• એસીપી એચ.એલ. રાઠોડે તુરંત કાર્યવાહી કરી કાર ચાલક સહિત બેને દબોચી લીધા: કારમાંથી માદક પીણું મળ્યું
  • રાજકોટ પિતરાઈ ભાઈના ઘરે ખબર અંતર પૂછવા આવતા પરિવારને નડ્યો અકસ્માત: સદનસીબે એક દંપતી બચી ગયું: કાર ચાલક નશાની હાલતમાં હોવાની શંકા

શહેરના ભાગોળે આવેલા રાજ સમઢિયાળા ગામે પૂરપાટ ઝડપે આવી રહેલી હ્યુન્ડાઈ ઓરા કારે બે બાઈકને અડફેટે લેતાં બે દંપતી ગંભીર રીતે ઘવાતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે વીએચએફ દ્વારા મેસેજ મળતા એસીપી એચ.એલ.રાઠોડે તુરંત કાર્યવાહી કરી કાર ચાલક સહિત બે શખ્સોને ગણતરીની મિનિટોમાં પકડી લીધા હતા. તો બીજી તરફ કાર ચાલક નશાની હાલતમાં હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ સરધાર પાસે ખારચિયા ગામે રહેતા ધીરુભાઈ મંગાભાઈ મકવાણા (ઉ.વ.40), તેમના પત્ની ગંગાબેન ધીરુભાઈ મકવાણા (ઉ.વ.35), દેવશીભાઇ મંગાભાઈ મકવાણા (ઉ.વ.35) અને તેમના પત્ની પ્રભાબેન દેવશીભાઇ મકવાણા (ઉ.વ.30) થતા ભાવેશભાઈ મંગાભાઈ મકવાણા સહિત ત્રણ બાઈક પર છ લોકો રાજકોટ પિતરાઈ ભાઈના ઘરે આવી રહ્યા હતા.

તે દરમિયાન રાજ સમઢિયાળા ગામ પાસે પુરપાટ ઝડપે દોડી આવેલી હ્યુન્ડાઈ ઓરાના કાર ચાલકે બે બાઇક પર બેઠેલા બે દંપતીને હડફેટે લેતા ધીરુભાઈ મકવાણા, તેમના પત્ની ગંગાબેન, દેવશીભાઇ મકવાણા અને તેમના પત્ની પ્રભાબેન ઘવાતાં તેઓને તાત્કાલિક સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે કોઈએ કંટ્રોલ રૂમમાં જાણ કરતા વીએચએફ દ્વારા મેસેજ પાસ કરતા આ જાણકારી એસીપી એચ.એલ.રાઠોડ પાસે પહોંચી હતી. જેથી ખુદ એસીપી રાઠોડે પોતે બીડું ઝડપી રસ્તા પર પેટ્રોલીંગમાં ઊભા રહ્યા હતા અને કાર ચાલક સહિત બે આરોપીઓને દબોચી આજીડેમ પોલીસ મથકના સ્ટાફને હવાલે કર્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ હ્યુન્ડાઈ ઓરા કારનો ચાલક રૈયા રોડ સાઈડ રહેતો હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ કારમાંથી પાણીની બોટલમાં માદક પ્રવાહી મળી આવતા કાર ચાલક અને સવાર બંને શખ્સોએ નશો કર્યો હોવાનું પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કારમાં શંકાસ્પદ કેફી પીણું હાજર: પીધેલી હાલતમાં અકસ્માત સર્જાયાની આશંકા

vlcsnap 2022 09 14 14h05m58s481

જીજે 03 એમઇ 9278 નંબરની હ્યુન્ડાઇ ઔરા કાર જે પોલીસે કબજે કરી છે. તેની અંદર પ્લાસ્ટિકની બોટલમાં શંકાસ્પદ કેફી પીણું, ડિસ્પોઝેબલ ગ્લાસ સહિતની ચીજ વસ્તુઓ હાજર હોય તેવા દ્રશ્યો ’અબતક’ના કેમેરામાં કેદ થયા છે. ત્યારે કાર ચાલકે પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યાની આશંકા છે. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં આ બાબતે પણ ખુલાસો કરવામાં આવશે તેવી પ્રબળ શકયતા છે. જો કે, હજુ સુધી પોલીસે આ દિશામાં કોઈ જ નિવેદન આપ્યું નથી.

એસીપી રાઠોડની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી કારચાલકને ઝડપી પાડ્યો

vlcsnap 2022 09 14 14h05m39s522

સવારના 10:30 વાગ્યાના અરસામાં રાજ સમઢીયાળા પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની હોય, અકસ્માત સર્જનાર વાહનના નંબર સહિતની વિગતો ક્ધટ્રોલમાંથી આપવામાં આવી હતી. તે જ સમયે એસીપી પૂર્વ એચ.એલ. રાઠોડ તેમના કમાન્ડો જગદીશ આહીર અને ડ્રાઇવર કેશુ પટેલ આજીડેમ ચોકડી ખાતે આવેલી એસીપી પૂર્વની ઓફીસ તરફ જઈ રહ્યા હતા. તે અરસામાં જ જીજે 03 એમઇ 9278 નંબરની હ્યુન્ડાઇ ઔરા કાર આજીડેમ ચોકડી ખાતેથી પુરપાટ ઝડપે પસાર થઈ હતી. આ કાર પર ધ્યાન પડતા જ એસીપી રાઠોડે ડ્રાઇવર કેશુ પટેલને કારનો પીછો કરવા જણાવ્યું હતું. પોલીસને પીછો કરતા જોઈ કાર ચાલકે ગોંડલ ચોકડી તરફ જતા સર્વિસ રોડ પર પુરપાટ કાર ભગાવી હતી. જે દરમિયાન આગળ વાહનોની અવર જવર હોવાથી કાર ધીમી પડતા કમાન્ડો જગદીશ આહિરે ચાલુ કારને ગિયરમાંથી ન્યુટ્રલ કરી કાર થંભાવી દીધી હતી અને  ફિલ્મી ઢબે પીછો કરીને કાર ચાલક અને તેની સાથે કારમાં હાજર અન્ય એક વ્યક્તિને દબોચી લેવાયાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.