શહેરમાં ગોંડલ રોડ ચોકડીએ પિતૃકૃપા ટ્રાવેલ્સ નામે ઓફિસ રાખી વ્યવસાય કરતાં ટ્રાવેલ્સ સંચાલકની આઠ લાખની કિંમતની બસ ગોંડલ રોડ પૂલ નીચે પાર્ક કરી હતી ત્યાંથી અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરી કુવાડવાથી વાંકાનેર તરફના રસ્તે લઇ આગ લગાડી સળગાવી નાંખતા ચકચાર જાગી છે.
સીસીટીવી ફૂટેજ આધારે તસ્કરની ઓળખ મેળવવા પોલીસની મથામણ
વિગતો મુજબ પીડીએમ કોલેજ પાછળ શિવનગર-2માં રહેતાં પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક વિજયસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.45)ની ફરિયાદ પરથી આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિજયસિંહે પોલીસને જણાવ્યું છે કે તેઓ ગોંડલ રોડ ચોકડીએ પિતૃકૃપા ટ્રાવેલ્સ નામે ઓફિસ ધરાવે છે.તા. 28/9ના સાંજે સાતેક વાગ્યે ઓફિસે હતા. ત્યારે તેમની ટ્રાવેલ્સ બસ જીજે03બીઝેડ- 0070 ડ્રાઇવર અમિતભાઇ બાંટવાથી જુનાગઢ થઇ રાજકોટ આવતાં બ ઓફિસથી થોડે આગળ પુલ નીચે પાર્ક કરી દીધી હતી.જ્યારે બીજા દિવસે 29મીએ સવારે સાતેક વાગ્યે ઓફિસમાં કામ કરતાં લક્કીરાજસિંહે તેમને ફોન કરી જાણ કરી હતી કે આપણી બસ જ્યાં રાખી હતી તે સ્થળે બસની સફાઇ કરવા માટે માણસને ચાવી લઇને મોકલતાં એ માણસ પાછો આવ્યો છે અને બસ ત્યાં છે નહિ તેવું કહે છે.
જેથી વિજયસિંહ તુરત સ્થળ પર પહોંચ્યા હતા. બાદ તમને પોલીસમાં જાણ કરતા તપાસ થતાં બસ ચોરાઇ ગયાની ખબર પડી હતી.એ પછી તેમને જાણવા મળ્યું હતું કે આ બસ જીજે3બીઝેડ-0070 કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં કુવાડવાથી વાંકાનેર જવાના રસ્તે વાડી વિસ્તારમાં સળગેલી હાલતમાં પડી છે. આથી મારી ઓફિસના કર્મચારી ભાવશેભાઇ દાણીધારીયા અને ડ્રાઈવર અમિતભાઈ તપાસ ક2વા જતાં બસ સળગાવી નાખવામાં આવ્યાની ખબર પડી હતી. કોઇએ બસને ચોરીને લઇ જઇ સળગાવી નાંખી આઠ લાખનું નુકસાન કર્યુ હોઇ મેં આજીડેમ પોલીસમાં ફરિયાદ કરી હતી. હાલ પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં એએસઆઇ વી. બી. સુખાનંદીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.