કંડલા નેશનલ હાઇવે પર વાંકાનેરના વઘાસીયા પાસે ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યું છે. તેના કરતા ઓછો ટોલ ટેકસ વસુલ કરી સમાંતર ટોલ નાકુ બનાવવા અંગે દોઢ વર્ષ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઉમિયાધામના પ્રમુખના પુત્રની વઘાસીયા પાસે આવેલી વ્હાઇટ હાઉસ સિરામીક મંદિના કારણે બરોબર ચાલતી ન હોવાથી ફેકટરીની દિવાલ તોડી વાહન પસાર થઇ શકે તેવો રસ્તો બનાવી વાહન ચાલકો પાસેથી નિયત કરાયેલા ટોલ ટેકસ કરતા ઓછો ટેકસ વસુલ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાઇ છે. દોઢ વર્ષથી ચાલતા ગેર કાયદે ટોલ નાકામાં ભાજપ આગેવાન સહિત પાંચની સંડોવણી હોવાથી પાંચેય સામે બળજબરીથી વાહન ચાલકો પાસે ટોલ ટેકસ વસુલ કરવા અંગેની પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમારે ફરિયાદ નોંધાવી છે.
ઉમિયાધામ સંસ્થાના પ્રમુખના પુત્રના વ્હાઇટ હાઉસ સિરામીક ફેકટરી દોઢ વર્ષથી બંધ કરી ગેર કાયદે ટોલનાકુ બનાવી વાહન ચાલકો પાસેથી ટેકસ વસુલ કરાતો
નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા કરતા વાહન ચાલકો પાસેથી ઓછો ટેકસ લેવાતા દોઢ વર્ષમાં તગડી રકમની કમાણી કરી
વાંકાનેર તાલુકાના વધાસિયા પાસેથી પસાર થતા નેશનલ હાઈવેપર કાયદેસરના ટોલપ્લાઝાને બાયપાસ કરીને વાહનચાલકો આગળ વધી શકે તેવું તદ્દન ગેરકાયદે ટોલનાકુ ઉભુ કરીને ઉઘરાણા કરાતા મોરબી જિલ્લા કલેક્ટરની સૂચના બાદ આજે પોલીસમેન યશપાલસિંહ ભવાનસિંહ પરમારની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના અમરશી જેરામભાઈ પટેલ ( રહે.વ્હાઈટહાઉસ સિરામીક ) રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા હરવિજયસિંહ જયુભા ઝાલા ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તથા અન્ય શખ્સો અજાણ્યા વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરાઈ છે .
વઘાસિયા ટોલનાકામાં ટોલટેક્સ મોંઘો હોય તેની બાજુમાં જ આરોપીઓએ કારખાનામાંથી વૈકલ્પિક રસ્તો કરીનેસસ્તો અને ગેરકાયદે ટોલ ઉઘરાવવાનું શરુ કર્યાનું બહાર આવ્યું છે . આરોપીઓમાં અમરશી પટેલ એ સીદસરના પ્રમુખ ઉમિયાધામ જેરામભાઈ પટેલના પુત્ર હોવાનું જ્યારે ધર્મેન્દ્રસિંહ ઝાલા એ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિદેવ અને ગામના સરપંચ તથા ભાજપના કાર્યકર હોવાનું ખુલતા ચકચાર જાગી છે . પોલીસ ફરિયાદમાં જણાવ્યા મૂજબ વઘાસિયા ટોલપ્લાઝાનો કોન્ટ્રાક્ટ બામણબોર ટોલવેઝ પ્રા.લિ.પાસે તા . 26 4-2018થી છે . જેનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ ટી.બી.આર.ઈન્ફ્રા હૈદ્રાબાદ પાસે છે .
આ ટોલ નાકા ઉપર કાર સહિત ફોર વ્હીલ માટે રૂ.110 , નાના ટ્રક – બસના રૂ.380 અને મોટા વાહનોના રૂ.595 લેખે ટોલ વસુલવામાં આવે છે . આ ટોલને બચાવવા વાહનચાલકો વૈકલ્પિક ગ્રામ્ય રસ્તા પર જતા જ્યો ગેરકાયદે ટોલ ઉઘરાવાતો તે કાયદેસરના ટોલટેક્ષ કરતા ઓછા દરે વસુલાતા હોવાનુ પોલીસસૂત્રોએ જણાવ્યું છે.ચર્ચાતીવિગત મૂજબ રૂ.50થી 200 લેખે લાંબા સમયથી ગેરકાયદે ઉઘરાણુ થતું હતું . પોલીસસૂત્રો અનુસાર વઘાસીયા ટોલપ્લાઝાની બાજુમાં અમરશી જેરામભાઈ પટેલનું વ્હાઈટ હાઉસ સિરામીક ટાઈલ્સનું કારખાનુ આવેલ છે જે આર્થિક મંદીના કારણે દોઢેક વર્ષથી બંધ પડેલ છે . જે અન્વયે આ કારખાનાની દિવાલમાં એક દરવાજો અને વાંકાનેર તરફ બીજો દરવાજો એવી રીતે બનાવેલ છે જેથી વાહનચાલકો વઘાસીયાના અધિકૃત ટોલનાકામાં પસાર થયા વગર આરોડ પરથી પસાર થઈને હાઈવે પર જઈ શકે .
વાહનોને બળજબરીથી આ કારખાનામાં બનાવેલા રસ્તા પર લઈ જઈ ત્યાં મરજી મૂજબ નિયત દરથી ઓછો ટોલ ઉઘરાવાતો હતો જેની કોઈ પહોંચ અપાતી ન્હોતી . વાંકાનેરથી નવા વઘાસીયા વચ્ચે પસાર થઈ મોરબી તરફ જવા રેલવેલાઈન પર એક ફાટક ટોલનાકા પહેલા અને બીજુ ટોલનાકા પછી આવે છે અને આમ , ટોલપ્લાઝાને બાયપાસ કરીને નવા વઘાસીયાના ધર્મેન્દ્રસિંહ અને તેના ભાઈ તથા તેમના મળતિયાઓએવાંકાનેર તરફથી આવતા વાહનોને પહેલા ફાટક પાસેથી પસાર કરાવીને કાયદેસરના ઉંચા ટોલથી બચાવી ગેરકાયદે ટોલ વસુલ કરતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ગેરકાયદે ટોલ પ્લાઝામાં અમરશી પટેલનો કોઇ રોલ નથી: ઉમિયાધામ પ્રમુખ જેરામભાઇ પટેલ
વાંકાનેર પાસેના વઘાસીયા પાસેના નેશનલ હાઇવે પર વાહન ચાલકોને ઓછો ટોલટેકસ ભરવા માટે ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામભાઇ પટેલના પુત્ર અમરશી પટેલની વ્હાઇટ હાઉસમાં ગેર કાયદે ટોલનાકુ બનાવવા અંગેના ચકચારી કૌભાંડમાં અમરશી પટેલનો કોઇ રોલ ન હોવાનું ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામભાઇ પટેલે જણાવી અમરશી પટેલે 11 માસના ભાડા કરાર કરીને પોતાની બંધ ફેકટરીની જગ્યા ભાડે આપી હોવાનું જાહેર કર્યુ છે.