જામનગર સમાચાર
જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા એક કેબલ ઓપરેટર કે જેની પાસે સ્ટાર ઇન્ડિયા કંપનીની ચેનલોનું પ્રસારણ કરવાના કોઈ હકક અથવા કોઈ એગ્રીમેંન્ટ ન હોવા છતાં તેનું પ્રસારણ ચાલુ રાખ્યું હોવાથી તેની સામે કોપી રાઈટ ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં અદાલત સામેના વિસ્તારમાં રહેતા અને ગુરુકૃપા કેબલ એન્ડ ઇન્ટરનેટ સર્વિસ ચલાવતા લખન જગદીશસિંહ જાડેજા કે જેની પાસે સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ચેનલો ને પ્રસારિત કરવા માટેનું કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધું ન હોવાથી અથવા તો કંપની સાથે કોઈ એગ્રીમેન્ટ કર્યા ન હોવા છતાં બિનઅધિકૃત રીતે પોતાના કેબલ નેટવર્ક મારફતે સ્ટાર ચેનલ પ્રસારિત કરવામાં આવી રહી હતી.
દરમિયાન પંજાબના વતની કંપનીના ઇન્વેસ્ટીગેટર દિપકકુમાર કુશવાહા, કે જેઓ ગઈકાલે જામજોધપુર આવ્યા હતા, અને સ્ટાર ચેનલનું પ્રસારણ થતું હોવાના પુરાવા એકત્ર કરીને જામજોધપુર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને કેબલ ઓપરેટર લખન જગદીશસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતાં જામજોધપુર પોલીસે કેબલ ઓપરેટર સામે કોપી રાઈટ એક્ટ ૧૯૫૭ ની કલમ ૩૭,૫૧,૬૩,૬૫, તેમજ ૬૫ એ મુજબ ગુનો નોંધ્યો છે, અને કેબલ ઓપરેટરની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.