સમય સમય બલવાન…!!!
અબુધાબીની મુબાદલા રિલાયન્સ રિટેલમાં આશરે ૭.૫ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે
કહેવાય છે કે ઉપરવાલા જબ દેતા હૈ તો ફપડ ફાડ કે દેતા હૈ ત્યારે હાલ રિલાયન્સના મુકેશ અંબાણીની સ્થિતિ રાજાના કુંવર જેવી જોવા મળી રહી છે. એક તરફ નાનો ભાઈ અનિલ ખાલીખમ્મ છે તો બીજી તરફ મુકેશ અંબાણીની જોલી દિવસ ઉગેને ભરાઈ જતી હોય છે. રિલાયન્સ હાલ ઝીરો ડેપ્ટ કંપની બની છે ત્યારે કંપની દ્વારા વધુ એક વિકાસલક્ષી પગલુ કંપની દ્વારા લેવામાં આવ્યું છે. રિલાયન્સ હર ક્ષેત્રમાં પોતાનો પગપેસારો કરી રહ્યું છે ત્યારે રિટેલ ક્ષેત્રને વધુને વધુ વેગ મળી રહે તે માટે રિલાયન્સ દ્વારા અનેકવિધ પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. આ તકે અબુધાબીની સૌથી મોટી રોકાણ કરતી કંપની મુબાદલા રિલાયન્સના રિટેલમાં આશરે ૭.૫ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે જયારે બીજી તરફ યુએસની જનરલ એન્ટાલન્ટીક ૩૬૭૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે ત્યારે કહી શકાય કે દિન-પ્રતિદિન રિલાયન્સની આવકમાં અનેકગણો વધારો જોવા મળ્યો છે.
આ પૂર્વે સિલ્વર લેક, કેકેઆર જેવી વિદેશી કંપનીઓએ પણ રિલાયન્સમાં રોકાણ કર્યું છે. રિલાયન્સ જીયોની જો વાત કરવામાં આવે તો જીયો પ્લેટફોર્મને વધુને વધુ વિકસિત બનાવવા માટે મુકેશ અંબાણી દ્વારા જે પગલા લેવામાં આવ્યા તેનાથી વિદેશી કંપનીઓએ આશરે ૧.૪૮ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. હાલ જીયો બાદ રિલાયન્સ રિટેલ ક્ષેત્રે દેશમાં ૧૨ હજાર સ્ટોર ખોલી રહ્યું છે જેમાં ગ્રોસરી, ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓ, ફેશન અને પગરખા જેવી ચીજોને સામેલ કરવામાં આવી છે. આ પૂર્વે અબુધાબીની મુબાદલાએ જીયો પ્લેટફોર્મમાં પણ આશરે ૧.૨ બિલીયન ડોલરનું રોકાણ કર્યું છે ફરી જ આ કંપની રિલાયન્સને રીટેલ ક્ષેત્રે મદદગાર અને મદદરૂપ સાબિત થશે. મુબાદલા કંપનીના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, રિલાયન્સ રિટેલમાં મુબાદલા આશરે ૫૦૦ મિલીયન ડોલરથી લઈ ૧ બિલીયન ડોલર સુધીનું રોકાણ કરશે પરંતુ હજી સુધી તે અંગે કોઈપણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
મુબાદલા વિશે જો વાત કરવામાં આવે તો તે અબુધાબીની બીજા નંબરની સૌથી મોટી રોકાણ કરતી કંપની છે કે જે ૨૪૦ બિલીયન ડોલરની અસેટ ધરાવે છે. રિલાયન્સમાં ફેસબુક અને ગુગલ પણ રોકાણ કરવા માટે તલપાપડ થઈ રહ્યું છે ત્યારે કહી શકાય કે રિલાયન્સની જે ટેગલાઈન છે કે કર લો દુનિયા મુઠ્ઠી મેં તેને સાર્થક કરવા મુકેશ અંબાણી ખુબ સ્માર્ટ રીતે કાર્ય કરી રહ્યા છે જેમાં તેઓએ સૌપ્રથમ કંપનીને દેણામુકત કર્યા બાદ અબજો રૂપિયા કમાઈ રહ્યા છે.