પઠાણી ઉઘરાણી અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાત કરી લીધો

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના વેપારી નંદ લાલ ગુપ્તાએ બુધવારે બપોરે પોતાના લમણે ગોળી મારી આપઘાત કરી લીધો છે.  નંદ લાલ ગુપ્તાએ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને આવું ભયંકર પગલું ભરતા ચકચાર મચ્યો છે.

ઉત્તર પ્રદેશના બલિયાથી બુધવારે બપોરે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના એક હથિયારના વેપારીએ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને લમણે ગોળી ધરબી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે આ પગલું ભરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. પીએમ મોદી અને સીએમ યોગી પાસે ન્યાયની માંગ પણ કરી હતી. પરિવારના ભરણપોષણની કાળજી લેવા જણાવ્યું હતું.

ઘટના બન્યા બાદ પરિજનો વેપારીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. માહિતી મળ્યા બાદ એએસપી દુર્ગા પ્રસાદ તિવારી, સીઓ સીટી જિતેન્દ્ર કુમાર, કોટવાલ રાજીવ સિંહ હોસ્પિટલ પહોંચ્યા અને ઘટનાની પૂછપરછ કરી હતી.ફોરેન્સિક ટીમે સ્થળ તપાસ કરી પુરાવા એકત્ર કર્યા હતા. બનાવને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

સદર કોતવાલીના સ્ટેશન-માલગોદામ રોડ પર સ્થિત બલિયા આર્મ્સ કોર્પોરેશનના માલિક નંદલાલ ગુપ્તા બુધવારે બપોરે સોશિયલ મીડિયા પર લાઈવ આવ્યા હતા. કેટલાક લોકોને પૈસા પરત કરવા છતાં દબાણ કરીને મકાનનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.  આ પછી તેણે કહ્યું હતું કે હવે મારે જીવવું નથી.  માનનીય યોગીજી, મોદીજી મારી સાથે ન્યાય કરો. મારા પરિવારનું ભલું કરો.

મળતી માહિતી મુજબ નંદ લાલ ગુપ્તાએ અમુક શખ્સો  પાસેથી વ્યાજ પર નાણાં લીધા હતા. વ્યાજ સ્વરૂપે નાણાં પરત કરી દીધા હોવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. વ્યાજખોરોએ વેપારીનું મકાન પણ પડાવી લીધું હતું જે બાદ વેપારીએ આ પગલું ભર્યાનું સામે આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.