મંડળીના ૭૧ સભાસદોની જાણ બહાર બોગસ રેકર્ડ બનાવી રૂ.૮૧.૫૦ લાખની ગેરરીતિ આચરી
મૂળી તાલુકા શિક્ષણ સંસ્થાના કર્મચારીઓની શરાફી સહકારી મંડળી લી.માંથી તાત્કાલીન બે પ્રમુખ અને મંત્રીએ રૂા.૮૧.૫૦ લાખની ઉચાપત કર્યાની વહીવટદારે ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળી માર્કેટ યાર્ડ ખાતે મૂળી તાલુકા શિક્ષણ સંસ્થાના કર્મચારીઓની શરાફી સરકારી મંડળીના વહીવટદાર દેવજીભાઈ ધરમશીભાઈ મોરીએ મૂળી તાલુકા પંચાયત કચેરીનાં વિક્રમભાઈ સુથાર, જસાપર પ્રાથમિક શાળાના શિક્ષક દેવજી જોગા સભાડ અને સરા પે સેન્ટર શાળા નં.૩ના શિક્ષક ધનજી જેસીંગ ચૌહાણે મંડળના હોદાઓનો દૂરૂપયોગ કરી રૂ.૮૧.૫૦ લાખની ઉચાપત કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૂળી શિક્ષણ સંસ્થાના કર્મચારીઓની શરાફી મંડળીના તા.૧૨.૭.૦૯ થી ૮.૯.૧૨ના સમયગાળા દરમિયાન વિક્રમભાઈ સુથારે પ્રમુખે રૂ.૧૭ લાખ, ૯-૯-૧૨થી ૬-૧૨-૧૯ દરમિયાન દેવજીભાઈ સભાડે રૂ.૬૪.૫૦ લાખનું ખોટી રીતે ધીરાણ કર્યું ત્યારે મંડળીના મંત્રી ધનજી જેસીંગ ચૌહાણ હતા. આથી ત્રણેય સામે ગુનો નોંધી તાલુકા પોલીસ મથકના સ્ટાફે તપાસનો ધમધમાટ આદર્યો છે.