ધ્રોળ પોલીસે જાળીયા માનસર ગામના શખ્સ અને ટેન્કર ચાલક સહિત બે ને રંગે હાથ ઝડપી લીધા
પેટ્રોલ ડીઝલ ભરેલું ટેકર કાર સહિત રૂ.25.85 લાખની મુદામાલ કબ્જે
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ તાલુકાના લૈયારા નજીક જાહેરમાં એક ટેન્કરને ઉભું રાખીને તેમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરવાનું કાર્રસ્તાન ધ્રોલ પોલીસે પકડી પાડયું છે, અને ટેન્કર ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી પેટ્રોલ ડીઝલના આઠ કેરબા, એક કાર અને ટેન્કર સહિત 25.85 લાખની માલમતા કબજે કરી છે.
ધ્રોલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, કે ધ્રોલ તાલુકાના લૈયારા ગામ નજીક સોમનાથ હોટલની સામેના ભાગમાં સીમમાં જવાના રસ્તે એક ટેન્કરને ઉભું રાખીને તેમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરવાનું કારસ્તાન ચાલી રહ્યું છે, અને જન આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. જે ચોક્કસ બાતમી ના આધારે ગઇરાત્રે ધ્રોલ પોલીસે લૈયારા ગામમાં દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન બે શખ્સો દ્વારા એક ટેન્કર માં ડીઝલ અને પેટ્રોલની અલગ અલગ ટાંકીના સીલ તોડીને તેમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરવાનું કારસ્તાન સામે આવ્યું હતું. જેથી પોલીસે ટેન્કરના ચાલક જામનગર તાલુકાના સિક્કામાં રહેતા દિપક ઉર્ફે દિનેશભાઈ રાજુભાઈ માનસુરીયા ઉપરાંત ધ્રોળ તાલુકા ના જાળીયા માનસર ગામમાં રહેતા રમેશ ઉર્ફે ભરત વાલજીભાઈ બેડીયા ની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. જેઓ બંને પાસેથી પેટ્રોલના ચાર કેરબા, અને ડીઝલના ચાર કેરબા, એક કાર, તથા એક ટેન્કર સહિત કુલ 25,85,362 માલમત્તા કબ્જે કરવામાં આવી છે, અને બંને શખ્સો સામે ધ્રોળ પોલીસ મથકમકજુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.