- વાછકપર બેડી પ્રાથમિક શાળાનો શિક્ષક બાળકીઓ સામે પેન્ટ કાઢી ઉભો રહી જતો
- પરિજનોને જાણ થતાં પોલીસ મથકે દોડી ગયાં : કુવાડવા પોલીસે ગુનો નોંધી કમલેશની શોધખોળ હાથ ધરી
શહેરની ભાગોળે આવેલા વાછકપર બેડી ગામથી શિક્ષણ જગતને શર્મશાર કરનાર કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં સરકારી શાળાના લંપટ શિક્ષક માસુમ વિદ્યાર્થીનીઓને પોર્ન વિડીયો બતાવતો હોય તેમજ અલગ રૂમમાં લઇ જઈ પોતે પેન્ટ કાઢી નાખતો હોય તેવો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ વાલીઓને થતાં મામલો કુવાડવા રોડ પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે લંપટ શિક્ષક કમલેશ અમૃતીયા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય બાબત છે કે, જે શાળામાં આ લંપટ શિક્ષક નોકરી કરે છે તે જ શાળામાં લંપટ શિક્ષકની પત્ની આચાર્ય તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલાની મળતી માહિતી મુજબ વાછકપર બેડી ગામમાં રહેતાં 34 વર્ષીય ખેડૂતે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વાછકપર બેડી ગામમાં આવેલી સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો કમલેશ અમૃતિયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓની સગીર દિકરી ધો.5 માં ગામની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે છે. થોડાં દિવસ પહેલાં તેઓની પુત્રીએ તેમને જણાવ્યું હતું કે, તે સ્કૂલે જાય ત્યારે તેમના સ્કૂલ ટીચર કમલેશ અમૃતિયા રીસેસના સમયે સ્કૂલમાં આવેલ બગીચામાં તેમની સાથે અન્ય વિદ્યાર્થીનીઓને પણ ત્યાં લઈ જઈ તેના મોબાઈલમાં પોર્ન વિડીયો બતાવી પોતાના કપડાં કાઢી નાંખી વિકૃત હરકતો કરતો હોય છે. આ બાબતની જાણ થતાં વાલીઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તેઓએ ગ્રામજનોને વાત કરતાં અન્ય વાલીઓ પણ તેમનો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપી સામે ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી પીઆઈ બી પી રજીયા અને ટીમે આરોપીના અયોધ્યા ચોક નજીક આવેલ ઘરે તપાસ કરતાં તે ત્યાંથી નાસી છૂટતાં તેની શોધખોળ હાથ ધરી હતી. ઉપરાંત પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી એકાદ વર્ષથી કૃત્ય કરતો હોવાનું અને તેના પત્ની તે જ સ્કૂલમાં પ્રિન્સિપાલ હોવાનું સામે આવ્યું છે. લંપટ શિક્ષકે 12 જેટલી માસુમ વિદ્યાર્થીની સાથે આ પ્રકારનું કૃત્ય આચર્યાનું સામે આવ્યું છે.