છે.
જયદેવે પવન ગોરને કહ્યું કે પહેલેથી કેમ સાચી વાત કરી નહિ અને પોલીસને ગેરમાર્ગે દોરી તો પવને કહ્યું કે જે હતુ તે કહ્યું બાકી તમે તો તમામને ગુનેગારની જેમ જ જુઓ છો પવનને હવે ખરેખર પોલીસનો તાપ લાગવા માંડયો હતો. તેણે ગામના પ્રતિષ્ઠિત માણસોના નામ આપવા માંડયા આથી જયદેવે કહ્યું આ પ્રતિષ્ઠિત લોકોએ તને આ રીતે બાઈને અંહી રાખવાનું કહ્યું હતુ? પોલીસ હજુ નિવેદનો નોંધતી હતી ત્યાં મોકાનો લાભ લઈને કપટી પવન બચાવ માટે ત્યાંથી છટકી ગયો.
જયદેવ તમામ સત્ય હકિકત બહાર લાવવા માગતો હોય જે કોઈ ગુનેગાર હોય તેની વિરૂધ્ધ કાર્યવાહી કરવા માંગતો હતો. પવન ગોર તો આરોપી તરીકે કાગળ ઉપર નકકી થવા લાગ્યો હતો. પરંતુ બાઈના પતિનો ત્રાસ હોયતો તેના વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવાની જ હતી આથી તે લાઠી આવ્યો. પ્રથમ ચાવંડ દરવાજે એક ટ્રાન્સપોર્ટની ઓફીસે બેસીને ખાનગીમાં સત્ય અને વાસ્તવીક હકિકત જાણવા પ્રયત્ન કર્યો.
પ્રાથમિક તપાસમાં જ જાણવા મળ્યું કે મરનાર બાઈનો પતિ અતિ ગરીબ અને એક ઓરડીમાં ત્રણ બાળકો સાથે રહે છે. આ બાવાજી છૂટક મજુરી કરતો હોઈ ઘરમાં આર્થિક સંકડામણ ખૂબ રહેતી વળી ત્રણ બાળકો તેમાં કૌટુંબીક ઝઘડા વારંવાર થતા ગામડાની સ્ત્રિઓ જેમ દાણાજોવા દોરાધાગા માટે એક બીજાને રસ્તો ચિંધે તેમ કોઈ પડોશી સ્ત્રીએ આ બાબરાનાં કબાડા નિષ્ણાંત દોઢ વકીલ પવનગોરની સલાહ આપી ગરીબના સલાહકાર પણ ગરીબ જ હોય ને! તેણીએ કહ્યું કે પવન ગોર તારા ઘણીને જેલમાં પુરાવ્યા સિવાય જ એક અરજીથી ઠેકાણે લાવી દેશે.
આથી ઘર કંકાસ ઠેકાણે પાડવા બાઈ ઉછીના પાછીના કરીબાબરા આવી પવનને મળી. જીભ નો મીઠોઅને વાતો બનાવવમાં પાકો પરંતુ લફરાબાજ પવને બાઈને લલચાવી ફોસલાવી નેભોળવી દીધી પવનને તો તેનીપત્ની માનસીક રાગે હોય ઘર ચલાવવા એક બાઈની જરૂર હતી જ તેમાં આ લાઠીની બાઈ ને ફસાવીને આશરો આપવાના બહાને પોતાને ઘરે રખાત તરીકે જ રાખી લીધી.
આ બાજુ લાઠીમાં બાળકો નોંધારાથતા બાઈ નો ધણી શોધતો શોધતો બાબરા આવ્યો પણ પવને ધમકી આપી કેપોલીસમાં બાઈની ફરિયાદ ઉભી જ છે તેથી જેલમાં પૂરાવાની ધમકી આપતા બાઈનો ધણી ડરીને પાછો જતો રહ્યો.
બીજી બાજુ બાબરામાં બાઈને શરૂઆતમાં પવન ગોર સાથે સારૂલાગ્યું પરંતુ આ બાઈને પણ પવનના આવા બીજા લફરાઓની ખબર પડી અને આખરે પોતે પણ એક માં હોય પોતાના બાળકો યાદ આવ્યા તેથી તેણે પાછા લાઠી જવાની વાત કરી.
પરંતુ પવને તેને કહ્યું તારી પેલી ફરિયાદ હજુ ઉભી છે. જોતું જઈશતો તુરત પોલીસ પાછળ આવીને લાઠીથી તારા ધણીને બાબરા લાવી પકડીને જેલમાં પુરી દેશે આમ બાઈ છેલ્લા બે મહિનાથી હીજરાતી હતી પરંતુ પવન ગોરને તો જોખમ અને જવાબદારી વગરની ઘરવાળી મળી ગઈ. હતી તેથીતે બાઈને બાળકોને મળવા પણ જવા દેતો નહિ.
આખરે જે થવાનું હતુ તે થયું બાઈ મરણ ગયાના સમાચાર આવ્યા પણ તેનો ગરીબ પતિ રડીને બેસી રહ્યો છે. ઝજ્ઞીક્ષલ શત થાયક્ષ જ્ઞર ળશક્ષમ જીભ જ મનની કલમ તે ન્યાયે આ બાબતો કાગળ ઉપર ઉતારવા માટે જયદેવે આ તમામ હકિકતો ને સમર્થનકારક એવા નિવેદનો પુરાવા માટે લીધા.
બાઈનો ધણી કામધંધા વગરનો હતો. પરંતુ બાઈ ઉપર કોઈ ત્રાસ કે અત્યાચારની વિગત પડોશમાંથી જાણવા મળી નહિ. પરંતુ પવનગોર આ બાઈ નાસી ન જાય તેમાટે પોતે બહાર જતો ત્યારે ઘરને બહારથી તાળા મારીનેજતો તે પુરાવા મળ્યા.
બાબરામાં તો આ સમાચાર વાયું વેગે ફેલાઈ ગયા હતા. એક પીઢ પત્રકાર કે જેઓ ધાર્મિક મનોવૃત્તિના પણ હતા અને પોલીસ વિએઉધ્ધની માનસીકતા ધરાવતા હતા પણ તેનું કારણ એવું હતુ કે સને ૧૯૭૬માં કટોકટી કાળમાં આ પત્રકારને એક ફોજદારે લીમડાના ઝાડનું થડ પકડાવીને ઘસીને સર્વીસ કરી હતી.
પરંતુ કટોકટીમાં તે સમયે સેન્સર શિપના કાળા કાયદામાં કોઈ કાંઈ બોલી શકે તેમ ન હતું. તેથી તે સાથે તેવાત દબાઈ ગઈ હતી. પરંતુ પત્રકારના મગજમાં પોલીસની આ ક્રુર છબી ઉંડી છપાઈ ગઈ હતી તેથી તેમની માનસીકતા પોલીસ વિરોધી હતી. પરંતુ જયદેવની બાબરામાં નિમણુંક થયા પછી પહેલી મુલાકાતથી જ વ્યકિતગત ધોરણે તેમને જયદેવ પ્રત્યે લાગણી ઉભી થયેલી.
આ બાઈના આત્મહત્યાના સમાચાર જાણવા મળતા તેઓ જયદેવને રૂબરૂ મળ્યા જયદેવે અત્યાર સુધીની તપાસનો ટુંક સાર તેમને જણાવી દીધો આથી પત્રકાર ઉમંગથી બોલી ઉઠ્યા ‘હં હવે પોલીસ સાચી’ પત્રકારે પણ પોતા પાસેની પવનગોર બાબતની જે જે વાતો ગામે ગામની ગરીબ અભણ સ્ત્રીઓના જે જે શોષણ કરેલા તેની ચર્ચા કરી.
જયદેવે પુછયું કે આ લોકો હવે ફરિયાદ કરે ખરા? પત્રકારે કહ્યું હવે ભોગ બનનાર તમામ પાછા પોત પોતાના કુટુંબમાં ગોઠવાઈ ગયા છે. હવે જાહેર કરીને કોણ બદનામી ઉભી કરે કે ઘર ભાંગે? પત્રકારે જણાવ્યું હવે આ પાપનો ઘડો છલકાયો છે તો સાથે સાથે આવા કોઈને તાનચડે તો જુદી વાત છે!
તે દિવસથી આ પત્રકારે દેશી ભાષામાં ‘પાપનો ઘડો છલકાયો’ શિર્ષક હેઠળ દરરોજ એક પછી એક ગામડા વાઈઝની પવન ગોરની કામલીલાઓ વિશે લખવાનું શરૂ કર્યું. રાજયના માતબર છાપામાં આ સમાચારો’ ઠગ, નીચ, નાલાયક, નરાધમ, લફંગો’ના ઉપનામો સાથે છપાતા પવનગોર ખૂબજ શરમાયો અને તેને ભાન થયુંકે આ કામ લીલાઓની તો ગામઆખાને ખબર હતી. વળી હવે આ ફોજદાર તો કાયદેસર બાબતમાં કાંઈ બાંધ છોડ નહિ કરે વળી તેને ખ્યાલ હતો કે ફોજદાર હાજર થયો તે દિવસના બનાવ અંગે પોતે કરેલ મીટીંગની ખોટા નાટકની પણ તેને યાદી હતી.
પવનને હવે ખ્યાલ આવી ગયો કે તપાસ હવે પોતા તરફ પણ લંબાઈ છે તેથી તેણે બાબરા મૂકી દીધું અને નજર બહાર થઈ ગયો. પરંતુ પોતે કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશનની નજીક જ કેબીનમાં બેસી દોઢ વકીલાત કરતો હોય તેને મનમાં એમ હતું કે એફઆઈઆરમા તો બાઈના પતિનું નામ છે. એટલે પોતે સલામત છે. પરંતુ કોઈ વકીલે સલાહ આપી કેતેં લખાવેલ એફ.આઈ.આર.એક. વાત હતી હવે તપાસમાં તો જે પુરાવા મળે. જે સત્ય હકિકતો નિવેદનોમાં આવે તે રીતે પોલીસ કાર્યવાહી કરી તારી પણ ધરપકડ તો કરશે જ.
આ બાજુ છાપામાં પવનના જુના પરાક્રમો રોજે રોજપ્રસિધ્ધ થતા હતા તથા પોલીસ પવનને પકડવા આકાશ પાતાળ એક કરે છે તેવા પણ સમાચાર આવતા હતા બાબરા ગામ નાનુ તાલુકા મથક હતુ. એટલે ગામમાં ‘મોઢા એટલી વાતો’ થોડા દિવસથી તોબાબરા ઉપરાંત તાલુકાના ગામોમાં પણ આજ વિષય ચર્ચામાં હતો.
કોઈ ટીખળીએ એવી અફવા ફેલાવી અને અફવા પવનગોરને પહોચે તેવા ને જ પહોચાડી કે ફોજદાર આરોપીઓને બજારમાં જે પાટીયા લખી ગળે ટાંગીને ફેરવે છે. પરંતુ પવન લંગડો છે. અને બરાબર ચાલી શકતો નથી તેથી તેના માટે લારી ભાડે કરવાનું પોલીસે નકકી કર્યું છે.
અને પવન ને આ લારીમાં બેસાડી ગળામાં ‘હું… છું’ એવું લખેલી પાટી પહેરાવી લારીની આગળ ઢોલ વાગતા જાય તેવી વ્યવસ્થા કરી છે પવનને થયું કે ફોજદાર જયદેવની જે પધ્ધતિ છે તે મુજબ તો તે આવું કરે પણ ખરૂ. અને જો લારીમાં ફેરવે તો હવે ગામમાં મોઢુ શું બતાવવું? જોકે જયદેવેને આ બાબત નો તો કોઈ ખ્યાલ પણ નહતો. પરંતુ પવનગોરના જેઓ વિરોધીઓ હતા તેઓ રોજે રોજ નવા નવા ગેપ-ગેજેટ અફવાથી ફેલાવતા હતા.
જયારે માણસનો સમય નબળો આવે ત્યારે તેને વિચારો પણ નબળા જ આવે તે ન્યાયે પવનને જાગતા સુતા બસ પોલીસ જ ભૂતાવળની જેમ દેખાતી હતી. સામાન્ય રીતે સમાજમાં ચારીત્ર્યહીનને અને તેમાં પણ છાપે ચઢેલા ને નજીકના સગા સંબંધીઓ પણ સહકાર આપતા નથી. કોઈ સહકાર આપે તો અતિ નજીકના સગા હોય અથવા તેની જેવી મનોવૃત્તિ ધરાવતા હોય તેઓજ સહકાર આપે છે.
જયદેવે ઉમરાળા ગામે જઈ મરણ જનાર બાવાજીબાઈના પિયરીયાના નિવેદનો નોંધતા તેઓ પણ જે નિવદેન લખાવ્યા તેમાં તેની દીકરીની જીદંગી બગાડી અને ઘર ભાંગવામાં આ પવન ગોરને જ જવાબદાર લેખાવ્યો. જમાઈની ગરીબીને કારણ રૂપ દર્શાવી આમ તપાસને અંતે હવે કાયદેસર એ નકકી થતુ હતુ કે બાઈને મરવા માટેનું દુષ્પ્રેરણ અને સંજોગો તો બાબરાના પવનગોરે જ ઉભા કર્યા હતા. બાઈના પતિએતો છેલ્લા છ મહિનાથી બાઈને લાઠીમાં જોઈ પણ નહતી.
આથી જયદેવે ભારતીય ફોજદારી કાર્યવાહી રીતિ અધિનિયમ ની કલમ ૧૬૯ મુજબ બાઈના પતિ વિરૂધ્ધ ગુન્હાનો કોઈ પુરાવો નહિ હોય તેને આરોપમાંથી મૂકત કરતો અને મળી આવેલા તમામ પુરાવા અને સાંયોગીક પુરાવા મુજબ સાચો આરોપી આ કામની એફ.આઈ.આર. આપનાર પવન ગોર જ છે તેવો કોર્ટને વિગતવારનો રીપોર્ટ કર્યો.
આ કોર્ટને કરેલ રીપોર્ટના સમાચાર કોઈ વકીલ દ્વારા પવન ગોરને મળ્યા આથી તે ધ્રુજી ઉઠ્યો. હવે પવનને સાંભળેલ અફવા મુજબ સુતા જાગતા હાલતા ચાલતા મનમાં એક જ રટણ ચાલુ થઈ ગઈ હતી કે પોલીસ તેને લારીમાં પાટી પકડાવી ઢોલ વગડાવી બાબરા બજારમાં ફેરવવાનો છે. આથી તેનું ખાવા પીવાનું તો ઠીક ઉંઘ પણ હરામ થઈ ગઈ હતી.