ઘોઘાવદર રોડ પર ભાડાના બે શેડ પર કબજો જમાવી દીધો હતો
શહેરના સુખનાથ નગરમાં રહેતા અને ઘોઘાવદર રોડ ઉપર બે શેડ ની માલિકી ધરાવતા મહિલાએ ગુલ્ફી બનાવતા પિતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સરકારી હોસ્પિટલ પાછળ આવેલ સુખનાથ નગરમાં રહેતા ચંપાબેન રણછોડભાઈ ગજેરા ઉમર વર્ષ 58 એ રહીમ ઈસ્માઈલભાઈ બાલાપરિયા અને તેના પુત્ર યાસીન વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 447, 506 (2 ) મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ચંપાબેન રણછોડભાઈ ગજેરાની રેવન્યુ સર્વે નંબર 209ની જમીનમાં બે પાકા શેડ આવેલા હોય અને આશરે 15 વર્ષ પહેલાથી તેમાં રહીમ ઈસ્માઈલભાઈ બાલાપરિયા ભાડે રાખી ગુલ્ફી બનાવવાનું કારખાનું ચલાવતા હોય જે ખાલી કરવાનું કહેતા ફરિયાદીના પુત્ર સાથે ઝઘડો કરી લોખંડના પાઇપ વડે માર મારવાનો પ્રયત્ન કરતા રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ અંગે અરજી કરવામાં આવી હતી. જેની તપાસમાં દબાણ થયાનું જણાતા સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.