ભર ચોમાસે કોર્પોરેશન ડિમોલિશન કરતા અનેક પરિવારો બેઘર: લોકોના ટોળેટોળા ઉમટયા, રોષનો માહોલ
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે શહેરના વોર્ડ નંબર 13માં ટીપી સ્કીમ નંબર 13 (કોઠારીયા)માં અલગ-અલગ ટી.પી.રો ને ખુલ્લા કરાવવા માટે ખોડીયારપરા વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટીપીના રોડ પર ગેરકાયદે ખડકાયેલા આશરે 80 જેટલા કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
ભરચોમાસે વરસાદમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવતા અનેક પરીવારો બેઘર બની ગયા હતા. લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નંબર 13મા ટીપી સ્કીમ નંબર 13(કોઠારીયા)માંખોડીયારરા વિસ્તારમાં ટીપી ના અલગ અલગ રોડ પર ગેરકાયદે ખડકાયેલા મકાનો દૂર કરવા એક વર્ષ પૂર્વે નોટિસ આપવામાં આવી હતી દરમિયાન લોકડાઉનના કારણે ડિમોલિશન શક્ય બન્યું ન હતું.
ગત સપ્તાહે દબાણકર્તાઓને ચાર દિવસનો અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે જો તેઓ મકાન ખાલી નહીં કરે તો મંગળવારે ડિમોલિશન હાથ ધરવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી હતી.જેના પગલે અસરગ્રસ્તોએ હાલ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડિમોલિશન ન કરવાની રજૂઆત મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને કરી હતી જોકે આજે ચાર દિવસની મુદત પૂર્ણ થતાની સાથે જ વહેલી સવારે ટાઉન પ્લાનીંગ શાખાનો કાફલો ચુસ્ત વિજિલન્સ અને પોલીસ બંદોબસ્ત સાથે ખોડીયારપરા વિસ્તારમાં ત્રાટક્યો હતો.
અહીં ટીપીના રોડ પર ખડકાયેલા અંદાજે 80 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં ટીપીના રોડને ખુલ્લો કરાવવા માટે ઇમલો ઉપાડી લઇ પેવર કામ કરવામાં આવશે.અચાનક જ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવતા ભરચોમાસે અનેક પરિવારને બેઘર બની ગયા હતા.તંત્રે ચાલુ વરસાદે પણ થોડી માનવતા ન દાખવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ડિમોલિશન વેળાએ લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા.જોકે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હોવાનું જાણવા મળે રહ્યું છે.