ટીપી રોડ અને ટીપીના અનામત પ્લોટ પરથી ઓરડી, ગેરેજ અને ઔદ્યોગીક બાંધકામ જમીનદોસ્ત કરાયાં: રૂ.87.51 કરોડની 12,689 ચો.મી. જમીન ખૂલ્લી કરાવાય
જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ગઇકાલે શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 230 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. દરમિયાન આજે શહેરના વાવડી વિસ્તારમાં કોર્પોરેશનના બુલડોઝરોએ ધણધણાટી બોલાવી હતી. ટીપીના અનામત પ્લોટ અને ટીપી રોડ પર ખડકાયેલા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતાં. રૂ.87.51 કરોડની બજાર કિંમતની 12,689 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલીશનની કામગીરી ચુસ્ત વિજીલન્સ અને પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોય કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાના આદેશ બાદ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના વાવડી વિસ્તારમાં ટીપીના રોડ અને કોર્પોરેશનના પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વોર્ડ નં.12માં ટીપી સ્કિમ નં.25 (વાવડી)માં 12 મીટરના ટીપી રોડ પર ગેરકાયદે ખડકાયેલી ઓરડીનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતુ. આ ઉપરાંત ટીપી સ્કિમ નં.15 (વાવડી)ના અંતિમ ખંડ નં.40/એ વાણિજ્ય હેતુ માટેના પ્લોટ પર આશરે 12502 ચો.મી. જમીન પર ઉભું કરી દેવાયેલું ગેરેજ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
અંદાજે 87.51 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. ત્યારબાદ ટીપીનો કાફલો સીલ્પ હિસ્ટોરીયા કોમ્પ્લેક્સમાં ત્રાટક્યો હતો. માર્જીન આશરે 35 ચો.મી. જમીનમાં ગેરેજ ઉભું કરી દેવાયું હતું. જે તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે વોર્ડ નં.12માં દિનેશભાઇ ગાજીપરા નામના વ્યક્તિએ 137 ચો.મી.ની જગ્યામાં ઔદ્યોગીક એકમનું બાંધકામ ખડકી દેવાયું હતું. જે તોડી પાડવામાં આવ્યું છે.
જો કોઇ સામાન્ય વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં પ્લાસ્ટર જેવી સામાન્ય કામગીરી પણ કરે તો ટીપીનો કાફલો આ કામગીરી અટકાવી દે છે અને આસામીને નોટિસ ફટકારે છે. ત્યારે વાવડી વિસ્તારમાં વાણિજ્ય હેતુ માટેના વિશાળ પ્લોટ પર ગેરેજ ખડકાઇ ગયુ ત્યાં સુધી ટીપીના અધિકારીઓની આંખો બંધ હતી તેવા સવાલો પણ ઉભા થઇ રહ્યાં છે.