રાજકોટમાં નિર્ભયાકાંડ થતા સ્હેજમાં અટક્યો
યુવતીને ઢસડી દુષ્કર્મના થયેલા પ્રયાસથી રહીશોમાં ફફડાટ: રાતોરાત સ્વખર્ચે સ્ટ્રીટ લાઈટો નખાવી
રાજકોટમાં શનિવારના મોડી રાત્રીના નિર્ભયાકાંડ થતા સ્હેજમાં અટક્યો હતો. માધાપર ચોકડી પાસે સિવિલ હોસ્પિટલની નર્સને કોઈ અજાણ્યા શખ્સે ઢસડીને માર મારી વોકળામાં ખેચી જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે. મોડી રાત્રીના યુવતી પર થયેલા નિર્લજ હુમલાના કારણે રહેવાસીઓમાં ફફડાટ મચી ગયો છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓ રાતોરાત સ્વખર્ચે સ્ટ્રીટ લાઈટ ઊભી કરવી લીધી હતી.
આ ગંભીર બનાવની પ્રાપ્ત વિગત મુજબ માધાપર ચોકડી પાસે આવેલી મહાવીર રેસિડેન્સિમાં ફ્લેટમાં રહેતી રાજસ્થાનની વતની ૨૩ વર્ષની યુવતી શુક્રવારે રાત્રે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકેની પોતાની ફરજ પૂરી કરીને મોડી રાત્રીના હોસ્પિટલથી રિક્ષામાં બેસી માધાપર ચોકડીએ આવી હતી અને ચોકડીએ ઉતરી રસ્તો ક્રોસ કરી નર્સ મહાવીર રેસિડેન્સિ તરફ જઇ રહી હતી.
તે દરમિયાન યુવતીને પોતાનો કોઈ પીછો કરતો હોવાનું લાગતા તેણીએ પાછળ ફરીને જોતા કાળા કલરનું જેકેટ પહેરેલો અંદાજિત ૩૦ થી ૩૫ વર્ષીય કોઈ અજાણ્યો શખ્સ દોડીને તેની પાસે આવ્યો હતો અને વાળ પકડીને યુવતીને પાડી દીધી હતી.એટલું જ નહિ પરંતુ નરાધમે નર્સના વાળ ખેંચ્યા હતા અને નર્સનો હાથ પકડી બાજુમાં આવેલા નાલા તરફ ખેંચી જવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ આવા કપરા સમયમાં પણ નર્સે હિંમત દાખવીને તેનો પ્રતિકાર કરતાં તે શખ્સ વધુ ઉશ્કેરાયો હતો અને તેણે નર્સને ધક્કો મારી પછાડી દઇ તેને ઢસડવાનું શરૂ કર્યું હતું. તે સમયે યુવતીએ હિંમત દાખવી નરાધમને ધક્કો મારી તેના ચંગુલમાંથી છૂટી ઘર તરફ દોડી ગઈ હતી. જ્યાં સ્થાનિકોને આ વાતની જાણ થતાં યુવતીને હોસ્પિટલ લઈ જઈ રાતોરાત સ્ટ્રીટ લાઇટની સુવિધા ઊભી કરી હતી.
આ અગંભિર ઘટનાના પગલે પોલીસ દ્વારા માટે કાગળ પર કાચી અરજી લઈ તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ઘટનાના બે દિવસ બાદ પણ નિર્લજ હુમલો કરનાર આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર હોવાથી પોલીસની ઢીલીનીતિ સામે આવી છે.
પોલીસે કાયદાની આટિધૂટી સમજાવી ફરિયાદ કર્યાનું ટાળ્યું
નિર્ભયાકાંડ જેવી ગંભીર ઘટના રાજકોટમાં સહેજ થતા અટકી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને સમજ્યા વગર આ ઘટનામાં ફરિયાદ ન કરવાનું ટાળી ફક્ત અરજીના આધારે તપાસ કરવાનું સૂચવ્યું હતું. ગાંધીગ્રામ પોલીસે આટલી ગંભીર ઘટનાને પગલે ક્રાઇમ ગ્રાફ ઘટાડવા ગુનાનું બરકિંગ કર્યું હોવાનું સામે આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે નર્સની પાક્કી ફરિયાદ લેવાના બદલે અરજીમાં યુવતી પાસે આરોપી પકડાયા બાદ એફઆઇઆર નોંધવાનું લખાવી છટકબારી ગોઠવી દીધી હતી.
અવાવરૂ ઘટના સ્થળ પર ખાલી દારૂની બોટલો પણ મળી આવી
શહેરના ભાગોળે માધાપર ચોકડી પાસે નર્સ પર થયેલા નિર્લજ હુમલાના પગલે પોલીસે છટકબારીનું વલણ દાખવ્યું હતું. એટલું જ નહિ પરંતુ જે સ્થળ પર આ ગંભીર ગુનો બન્યો તે અવાવરૂ સ્થળ પર ખાલી દારૂની બોટલ પણ મળી આવતા રહેવાસીઓ ચોકો ઉઠ્યા હતાં. આવા અવાવરૂ સ્થળો જાણે ગુનાહિત પ્રવૃત્તિઓનું એપી સેન્ટર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ પોલીસના ઢીલાશ ભર્યા વલણના પગલે હવે ગુનેગારો જાણે કાયદાનું ભાન ભૂલી પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
પોલીસ અને કોર્પોરેશનની ઘોર ગુનાહિત બેદરકારી
માધાપર ચોકડી પાસે બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલની નર્સ પર થયેલા નિર્લજ હુમલાના પગલે હજુ સુધી આરોપી પોલીસ સકાંજાથી દૂર હોવાનું અને કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ લાઈટ ન નખાતા આરોપીઓએ અંધારાનો લાભ લઇ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા હોવાના ધટક સ્ફોટ બાદ પણ હજુ તંત્ર ઊંઘતું દેખાય રહ્યું છે. ગંભીર ઘટના બાદ રહેવાસીઓએ સ્વખર્ચે જ રાતોરાત સ્ટ્રીટ લાઈટ ઊભી કરવાનો વારો આવ્યો હતો. પરંતુ પોલીસે હજુ સુધી ગંભીર ઘટનાના પગલે કડક કાર્યવાહી ન કરતા પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.