- દસ વર્ષમાં 1.57 કરોડની આવક પ્રમાણે 410 ટકાથી વધુની સંપત્તિ હોવાનો એસીબીની તપાસમાં ધટસ્ફોટ
- સોખડા, ગોમટા, રાજકોટ, શાપર, ચોરડી અને અમદાવાદમાં ટેનામેન્ટ, ફ્લેટ, ફાર્મ હાઉસ, ખેતીની જમીન, ગોડાઉન અને છ વાહનો સહિતની 10.55 કરોડની મિલકત વસાવ્યાનો ખુલાસો
ટીઆરપી અગ્નિકાંડની ગોજારી ઘટનામાં ઘરપકડ બાદ સસ્પેન્ડ થયેલા ટીપીઓ સાગઠીયા સામે છેલ્લા પંદર દિવસથી એસીબી દ્વારા અપ્રમાણસર મિલકત અંગે ચાલી રહેલી તપાસના અંતે 10.55 કરોડની અપ્રમાણસરની મિલકત વસાવી ફરજ દરમિયાન સતાનો દુર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યા અંગેનો ગુનો નોંધાતા કોર્પોરેશનના લાંચીયા અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે. સાગઠીયાએ રાજકોટ, સોખડા, શાપર, ચોરડી અને અમદાવાદમાં પોતાના તેમજ પોતાના સગા- સંબંધીઓના નામે મિલકત વસાવ્યા ઉપરાંત આઠ દેશમાં પવાસ કર્યાનું એસીબીએ નોંધ્યું છે. ક્રાઇમ બ્રાન્ચમાં રિમાન્ડ પર રહેલા સાગઠીયાના રિમાન્ડ પુરા થયા બાદ લાંચ રુશવત વિરોધી બ્યુરો દ્વારા ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી સુરેન્દ્રનગર એસીબી દ્વારા રિમાન્ડ મેળવી વિશેષ તપાસ હાથ ધરવામાં આવશે તેમ એસીબી સુત્રો જણાવી રહ્યા છે.
અગ્નિકાંડની ગોજારી ઘટના અંગે સરકાર દ્વારા કોઈને છોડવામાં નહી આવે તેવું જાહેર કર્યા બાદ વડા શમશેરસિંહના સિધ, એસીબીના જોઈન્ટ ડાયરેકટર બિપન આહિર, રાજકોટ એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગ દર્શન હેઠળ મનસુખ ધના સાગઠીયાએ ફરજ દરમિયાન ભ્રષ્ટ રીત રસમથી કરોડોની મિલકત વસાવી લીધા અંગે છાનભીન શરુ કરી હતી. એસીબીની તપાસ દરમિયન સાગઠીયાની તા.1-4-12 થી તા.31-5-24 દરમિયાન ફરજ દરમિયાન પોતાના અને પોતાના સગાના નામે વસાવેલી મિલકતની યાદી તૈયાર કરી હતી. જે સાગઠીયાની કાયદેસરની આવક 2,57,17, 359 થાય છે જેની સામે તેની પાસે 13, 23, 33 323ની મિલકત હોવાથી સતાનો દુર ઉપયોગ કરી આવકના પ્રમાણે 410.37 ટકા વધારે મિલકત વસાવી હોવાનું બહાર આવતા પી.આઇ. જે.એમ.આલ સરકાર પક્ષે ફરિવાદી બની આવક કરતા 10, 55, 37, 355ની મિલકત અપ્રમાણસર હોવાથી ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ નોંધાવી છે. સાગઠીયા સામે ભ્રષ્ટાચાર અંગેના કેસની તપાસ સુરેન્દ્રનગર એસીબીના એમ.એમ.લાલીવાલને સોપવામાં આવી છે. સાગઠીયાના ક્રાઇમ બ્રાન્ચમાં સોમવારે રિમાન્ડ પુરા થયા બાદ તેનો ભ્રષ્ટાચારના ગુનામાં ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી તપાસ હાથ ઘરવામાં આવશે. ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25 મેના રોજ લાગેલી ભયંકર આગમાં 27 સળગીને ભડથુ થતા ગેમઝોનના બાંધકામની કોઇ પ્રકારની ટીપી શાખામાંથી મંજુરી આપવામાં આવી ન હોવા છતાં ચાર વર્ષ સુધી ટીપી શાખા દ્વારા તોડી પાડવાની કોઈ કાર્યવાહી ન કરી આંખ આડા કાન કરતા અગ્નિકાંડના ગુનામાં શિવશક્તિ સોસાટીમાં અલખઘણી એપાર્ટમેન્ટમાં રહેતા સસ્પેન્ડ ટીપીઓ મનસુખ ધનજી સાગઠીયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી ત્યાર બાદ તેને બોગસ મીનીટસ બુક બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યાનું બહાર આવતા અલગથી કાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધી ગઇકાલે છ દિવસના રિમાન્ડ પર લીધો છે. અગ્નિકાંડની ઘટના બાદ એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફ દ્વારા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે ભ્રષ્ટાચાર અંગેનો ગનો નોંધ્યા બાદ સસ્પેન્ડ ટીપીઓ સાગઠીયા સામે ભ્રષ્ટાચાર અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. સાગઠીયાએ પોતાના પણ બાબારી પટોલ પંપ સોખડામાં ત્રણ ઇન્ડસ્ટ્રીયલ ,પડધરીના મોવયામાં બાલાજી ગ્રીન પાર્કમાં પ્લોટ, યુનિર્વસિટી રોડ પરની અનામિકા સોસાયટીમાં અન્ડર ક્ધટ્રકશન બંગલો, માધાપર પાસે આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ, અમદાવાદ શાંતિગ્રામ એસ્ટર ફલેટ, અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં મિલકત, હોન્ડા સિટી સહિત છ વાહન અને છેલ્લા દસ વર્ષ દરમિયાન દુબઇ, યુરોપ, સાઉથ આફ્રિકા, ઓસ્ટેલિયા, યુ.કે., મલેશિયા, માલદિવ અને શ્રીલંકાનો પ્રવાસ કર્યાનું એસીબીની તપાસ દરમિયાન બહાર આવ્યું છે.સાગઠીયાની રિમાન્ડ પર મેળવ્યા બાદ વધુ અપ્રમાણસરની મિલકત અંગેની વિગત બહાર આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.