પડધરી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ
- કરિયાણાના વેપારીએ અડધા કરોડ જેટલી રકમ માસિક 15 ટકા વ્યાજે લીધા બાદ પઠાણી ઉઘરાણી કરવા ધમકી દેતા ઝેર ગટગટાવ્યું
- વ્યાજ સહિતની રકમ ચુકવી દીધી છતાં ધાક ધમકી દેતા હોવાના યુવાનના આક્ષેપ
પડધરીની સરકારી જમીન પર દબાણ સહિતના અનેક મુદે અવાર નવાર વિવાદમાં રહેતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ બાંભવા સહિત સાત શખ્સોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ દેતા હોવાના આક્ષેપ સાથે કરિયાણાના વેપારીએ ઝેરી દવા ગટગટાવી લીધાના આક્ષેપ સાથે સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરીના બેન્ક ઓફ બરોડા પાસે રહેતા અને ઘર પાસે જ કરિયાણાની દુકાન ધરાવતા રજનીક રૂગનાથ નામના 35 વર્ષના પટેલ યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે 108ની મદદથી રાજકોટ ખસેડવામાં આવ્યો છે.રજનીક પટેલની પૂછપરછ દરમિયાન તેને ચારેક વર્ષ પહેલાં પડધરી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ બાંભવા, રાજેન્દ્ર રમણીક, રમણીક નાથા, વિજય ડોડીયા, વિજય ભવાની મોબાઇલવાળો, જબ્બરો અને લાલો ઉર્ફે મેઘરાજના વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા અવાર નવાર ત્રાસ દેતા હોવાથી કંટાળી ઝેરી દવા પીધાનું જણાવ્યું હતું.
રજનીક પટેલને રાજકોટમાં મકાનની ખરીદી કરવાની હોવાથી રાજુ બાંભવા પાસેથી રૂા.4 લાખ, રાજેન્દ્ર રમણીક પાસેથી રૂા.7 લાખ, રમણીક નાથા પાસેથી રૂા.4 લાખ, વિજય ડોડીયા પાસેથી રૂા.4 લાખ, વિજય ભવાની મોબાઇલવાળા પાસેથી રૂા.4 લાખ, જબ્બરા પાસેથી રૂા.1 લાખ અને લાલો ઉર્ફે મેઘરાજ પાસેથી રૂા.7 લાખ માસિક 15 ટકા વ્યાજના દરે લીધા હતા.તમામ શખ્સોને વ્યાજ સહિતની રકમ ચુકવી દીધી હોવા છતાં મુદલની ઉઘરાણી કરી વધુ વ્યાજ માટે હેરાન કરતા હોવાથી આપઘાત કરવા માટે ઝેરી દવા ગટગટાવી લીધી છે.
માથાભારેની છાપ ધરાવતા રાજુ બાભવા સામે આ પહેલાં પણ સરકારી જમીન પર દબાણ કરવા સહિતના મુદે આક્ષેપ થયા હોવાનું રજનીક પટેલે જણાવ્યું હતું. રાજુ બાંભવા અને તેના સાગરિતોના ત્રાસના કારણે પોતે બરોબર ધંધો કરી ન શકતા હોવાનું અને નિરાતે જીંદગી જીવી શકે તેમ ન હોવાથી પોતાને આપઘાત કરવા માટે મજબુર થયો હોવાનું રજનીક પટેલે જણાવ્યું હતું.રાજુ બાંભવા રાજકીય વગ ધરાવતો હોવાથી તેની સામે પડધરી વિસ્તારમાં કોઇ ફરિયાદ કરવા તૈયાર થતું ન હોવાથી પોતાની મનમાની કરી ગરીબ, લાચાર અને મજબુર વ્યક્તિ માટે જીવુ મુશ્કેલ કરી દીધાનો રજનીક પટેલે આક્ષેપ કર્યો છે. પોલીસે રજનીક પટેલનું નિવેદન નોંધવા અને મરણોન્મુખ નિવેદન લેવા માટે કાર્યવાહી કરી છે. હાલ રજનીક પટેલની હાલત નાજુક ગણવામાં આવી રહી છે.