ભારતે એલએસી પર ચાલી રહેલા વિવાદ અંગે ચીન સાથે દિલ્હીમાં રાજદ્વારી વાટાઘાટો કરી
ભારત અને ચીને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે એલએસી પર ચાલી રહેલા વિવાદ અંગે દિલ્હીમાં રાજદ્વારી વાટાઘાટો કરી હતી. આ સંવાદમાં સૈન્ય કમાન્ડરો વચ્ચે આગામી રાઉન્ડની ચર્ચા યોજવા માટે સમજૂતી થઈ છે.
હવે ભારત અને ચીનના સૈન્ય કમાન્ડરો વચ્ચે ટૂંક સમયમાં વાતચીત થશે. જો કે, આ વાતચીત ક્યારે અને ક્યાં થશે તે અંગેની માહિતી હાલ જાહેર કરવામાં આવી નથી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત-ચીન બોર્ડર અફેર્સ પર કન્સલ્ટેશન અને કોઓર્ડિનેશન માટે ડબ્લ્યુડબ્લ્યુસીસીની આ 27મી બેઠક હતી, જે નવી દિલ્હીમાં યોજાઈ હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા અને દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા માટે આ બેઠક યોજાઈ હતી. હાલના દ્વિપક્ષીય કરારો અને પ્રોટોકોલ મુજબ, બંને દેશો લશ્કરી કમાન્ડરોના 19મા રાઉન્ડ પર ચર્ચા કરવા સંમત થયા છે. શક્ય તેટલી વહેલી તકે કમાન્ડરોની બેઠક થશે. ભારત સરકારે કહ્યું કે શાંતિ અને સુલેહ-શાંતિની પુનઃસ્થાપના દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાની પરિસ્થિતિઓ બનાવશે.