જેનેરિક દવાઓનું જ્ઞાન હોવાથી એલોપેથીક તબીબ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી દેતા ક્રાઈમ બ્રાન્ચે કરી કાર્યવાહી
રાજકોટમાં રહી છેલ્લા કેટલાક સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો વંથલીના બોગસ તબીબને ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે પકડી પાડી તેની પાસેથી એલોપેથીક દવાઓ, ઇન્જેકશન વગેરે સહિતનો નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે તેની પૂછતાછ કરતાં સામે આવ્યું હતું કે આરોપીને જેનેરિક દવાઓનું જ્ઞાન હોવાથી એલોપેથીક તબીબ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.
વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વાય.બી. જાડેજા ના માર્ગદર્શન હેઠળ પીએસસાઈ એન.ડી.ડામોરને મળેલી બાતમી આધારે 40 ફૂટ મેઇન રોડ પર બાપા સીતારામ ચોક પાસે પ્રજાપતિ સીસાયટીમાં છેલ્લા પાંચેક વર્ષથી પ્રેકટિસ કરતાં બોગસ ડોક્ટર અમૃતલાલ રાજાભાઈ ભાલોડીયા (ઉ.વ.68, એ શિવાય એપાર્ટમેન્ટ, ફલેટ નં. 304, મવડી મેઇન રોડ)ને કાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા.
વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે મળેલી બાતમીના આધારે આજે અમૃતલાલના ક્લીનીકમાં દરોડો પાડ્યો હતો. તેણે પૂછપરછમાં કહ્યું કે એસવાયબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેને જેનેરિક દવાઓનું જ્ઞાન હતું. જેના આધારે તેણે એલોપેથીક ડોક્ટર તરીકેની પ્રેકટિસ શરૂ કરી દીધી હતી. જે વિસ્તારમાં પ્રેકટિસ કરતા હતા ત્યાં મોટાભાગે ગરીબ અને શ્રમિક પરિવારો રહે છે. જેમની પાસેથી રૂા. 25 થી રૂા. 30 ફી લઇ તેમના આરોગ્ય સાથે ચેડા કરતા હતા.ક્રાઇમ બ્રાંચે ક્લીનીકમાંથી એલોપેથીક દવાઓ, ઇન્જેકશન વગેરે મળી રૂા. 6 હજારનો સાધનો ઉપરાંત રૂા. 550 રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ રૂા. 11,628નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ક્રાઇમ બ્રાંચના સુત્રોએ જણાવ્યું કે આરોપી મૂળ વંથલીના વતની છે. હાલ બોગસ તબીબ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.