ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હતો : દવાઓ, ઈન્જેકશન અને મેડિકલ સાધનો મળી કુલ.રૂ.9000 મુદ્દામાલ કબજે
રાજકોટ શહેરમાં આજીડેમ ચોકડી નજીક ડિગ્રી વગર દવાખાનુ ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને આજી ડેમ પોલીસની ટીમે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બોગસ તબીબ પાસેથી મેડિકલ સાધનો, દવાઓ અને ઈન્જેકશન સહિતનો રૂ.9597નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજીડેમ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આજીડેમ ચોકડી નજીક કિસાન ગૌશાળાવાળા રોડ પર શ્રીરામ પાર્ક-3માં દેવરામ કૃપા નામના મકાનમાં શૈલેષ વસંતભાઇ નિમાવત નામનો વ્યક્તિ કોઇપણ પ્રકારની ડિગ્રી વગર ડોકટર બની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. જ્યાં પોલીસે આરોપી પાસેથી એલોપેથી તબીબી પ્રેક્ટિસ અંગેનું સર્ટીફિકેટ અને મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ માંગ્યું હતું. ત્યારે બોગસ તબીબ શૈલેષએ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ એન્ડ રિસર્ચ ન્યુ દિલ્હીનું સર્ટીફિકેટ રજૂ કર્યું હતું.આ સર્ટીફિકેટ મેડિકલ કાઉન્સિલ તરફથી વેલીડ નથી અને તારીખ પણ એક મહિના પહેલાની હતી. જયારે પોલીસે ગુજરાત મેડિકલ કાઉન્સીલ વૈધક વ્યવસાયી તરીકેના રજીસ્ટ્રેશન અંગે પૂછપરછ કરતા આરોપી હતપ્રત થઈ ગયો હતો અને તેણે આ રજીસ્ટ્રેશન કરાવ્યું નહિ હોવાનું કહેતાં આજીડેમ પોલીસે તેની ધરપકડ કરીને ગુનો નોંધી મેડિકલ સાધનો, ઇન્જેક્શનો અને એલોપેથિક દવાઓ સહિતનો રૂ.9597નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથધરી છે.